Select Page

પાલિકા જનરલમાં જી.ડી.ના લંપટ શિક્ષકની ચર્ચા અવગણી

પાલિકા જનરલમાં જી.ડી.ના લંપટ શિક્ષકની ચર્ચા અવગણી

વિરોધ પક્ષના નેતાએ કરેલા પ્રશ્નમાં પ્રમુખ જવાબ આપવામાંથી છટક્યા

  • ગરીબ, મધ્યમ વર્ગ બક્ષીપંચ સમાજની દિકરીઓની સુરક્ષાની કોઈને ચિંતા નથી

વિસનગર પાલિકા જનરલમાં વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ જી.ડી.હાઈસ્કુલના લંપટ શિક્ષકનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ આ શિક્ષક સામે કાર્યવાહીમાં પ્રથમથીજ મોં સંતાડતા પાલિકા પ્રમુખે વિપક્ષ નેતાના પ્રશ્નનો જવાબ આપવાનુ ટાળ્યુ હતુ. જનરલમાં એજન્ડાના ૫૩ ઠરાવ અને પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવેલ ૧૩ ઠરાવની ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
વિસનગર પાલિકાના સખાખંડમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, દંડક અમાજી ઠાકોરની ઉપસ્થિતિમાં સાધારણ સભા મળી હતી. ઉપપ્રમુખ પદે ચુંટાયા બાદ લખીબેન ઠાકોરની આ પ્રથમ સાધારણ સભા હતી. પરંતુ ગમે તે કારણોસર હાજરી નહી આપતા ચર્ચાનો વિષય બન્યો હતો. જનરલમાં પાલિકાના વિવિધ વિભાગમાં જરૂરી માલ સામાનના વાર્ષિક ભાવ મંગાવવા, તથા વિકાસ કામોના ઠરાવની ચર્ચા કરી મંજુર કરવામાં આવ્યા હતા. જનરલમાં કાંસા એન.એ.વિસ્તાર અનુ.જાતિ વિકાસ ટ્રસ્ટની આઈ.ટી.આઈ. ચાર રસ્તાને સંવિધાન ચોક નામકરણની અરજી આધારે પ્રમુખ સ્થાનેથી કરવામાં આવેલો ઠરાવ નામંજુર કરવામાં આવ્યો હતો.
આ જનરલમાં વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈએ જી.ડી.હાઈસ્કુલના પ્રાથમિક વિભાગના લંપટ શિક્ષકનો મુદ્દો ઉઠાવી પ્રમુખ ઉત્તમભાઈ સમક્ષ રજુઆત કરી હતી કે આ વિવાદમાં શું કાર્યવાહી કરી, વિપક્ષ નેતાએ જણાવ્યુ હતું કે, શિક્ષક ટ્યુશન આવતી વિદ્યાર્થી સાથે લગ્ન કરે તે તેની અંગત બાબત છે. પરંતુ જી.ડી.હાઈસ્કુલની ગરીબ પરિવારની બે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરે તેના વિરુધ્ધ શું કાર્યવાહી કરી તે ગૃહમાં જણાવો. જી.ડી.હાઈસ્કુલ પાલિકા સંચાલિત છે, ત્યારે પાલિકા હસ્તકની શૈક્ષણિક સંસ્થામાં જે બનાવ બન્યો છે તે શરમજનક બાબત છે. આવા શિક્ષક વિરુધ્ધ એક્શન લેવાની માગણી કરી હતી. ત્યારે શાસક પક્ષમાંથી રૂતુલભાઈ પટેલ નીચે જઈને ચર્ચા કરીએ, દંડક અમાજી ઠાકોરે વિકાસની વાત કરો, આ બાબતનુ અમને પણ દુઃખ છે તેમ જણાવ્યુ હતુ. જ્યારે પ્રમુખ ઉત્તમભાઈ પટેલે અમારા સભ્યોને તમામ બાબતનો ખ્યાલ છે તેમ કહી કોંગ્રેસના સભ્યો જાણે પાલિકાના પ્રતિનિધિ ન હોય તેવી હાસ્યાસ્પદ વાત કરી હતી. વિપક્ષ નેતા ચર્ચા કરતા રહ્યાને પ્રમુખ જનરલ પૂર્ણ થઈ ગઈ હોય તેમ ખુરશી ઉપરથી ઉભા થઈ ગયા હતા.
જનરલ બાદ પ્રમુખ અને વિપક્ષ નેતા વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈએ પેપરોમાં આટલા બધા સમાચાર આવે છે તો તમે શુ ખ્યાલ રાખો છો તેવા પ્રશ્નમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલે ફરીથી ઉડાઉ જવાબ આપ્યો હતો કે, સમાચારો તો આવતા રહે તેની ચિંતા કરવાની ન હોય. જી.ડી.હાઈસ્કુલમાં બે વિદ્યાર્થીનીઓની છેડતીનો પ્રશ્ન ગંભીર બાબત છે. ખરેખર આવા શિક્ષક સામે પગલા ભરવા પ્રમુખે આગળ આવવુ જોઈએ, ત્યારે પ્રમુખ ઉત્તમભાઈ પટેલ આ બનાવની શરૂઆતથીજ આ સમગ્ર પ્રકરણ ઉપર ઢાંક પિછોડ કરતા હોવાની શંકા હતી. જે પાલિકા જનરલમાં ખુલ્લી પડી છે. જી.ડી.હાઈસ્કુલ પાલિકા સંચાલિત હોવાથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ચિંતા કરવાની જગ્યાએ પ્રમુખે લંપટ શિક્ષક સામેની કાર્યવાહીના પ્રશ્નમાં ઉડાઉ જવાબ આપતા જી.ડી.ની વિદ્યાર્થીનીઓની સુરક્ષાનુ શું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગુજરાતની ભાજપ સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી દિકરીઓ નિશ્ચીત થઈ ફરી શકે તેવા કડકમાં કડક કાયદાનો અમલ કરાવી રહ્યા છે, ત્યારે આજ ભાજપ શાસીત પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પાલિકા સંચાલિત શાળાની વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર શિક્ષક વિરુધ્ધ કાર્યવાહી કરવાની વાત તો એકબાજુ રહી ચર્ચા કરવાનુ પણ ટાળી રહ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે સત્તાધારી પક્ષના સભ્યોની જનરલ અંતર્ગત મળેલી સંકલનમાં પણ લંપટ શિક્ષકનો મુદ્દો ચગ્યો હતો, પરંતુ દિકરીઓની સુરક્ષા કરવાની વાતો કરતા ભાજપમાં લંપટ શિક્ષક વિરુધ્ધની કાર્યવાહીમાં પ્રમુખ સહિતનુ બોર્ડ વામણુ સાબીત થયુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us