Select Page

વિસનગર પાલિકા દ્વારા રૂા.૫.૭૮ કરોડના વિકાસ કામ ધમધમશે

વિસનગર પાલિકા દ્વારા રૂા.૫.૭૮ કરોડના વિકાસ કામ ધમધમશે

ઝડપી કામ થાય તે માટે પાંચ પેકેજમાં ટેન્ડર પાડી ઓપન કરાયા

  • આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના વહિવટમાં પાલિકાની છબી સુધરી – દરેક ટેન્ડરમા ચાર થી પાંચ એજન્સીએ ભાવ ભર્યા
  • એમ.એન.કોલેજ મુસ્લીમ બોર્ડીંગના વરંડાથી પંડ્યાના નાળા સુધી વરસાદી લાઈન નંખાશે, રોડ ચાર થી પાંચ ફૂટ પહોળો થશે

ગત વર્ષે વિસનગર પાલિકાને ફળવાયેલી રૂા.૪ કરોડની ગ્રાન્ટમાંથી ગંજબજારથી કાંસા રામાપીર મંદિર સુધી વરસાદી લાઈનના એકજ કામમા ખર્ચ કરવામાં આવતા શહેરીજનોને વિકાસનો લાભ મળ્યો નહોતો. જેમાં કોર્પોરેટરોની પણ ભારે નારાજગી હતી. આ વર્ષે કોર્પોરેટરોએ સુચવેલા મોટા ભાગના વિકાસ કામનો સમાવેશ કરી પાલિકા દ્વારા અલગ અલગ પેકેજમાં ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. રૂા.૫.૭૮ કરોડની રકમના પાંચ ટેન્ડર ખોલવામાં આવતા હવે વિસનગરમાં વિવિધ વિકાસ કામ ધમધમશે. ભાગબટાઈના કારણે કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવામાં ખચકાતા હતા. પરંતુ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલના વહિવટમાં પાલિકાની છબી સુધરતા દરેક ટેન્ડરમા ચાર થી પાંચ એજન્સીએ ટેન્ડર ભર્યા હતા. જેમાં એજન્સીઓ વચ્ચે હરિફાઈ વધતા બીલોવ રકમના ટેન્ડર ખુલતા પાલિકાને રૂા.૨૫ લાખનો ફાયદો થયો છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓ માટે સતત પ્રયત્નો, ભલામણ અને રજુઆતથી અત્યારે શહેરમાં સિવિલ હોસ્પિટલ, એમ.એન.કોલેજ, ઓવરબ્રીજ, બાયપાસ રોડના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામ થઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રીના માર્ગદર્શનમાં પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીના પ્રયત્નો તથા કોર્પોરેટરોના સહયોગથી આ વર્ષે શહેરમાં રૂા.૫.૭૮ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામ થશે. આ વિકાસ કામનુ એકજ ટેન્ડર પાડવામાં આવ્યુ હોત તો એક એજન્સીને કામ કરતા દોઢથી બે વર્ષનો સમય થાય તેમ હોવાથી શહેરીજનોને વિકાસનો લાભ ઝડપી મળે તે માટે પાંચ પેકેજમાં ટેન્ડરીંગ કરાયા હતા. વિકાસના કયા કામમાં કેટલી રકમનુ ટેન્ડર હતુ અને બીલોવ ટેન્ડરમા કઈ એજન્સી લોએસ્ટ વનમા આવી તે જોઈએ તો, (૧) સીસી રોડ, શેડ, પેવરબ્લોક, કેનાલ સ્લેબ, ડ્રેનેજ લાઈનના ૨૭ લોકેશન પર વિવિધ પ્રકારના વિકાસ કામ માટે રૂા.૧,૩૫,૧૭,૭૬૧ ની અંદાજીત રકમના ટેન્ડરમાં એલ.૧ મા ૬.૧૨ ટકા બીલોવ ટેન્ડર એ.જે.કન્સ્ટ્રક્શન એન્ડ એન્જીનિયરીંગ સર્વિસ મુ.વિસનગર (૨) નગરપાલિકાના નવીન ભવનમાં કમ્પાઉન્ડ વૉલ, ચાઈના મોજેક, માટી પુરાણ સ્ટ્રોમવોટર, ડ્રેનેજલાઈન, જનરેટર ફીટીંગનુ રૂા.૭૧,૩૩,૭૫૯ ની રકમના ટેન્ડરમાં એલ.૧ માં ૫.૪૨ ટકા બીલોવ ટેન્ડર કદમ કોર્પોરેશન મુ.મહેસાણા (૩) જુદા જુદા ૪ લોકેશનમાં વરસાદી પાણીની પાઈપ લાઈન નાખવાના રૂા.૧,૧૩,૦૬,૩૩૧ ની રકમના ટેન્ડરમાં એલ.૧ મા ૭.૬૨ ટકા બીલોવ ટેન્ડર દર્શીલ બીલ્ડકોન મુ.અમદાવાદ (૪) પાલિકાના પાંચ લોકેશન પર ડી.આઈ. પાઈપ, ડીસ્ટ્રીબ્યુશન પાઈપ, ઈલેક્ટ્રીફીકેશન કામ, સ્ટ્રોમ વોટર લાઈન માટેનુ રૂા.૧,૦૫,૬૫,૮૧૦ ની રકમના ટેન્ડરમાં એલ.૧ મા ૧.૦૫ ટકા બીલોવ ટેન્ડર પી.એન.પી ઈન્ફ્રાકોન મુ.અમદાવાદ અને (૫) ૧૪ જુદા જુદા લોકેશન પર ચાઈના મોજેક, આર.સી.નાળા, પંપરૂમ, કેનાલ સ્લેબ, સીસી રોડ, સ્મશાન, કેનાલ કામના રૂા.૧,૫૨,૯૨,૬૩૩ ની રકમના ટેન્ડરમાં એલ.૧ માં ૨.૦૭ ટકા બીલોવ ટેન્ડર માઁ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુ.પાટણનુ ટેન્ડર ખુલ્યુ હતુ. કુલ પાંચ ટેન્ડરની અંદાજીત રકમ રૂા.૫,૭૮,૧૬,૨૮૪ હતી. એજન્સીઓ વચ્ચેની હરિફાઈમાં બીલોવ ટેન્ડર ભરાતા પાલિકાને સીધોજ રૂા.૨૫,૦૨,૯૭૭ નો ફાયદો થયો છે.
આ પાંચ ટેન્ડરના અલગ અલગ પેકેજમાં નોધપાત્ર મહત્વના કયા વિકાસ કામ થશે તે જોઈએ તો, હેરીટેજ સોસાયટીથી જાળેશ્વર મહાદેવ સુધીના નેળીયામાં સીસી રોડ બનશે. આ રોડ બનશે ત્યારે કડા ત્રણ રસ્તા, કમાણા ચાર રસ્તા, મહેસાણા ચાર રસ્તા વિસ્તારના તમામ લોકો હેરીટેજ સોસાયટી પાસેથી જાળેશ્વર જઈ શકશે. એમ.એન.કોલેજ મુસ્લીમ બોર્ડીંગના વરંડાથી પંડ્યાના નાળા સુધી વરસાદી પાણીના નિકાલ માટે હાલમાં જે કેનાલ છે ત્યા પાઈપલાઈન નાખવામાં આવશે. પાઈપલાઈન નાખવાના કારણે ચાર થી પાંચ ફૂટ રોડ પહોળો થશે. આદર્શ હાઈસ્કુલથી દિપરાના ઢાળ સુધીનો રોડ પંચાયત માર્ગ મકાન વિભાગે પાલિકાને સોપતા કમાણા રોડ રામનગર નર્મદેશ્વર મહાદેવથી દિપરાના ઢાળ સુધી આગણવાડી તરફ વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવામાં આવશે. ધરોઈ કોલોનીમાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવતા ડી.આઈ. પાઈપલાઈન ડીસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન તથા ઈલેક્ટ્રીફીકેશન કામગીરી થશે. સાર્વજનિક સ્મશાન પાસે રેલ્વે ફાટક તરફ જતા રોડ ઉપર નાળુ બનાવવામાં આવશે. આદર્શ હાઈસ્કુલના મહેસાણા રોડ ઉપરના ગેટની સામેનો આશીષ, અંબિકા અને ગાયત્રીનગર સોસાયટીનો વચ્ચે ડીવાઈટર સાથે રોડ પહોળો થશે. પીંડારીયા રોડ ઉપર આવેલ આશાપુરી માતાના મંદિરના આગળના ભાગે ખુલ્લા વહેળામાં પાકુ નાળુ બનશે. આ સીવાય ત્રણ પેકેજના ટેન્ડરમાં સીસી રોડ, પેવર બ્લોક, રોડ લેવલ ઉંચુ કરવુ, ચર્મકુંડનો વરંડો, ગટરલાઈન, વરસાદી લાઈન, પાણીની લાઈન, નાળા પર દિવાલ, પંપરૂમ, કેનાલ સ્લેબ વિગેરે વિકાસ કામ કરવામાં આવશે.