Select Page

દઢિયાળ તલાટી સુધીર ચૌધરીનું ટીડીઓ સાથે ઉધ્ધત વર્તન

દઢિયાળ તલાટી સુધીર ચૌધરીનું ટીડીઓ સાથે ઉધ્ધત વર્તન

વિસનગર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ.એ બુધવારે બપોરે ટીમ સાથે દઢિયાળ ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં ટી.ડી.ઓ.એ ગામના વિકાસકામો અને ગ્રામ પંચાયતના દફતરની પ્રાથમિક ચકાસણી કરતા તલાટી સુધિર ચૌધરીની ગંભીર બેદરકારી જોવા મળી હતી. આ મુલાકાત પહેલા ટી.ડી.ઓ. સુચીબેન પટેલે ગ્રામજનોને થતી હેરાનગતી બાબતે તલાટી સુધિર ચૌધરીને ટકોર કરતા તેમને ટી.ડી.ઓ.ને ઉધ્ધત જવાબ આપ્યો હતો. જોકે આ તલાટીએ અગાઉ પણ ટી.ડી.ઓ.ને ઉડાઉ જવાબ આપ્યો હતો.
વિસનગર તાલુકાના દઢિયાળ ગામના વિવાદીત તલાટી સુધિર ચૌધરીના અસભ્ય વાણી વર્તનથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે. પરંતુ રાજકીય છત્રછાયાના લીધે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તલાટીની સજારૂપ બદલી કરવા કોઈ કડક પગલા લેવામાં આવતા નથી. રાજકીય છત્રછાયાના લીધે આ તલાટી પોતાના અધિકારી સાથે પણ ઉધ્ધત વર્તન કરે છે. અગાઉ વિસનગર ટી.ડી.ઓ. સુચીબેન પટેલે તાલુકાના અન્ય ગામોની સાથે દઢિયાળ ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તલાટી સુધિર ચૌધરી ગ્રામ પંચાયતમાં હાજર ન હતા. ત્યારે ટી.ડી.ઓ.એ આ તલાટીને તમે ક્યાં છો? તમે પંચાયતમાં કેમ હાજર નથી તેવો પ્રશ્ન કરતા તલાટીએ તેમને ઉડાઉ જવાબ આપ્યો હતો. આ સમયે ગામના કેટલાક આગેવાનો અને તલાટી મંડળના હોદ્દેદારોની વિનંતીથી ટી.ડી.ઓ.એ. આ વિવાદીત તલાટી વિરૂધ્ધ કોઈ કડક કાર્યવાહી કરી ન હોતી. છતાં આ તલાટીના અસભ્ય વાણી-વર્તનમાં કોઈ સુધારો નહી આવતા અત્યારે ગ્રામજનો તલાટીથી કંટાળ્યા છે. તલાટીની હેરાનગતી બાબતે ગ્રામજનોની ફરિયાદ બાદ ટી.ડી.ઓ.એ મંગળવારના રોજ તલાટી સુધિર ચૌધરીને ગામના વિકાસકામો અને અરજદારોને થતી હેરાનગતીની ટકોર કરી હતી. ત્યારે આ તલાટીએ ટી.ડી.ઓ.ને ઉધ્ધત જવાબ આપ્યો હતો. આ તલાટીના ઉધ્ધત વર્તનથી કંટાળીને ટી.ડી.ઓ. સુચીબેન પટેલે બુધવારે બપોરે તાલુકા પંચાયતના ત્રણ વિસ્તરણ અધિકારી સાથે દઢિયાળ ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં ટી.ડી.ઓ.એ ગામના વિકાસ કામો અને ગ્રામ પંચાયતના દફતરની પ્રાથમિક તપાસ કરતા ગ્રામ પંચાયતની ઠરાવ બુકમાં અને ગ્રામ સભાની ઠરાવ બુકમાં તલાટી અને વહીવટદારની સહીઓ ન હોતી. વાઉચર બીલો કોરા હતા. અને નાણાં લેનારની સહીઓ ન હોતી. ગ્રામ પંચાયતની બહાર તલાટીનો ફેરણા કાર્યક્રમ લગાવ્યો ન હતો. વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક હિસાબોમાં નિષ્કાળજી સહિત અન્ય વહીવટી બેદરકારી જેવા મળી હતી. ટી.ડી.ઓ.એ ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લેતા પંચાયત આગળ ગ્રામજનો ભેગા થયા હતા. જ્યાં કંટાળેલા ગ્રામજનોએ આ તલાટીની તાત્કાલિક બદલી કરવા ટી.ડી.ઓ.ને રજુઆત કરી હતી. ત્યારે ટી.ડી.ઓ.એ વિચારીશુ કહી ગાડીમાં બેસી નિકળી ગયા હતા.
અગાઉ આ તલાટી મગરોડા ગ્રામ પંચાયતમાં વહીવટદાર હતા ત્યારે તેમણે ગામના મોટા ગજાના સહકારી અગ્રણી હરેશભાઈ ચૌધરી સાથે અસભ્ય વર્તન કર્યુ હતુ
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, તલાટી સુધિર ચૌધરી અગાઉ મગરોડા ગ્રામ પંચાયતના વહીવટદાર હતા ત્યારે તેમને ગામના સહકારી અગ્રણી હરેશભાઈ ચૌધરી સાથે અસભ્ય વર્તન કર્યુ હતુ. જેમાં તેમની વહીવટદાર તરીકે બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ દઢિયાળ ગામમાં લીલા વૃક્ષો કાપવાની ફરિયાદમાં પણ તેમની સંડોવણી બહાર આવી હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા ગામના પુર્વ સરપંચ દિલીપભાઈ ચૌધરીએ સમાધાન કરાવ્યુ હતુ. ત્યારે ટી.ડી.ઓ અને ડી.ડી.ઓ. આ વિવાદીત તલાટી સામે કડક કાર્યવાહી નહી કરે તો ગ્રામજનો હેરાન થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us