Select Page

સરકારે ઘરવિહોણા પરિવારોને કાયમી સરનામુ આપ્યુ છે-ઋષિભાઈ પટેલ

સરકારે ઘરવિહોણા પરિવારોને કાયમી સરનામુ આપ્યુ છે-ઋષિભાઈ પટેલ

વિસનગરમાં વિચરતી વિમુક્ત જાતિના ૧૨૧ પરિવારોને પ્લોટની સનદ વિતરણ કરાઈ

  • આજે મને કોઈને એવોર્ડ આપવા કરતા ઘરવિહોણા પરિવારોને પ્લોટની સનદ આપવામાં વધુ આનંદ થયો છે-કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર એ.પી.એમ.સી. હોલમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં ગત રવિવારે વિચરતી વિમુક્ત જાતિના ૧૨૧ પરિવારોને કાયમી રહેણાંકના પ્લોટની સનદ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, પ્રાન્ત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર એફ.ડી.ચૌધરી, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, પુર્વ શહેર પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ રબારી, પુર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ દેસાઈ સહિત પાલિકાના કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ગરીબોની સતત ચિંતા કરી છે. સરકારે ગરીબ અને વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા પરિવારોને મફત પ્લોટ આપી કાયમી સરનામુ આપવાનું કાર્ય કર્યુ છે. શહેરના વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા પરિવારોએ સાત વર્ષ પહેલા મારી પાસે માંગણી કરી હતી કે, સાહેબ અમને બધાને એક જ જગ્યાએ પ્લોટ ફાળવવામાં આવે તેવુ કરજો. ત્યારે પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ સહિત વહીવટી તંત્રની ટીમે વિચરતી વિમુક્ત જાતિના ૧૨૧ પરિવારોને મફત પ્લોટ ફાળવવાનું સેવાનું કાર્ય હાથ ઉપર લીધુ હતુ. જે આજે પુર્ણ થયુ છે. આજે મને કોઈને એવોર્ડ આપવા કરતા ગરીબોને પ્લોટની સનદ આપવાનો વધુ આનંદ થયો છે. સરકારે ઘર વિહોણા ગરીબ પરિવારોને મફત મકાનની સાથે સાથે રાશન, શિક્ષણ, આરોગ્ય તથા સગર્ભા માતા અને કુપોષિત બાળકોની સતત ચિંતા કરી છે. વધુમાં મંત્રીશ્રીએ આવનારી નવી પેઢીને શિક્ષિત બનાવવા તમામ લાભાર્થીઓને પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ત્રણ કોર્પોરેટરોમાં કિરીટભાઈ પરમાર, ભાવેશભાઈ મોદી અને શાલીનીબેન કંસારા જ હાજર રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ કરી હતી. કાર્યક્રમનું એન્કરીંગ ગોઠવાના શિક્ષક કૌશલભાઈ રાવલે કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us