
વિસનગર તાલુકા પંચાયતની જનરલમાં ટેન્ડરીંગથી વિકાસકામોનો મુદ્દો ચગ્યો

- મેં તાલુકા પંચાયતની પ્રમુખની ખુરશી ઉપર બેસી કોઈને એટ્રોસીટીની ધમકી આપી નથી, અને તાલુકા સદસ્યના પતિ મુકેશભાઈ પ્રજાપતિ જોડે ક્યારેય ખરાબ વર્તન કર્યુ નથી. મુકેશભાઈ રાજકીય રીતે મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે-પુષ્પાબેન વણકર
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં અને ટીડીઓની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતની જનરલ સભા મળી હતી. આ સભામાં તાલુકા પંચાયતના પ્રમુખે પુદગામ સ્મશાન બનાવવાના વિવાદમાં આપેલી એટ્રોસીટીની ધમકી અને ધારાસભ્ય ફંડમાંથી તાલુકાના ગામોમાં થનાર વિકાસકામો ટેન્ડરીંગ પ્રક્રિયાથી કરવાનો મુદ્દો ચગ્યો હતો. જેમાં પ્રમુખ પુષ્પાબેન વણકરે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે મેં પ્રમુખની ખુરશીમાં બેસી એટ્રોસીટીની કોઈને ધમકી આપી નથી. ગામના ઝગડામાં ગુસ્સામાં આવી લોકો કોઈપણ ધમકી આપતા હોય છે. આતો તાલુકા સદસ્યના પતિ મુકેશભાઈ પ્રજાપતિ ગામનો પ્રશ્ન તાલુકા પંચાયતમાં લાવી રાજકીય રીતે મને બદનામ કરી રહ્યા છે. જ્યારે વિકાસકામોમાં ટેન્ડરીંગ પ્રક્રિયા કરવાની ચર્ચામાં ભાજપના સદસ્યોએ ટીડીઓને કહ્યુ કે તમે તાલુકાના તમામ ગામોમાં ટેન્ડરીંગ પ્રક્રિયા કરજો. જો કોઈ ગામ બાકી રાખશો તો મોટો હોબાળો થશે.
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકરની અધ્યક્ષતામાં અને ટીડીઓ સુચીબેન પટેલની ઉપસ્થિતિમાં તા.૨૪-૧ ના રોજ તાલુકા પંચાયતના સદસ્યોની જનરલ સભા મળી હતી. જેમાં તાલુકા પંચાયત હસ્તકની દુકાનોનું ભાડુ વધારવા તથા તાલુકાના ગામોમાં થનાર વિકાસકામોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે દુકાનોનું ભાડુ વધારવા બાબતે પ્રમુખ સહિત તમામ સદસ્યોએ એક સૂરે બહાલી આપી હતી. જ્યારે ધારાસભ્યની રૂા.૧.૨૦ કરોડની ગ્રાન્ટમાંથી સરપંચ સિવાયના તાલુકાના ગામોમાં ટેન્ડરીંગથી વિકાસકામો કરવાના મુદ્દે સદસ્યોએ ટીડીઓને કહ્યુ કે, જો તમે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટેન્ડરીંગ કરી વિકાસકામો કરવા ઈચ્છતા હોય તો તમામ ગામોમાં ટેન્ડરીંગથી વિકાસ કામો કરજો. જો કોઈ ગામ બાકી રાખશો તો ખોટા હોબાળા થશે. જોકે ધારાસભ્ય ફંડમાંથી ટેન્ડરીંગથી વિકાસકામો કરવાની બાબતે ભાજપના મોટાભાગના સદસ્યોનો જ અંદરખાને વિરોધ છે. પરંતુ ગમે તે કારણે તેઓ જાહેરમાં વિરોધ કરતા નથી. આ જનરલ સભામાં પુદગામ સ્મશાન બનાવવાના વિવાદમાં તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરે આપેલી એટ્રોસીટીનો મુદ્દો ચમક્યો હતો. જેમાં પુષ્પાબેને જણાવ્યુ હતું કે, હું છેલ્લા ચાર વર્ષથી તાલુકા ડેલીગેટ છું, પરંતુ મેં ક્યારેય કોઈની સાથે ઝગડો કે અણછાજતુ વર્તન કર્યુ નથી. સ્મશાની જગ્યાનો વિવાદ ગામમાં થયો હતો. અત્યારે ગામમાં કોઈપણ બાબતે ઝગડા થાય ત્યારે ગુસ્સામાં એકબીજાને ધમકી આપતા હોય છે. મેં તાલુકા પંચાયતની પ્રમુખની ખુરશી ઉપર બેસી કોઈને એટ્રોસીટીની ધમકી આપી નથી. અને તાલુકા સદસ્યના પતિ મુકેશભાઈ પ્રજાપતિ સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યુ નથી. આતો મુકેશભાઈ ફક્ત મારા વિકાસકામોમાં ડખલગીરી કરતા હોવાથી હું તેમને ગુસ્સામાં બોલી હતી. પણ તેમની ઉપર એટ્રોસીટીની ફરિયાદ કરી નથી. અગાઉ મારા ગામમાં વીજપોલ નાખવાનું કામ ચાલુ હતુ ત્યારે પણ મુકેશભાઈએ અટકાવ્યુ હતુ. મુકેશભાઈના પત્નિ ડેલીગેટ છે છતાં તે દરેક વિકાસકામ બાબતે વચ્ચે બોલે છે. જ્યારે મારા પતિ ક્યારેય વિકાસકામોમાં ડખલગીરી કરતા નથી. સ્મશાનની જગ્યાનો વિવાદ ગામનો હતો. અને આ પ્રશ્નનું ગામમાં સમાધાન થઈ શકતુ નથી. મુકેશભાઈ વર્ષોથી ગામમાં રહેતા નથી, છતાં મુકેશભાઈ ગામનો પ્રશ્ન તાલુકા પંચાયતમાં લાવ્યા. અગાઉ ગામમાં દબાણનો મોટો વિવાદ થયો હતો. જેમાં ગામના આગેવાનોએ ભેગા મળી તેનો સારો ઉકેલ લાવ્યા હતા. ત્યારે સ્મશાન બનાવવાના સામાન્ય વિવાદને તાલુકા પંચાયત સુધી લાવવાનું કારણ શું? સ્મશાન બાબતે મુકેશભાઈએ મારી જોડે અથવા ગામના આગેવાનો સાથે શાંતીથી ચર્ચા કરી હોત તો તેનું સમાધાન થયુ હોત. આતો મુકેશભાઈ રાજકીય રીતે મને બદનામ કરવા ગામનો પ્રશ્ન તાલુકા પંચાયતમાં લાવ્યા હતા.
અત્રે નોંધપાત્ર બાબત એ છેકે ધારાસભ્યની આશરે રૂા.૧.૨૦ કરોડ ગ્રાન્ટમાંથી ટેન્ડરીંગ કરી તાલુકાના ગામોમાં વિકાસકામો કરવાની બાબતે પૂર્વ સરપંચો અને તાલુકા સદસ્યોમાં એવી ચર્ચા છેકે સરકારના ૨૯-૮-૨૦૧૨ ના પરિપત્ર મુજબ કોઈપણ ગ્રાન્ટમાંથી રૂા.૬ લાખ સુધીના વિકાસકામો કરવાની સત્તા ગ્રામ પંચાયતની છે. છતાં ટીડીઓ કોઈના ઈશારે ધારાસભ્યની ગ્રાન્ટમાં ટેન્ડરીંગ કરી વિકાસકામો કરાવશે તો વિવાદ થશે. જેમાં જો કોઈ વ્યક્તિ ટેન્ડરીંગ પધ્ધતિથી વિકાસકામો થયા બાદ હાઈકોર્ટમાં P.I.L. દાખલ કરશે તો ટીડીઓ, તલાટી, વહીવટદાર સહિત જવાબદાર કર્મચારીઓ કાયદાની ચુંગાલમાં ફીટ ફસાશે અને ભાજપ સરકાર બદનામ થશે. તાલુકાના પૂર્વ સરપંચો અને તાલુકા સદસ્યોની ચર્ચા જોતા તાલુકાનો ભાજપ વિરોધી કોઈ વ્યક્તિ ટેન્ડરીંગ પધ્ધતિના મુદ્દે હાઈકોર્ટમાં P.I.L. દાખલ કરશે અથવા કોઈ આગેવાન પડદા પાછળ બીજા પાસે કરાવશે તેવી શંકા પ્રબળ બની છે.