
ભાજપની સત્તામા ખાતમુહૂર્ત થાય તેનુ લોકાર્પણ થાય તે વાતનો ફીયાસ્કો જાસ્કાના પરાને જોડતો રોડ ચાર વર્ષથી ખોરંભે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે દેશના ખૂણે ખૂણે વિકાસ કરી રહ્યા છે. જ્યારે તેમના વતન વડનગર તાલુકાના જાસ્કા ગામમાં પરા વિસ્તારને જોડતો રોડ ચાર વર્ષથી બનતો નથી. ઠાકોર સમાજના પરા હોવાથી ભાજપના નેતાઓ કે અધિકારીઓ ગણકારતા નહી હોવાથી હવે ગ્રામજનો પણ રોષે ભરાઈને ડામરનો રોડ નહી તો વોટ નહીનુ આંદોલન શરૂ કર્યુ છે. વડાપ્રધાનના વતનના તાલુકામા ગ્રામજનોને પાકા રોડ માટે આંદોલનનુ રણશિંગુ ફૂંકવુ પડે તે બતાવે છેકે નેતાઓ અને અધિકારીઓ ગામડાના વિકાસ માટે કેટલા નિષ્ક્રીય છે.
વડનગર તાલુકાના જાસ્કા ગામના બહુચરપરા, મોહનપરા, કાળુપરા તથા વાલડપુરા ચાર પરા વિસ્તારમાં ઠાકોર સમાજના ૫૦૦ ઉપરાંત્ત લોકો રહે છે. બહુચરપુરા પ્રા.શાળામાં ૭૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. ત્યારે છેલ્લા ચાર વર્ષથી રોડનુ કામ પૂર્ણ નહી થતા ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારના ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરા વિસ્તારને જોડતા રોડનુ કામ વર્ષ ૨૦૨૧ મા શરૂ થયુ હતુ. જેમાં ફક્ત માટીકામ અને મેટલ કામજ કરવામાં આવ્યુ છે. ખેતરોને જોડતો રોડ હોવાથી ખેડૂતો અને પશુપાલકો પણ બીસ્માર રોડથી પરેશાની ભોગવી રહ્યા છે. બહુચરપુરાના લક્ષ્મણજી બદાજી ઠાકોરે જણાવ્યુ છેકે, ધારાસભ્ય સ્વ.આશાબેન પટેલે તેમના કાર્યકાળમાં ખાતમુહૂર્ત કર્યુ હતુ. ત્યારબાદ ત્રણ કિ.મી.ના બન્ને રોડ ઉપર માટીકામ તથા મેટલકામ કર્યા બાદ કામ પૂર્ણ કરવામાં આવ્યુ નથી. હલકી ગુણવત્તાનુ કામ હોવાથી મેટલ પણ ઉખડી ગયા છે. મોહનપરા વિસ્તારના કાર્યકર જયંતીજી ઠાકોરે જણાવ્યુ છેકે જાસ્કા ગામ રામદેવપીર મંદિરથી કાળુપરા સુધીના આશરે ૩ કિમીના રોડ ઉપર તથા બહુચરપરા સુધીના જોડતા રોડ ઉપર માટીકામ અને મેટલકામ થયા પછી ચાર વર્ષથી કામ થતુ નથી. રોડ ઉપર મેટલ ઉખડી ગયા હોવાથી બીમાર દર્દીઓ કે ડીલીવરીના સમયે મહિલાને વાહનમાં પણ લઈ જઈ શકાતા નથી. ચાર વર્ષથી કામ થયુ નહી હોવાથી કેટલીક જગ્યાએ રોડ ધોવાતા મોટા ખાડા પડી ગયા છે. વાહન લઈને અવરજવર કરી શકાતી નથી. બીસ્માર રોડના કારણે અકસ્માત પણ થાય છે.
ઠાકોર સમજના ચાર પરા હેરાન થઈ રહ્યા છે પણ નેતા કે અધિકારીઓ ગણકારતા નથી
ચાર પરાના લોકોએ ભાજપના આગેવાનો તથા અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા કોઈ સાંભળતુ નહી હોવાથી ધિરજ ગુમાવનાર ગ્રામજનો હાથમાં વિવિધ લખાણના પ્લેકાર્ડ સાથે બીસ્માર રોડ ઉપર ઉતરી આંદોલન કર્યુ હતુ. ડામર કામ સત્વરે કરવામાં નહી આવે તો ઉપવાસ ઉપર ઉતરવાની પણ ચીમકી આપી હતી. પ્લેકાર્ડમાં ડામર રોડ નહી તો વોટ નહી ના પણ સુત્રો લખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના છેવાડાના વિસ્તારના લોકોને સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે તેમના વતનના ભાજપના નેતાઓ અને અધિકારીઓને તાલુકાના છેવાડાના ગામના પરા વિસ્તારના રોડની પણ સુવિધા પુરી પાડી શકતા નથી.