
ધાર્મિક મેળાવડામા જશની સાથે દુર્ઘટનામા હિન્દુ મહારથીઓ નિષ્ફળતા પણ સ્વિકારે ધાર્મિક મેળાવડામા ક્યા સુધી હિન્દુઓ જીવ ગુમાવશે

તંત્રી સ્થાનેથી…
હિન્દુ ધાર્મિક ગ્રંથો મુજબ ૮૫૦ થી પણ વધુ વર્ષથી કુંભમેળો યોજાય છે. કેટલાક ગ્રંથોમાં સમુદ્રમંથન બાદ કુંભમેળો યોજાતો હોવાનો ઉલ્લેખ છે. મહાકુંભ, અર્ધકુંભ, પુર્ણકુંભ અને માધકુંભ એમ કુલ ચાર પ્રકારના કુંભમેળા યોજાય છે. હરિદ્વારમાં ગંગા નદીના કિનારે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમા શિપ્રા નદીના કિનારે, મહારાષ્ટ્ર નાસિકમાં ગોદાવરી નદીના કિનારે અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થાને કુંભમેળા યોજાય છે. અત્યારે સંક્રાંતથી શિવરાત્રી સુધી ૪૫ દિવસનો મહાકુંભ પ્રયાગરાજમા યોજાઈ રહ્યો છે. બાર પુર્ણ કુંભ બાદ ૧૪૪ વર્ષે યોજાતા મહાકુંભમાં સ્નાન કરવા ભારત સહિત સમગ્ર વિશ્વના હિન્દુઓ અને વિદેશીઓમાં પણ ઘેલુ લગાડ્યુ છે. જીવનમાં એક વખત આવતા મહાકુંભમાં સ્નાન કરવા દેશના મોટાભાગના હિન્દુઓમાં થનગનાટ છે. આ વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સીધી દેખરેખમાં છેલ્લા છ માસથી મહાકુંભની તૈયારીઓ કરવામાં આવી હતી. યોગી પોતે એક સંત છે. જે હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાને સાચી રીતે સમજતા હોવાથી હિન્દુ ધર્મ તથા સંસ્કૃતિને દેશમાજ નહી પરંતુ વિદેશોમાં ઓળખ થાય તે માટેના તન, મન, ધનથી તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં મીડિયા કવરેજમા વેઈટેજ મળતા આ વખતના મહાકુંભ મેળાની જબરજસ્ત ચર્ચા થઈ રહી છે. મહાકુંભમાં ૪૦ કરોડ લોકો ભાગ લેવાના હોવાના અંદાજ પ્રમાણે પ્રથમથીજ ઉત્તરપ્રદેશની સરકાર તમામ તૈયારીઓ કરી રાખી છે. પહેલાની પરિસ્થિતિ એવી હતી કે ધાર્મિક કાર્યક્રમોમાં સિનિયર સિટિઝન ભાગ લેતા હતા. વર્ષ ૨૦૧૪ થી જ્યારથી કેન્દ્રમાં હિન્દુત્વવાદી સરકાર આવી છે ત્યારથી યંગસ્ટર્સ પણ ધર્મ અને સંસ્કૃતિ તરફ સજાગ બની આકર્ષાયા છે. જેના કારણે ચારધામ યાત્રા હોય કે મહાકુંભ હોય યંગસ્ટર્સમા પણ એટલુજ આકર્ષણ વધ્યુ છે. જેથી મહાકુંભમાં મુશ્કેલીઓનો સામનો કરવાની માનસિક તૈયારી રાખીને પણ લોકો સ્નાન કરવા માટે પ્રયાગરાજ તરફ જે મળ્યુ તે વાહનમાં જઈ રહ્યા છે. ૪૫ દિવસના મહાકુંભમાં તમામ દિવસો સ્નાન કરવા માટેના પવિત્ર દિવસ છે. સ્નાન કરવા માટે એક નહી પરંતુ ઘણા ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. જે પણ ઘાટ ઉપર સ્નાન કરવામાં આવે ત્યા કુંભ સ્નાનનુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમ છતા મૌની અમાવસ્યાનુ સ્નાન સૌથી મહત્વનુ સ્નાન ગણાતુ હોવાથી મહાકુંભમાં તા.૨૮-૧-૨૫ ને મંગળવારની રાત્રે સંગમ નોઝ ઉપર સ્નાન કરવા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટતા ભાગદોડ થતા ૩૦ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ કેટલાક ધર્મગુરુઓ મૃત્યુઆંક ત્રણની સંખ્યામાં હોવાનુ જણાવી ઉત્તરપ્રદેશ સરકારની નિષ્ફળતા ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પહેલેથીજ સતર્ક હતા. પરંતુ અંદાજ કરતા વધુ લોકો ઉમટતા ભીડ બેકાબુ બની અને દુર્ઘટના સર્જાઈ. મૌની અમાવસ્યાના દિવસેજ સાત કરોડથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટ્યા હોવાનો અંદાજ છે. મહાકુંભમાં ૪૦ કરોડથી વધુ શ્રધ્ધાળુઓ ભાગ લેવાના અંદાજ હતો ત્યારે તા.૪-૨-૨૫ સુધીમાજ ૩૭ કરોડથી વધુ શ્રધ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યુ છે. મૌની અમાવસ્યાની દુર્ઘટના બાદ વસંત પંચમીના દિવસે કોઈ અનહોની ન થાય તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથીજ મહાકુંભ ઉપર મોનીટરીંગ કર્યુ હતુ. મહાકુંભની આ દુર્ઘટના બાદ અગાઉના મેળાઓમાં થયેલી દુર્ઘટનાની યાદ પણ તાજી થઈ છે. ૧૯૫૪ મા ભાગદોડના કારણે ૮૦૦ શ્રધ્ધાળુઓએ જીવ ગુમાવતા કુંભના ઈતિહાસની સૌથી કરૂણ ઘટના ગણવામાં આવે છે. ૨૦૦૫ જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના વઈ નગરના મંધારદેવી મંદીરમાં ધક્કામુક્કી થતા ૨૬૫ કરતા વધુ શ્રધ્ધાળુઓએ જીવ ગુમાવ્યો. ૨૦૦૮ માં હિમાચલ પ્રદેશમાં આવેલ નૈનાદેવી મંદિરમાં દર્શનાર્થે શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા. જ્યા ભુસ્ખલનની અફવાથી ગભરાટના માહોલમાં ધક્કામુક્કી થતા ૧૪૫ શ્રધ્ધાળુઓ મોતને ભેટ્યા. ૨૦૦૮ માં રાજસ્થાનના ચામુંડાનગર મંદિરમાં નવરાત્રીમાં ઉમટેલી શ્રધ્ધાળુઓની ભીડમાં અંધાધૂંધી સર્જાતા ૨૫૦ લોકોના મોત થયા હતા. ૨૦૧૦ માં ઉત્તરપ્રદેશના એક મંદિરમાં દરિદ્રનારાયણોને મફતમાં ભોજન અને કપડા વિતરણના આયોજનમાં ભીડ ઉમટી પડતા ૬૩ લોકોના મોત થયા. ૨૦૧૩ માં ઉત્તરપ્રદેશના કુંભમેળામાં નાસભાગ થતા ૩૬ શ્રધ્ધાળુઓએ જીવ ગુમાવ્યા. ૨૦૧૩ મા રાજસ્થાનના રતનગઢમાં નવરાત્રી દરમ્યાન માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓની ભીડમાં અવ્યવસ્થા સર્જાતા ૧૧૫ લોકોના મોત થયા. ૨૦૨૨ માં વૈષ્ણવ દેવી મંદિરમાં ઉમટેલી શ્રધ્ધાળુઓની ભીડમાં ધક્કા મુક્કી થતા ૧૨ લોકોના મોત થયા હતા. છેલ્લે જાન્યુઆરી ૨૦૨૫ માં તિરૂપતી મંદિરમાં થયેલી ભાગદોડની ઘટનામા ૬ શ્રધ્ધાળુના મોત થયા. આ સીવાય આયોજીત ધર્મ સભાઓમાં પણ લોકોએ જીવ ગુમાવ્યાની અનેક ઘટનાઓ બની છે. પ્રયાગરાજ મહાકુંભની ઘટનામાં થયેલ મૃત્યુમાં સાચા આંકડા હજુ ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. ભાજપની પાઠશાળામાં નેતાઓને હાઉ ટુ મેનેજ મીડિયા પણ શીખવવામાં આવે છે. જે પ્રમાણે રાષ્ટ્રીય લેવલના મીડિયા પણ મેનેજ થઈ થતા બે દિવસ દુર્ઘટના એપીસોડ ચલાવી દુર્ઘટના ઉપર ઢીલુ મુકી દીધુ છે. પરંતુ પ્રશ્ન એ વાતનો છેકે ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે હિન્દુઓને જાગૃત કરવામાં આવ્યા છે તો, એકઠી થતી ભીડમાં કરૂણાંતિકા ન સર્જાય તે માટે કેમ ખ્યાલ રાખવામાં આવતો નથી. મહાકુંભનો જે રીતે જશ લેવામાં આવી રહ્યો છે તે રીતે દુર્ઘટનાની પણ જવાબદારી સ્વિકારવી જોઈએ. ધાર્મિક મેળાવડાઓમાં ક્યા સુધી હિન્દુઓ જીવ ગુમાવશે.