
વિસનગરના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી રૂા.૨૭,૦૦૦ ખંખેર્યા

અજાણ્યા નંબર ઉપરથી અવેલ ન્યુડ વિડીયો જોવાની લાલચ ભારે પડી
વિસનગરના રૂા.૧૦,૦૦૦ માસિક પગારદાર યુવાનના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી વિડિયો કોલ આવ્યો હતો. યુવાને રીસીવ કરતાજ ન્યુડ પ્રદર્શન જોવા મળ્યુ હતુ. યુવાન લલચાઈને વાતચીત કર્યા બાદ ફોન કટ થયો હતો અને તેને બે દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂા.૨૭,૦૦૦ ખંખેરી લીધા હતા. આ બનાવ બાદ યુવાને સાયબર સેલના ૧૯૩૦ નંબર ઉપર બનાવની જાણ કરી રૂપિયા ટ્રાન્સફર કર્યા તે મોબાઈલની વિગતો આપી હતી.
અત્યારના ડિજિટલ યુગમાં અજાણ્યા નંબર ઉપરથી વિડિયો કોલ આવે તો વિચાર કર્યા વગર રીસીવ કરવો ભારે પડી શકે છે. વિસનગરનો કોલેજમાં અભ્યાસ કરતો એક યુવાન તેની માતાને લઈને હોસ્પિટલ ગયો હતો. આ દરમ્યાન તેના એન્ડ્રોઈડ મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી વિડિયો કોલ આવતા રિસિવ કરતાજ ન્યુડ પ્રદર્શન જોવા મળ્યુ હતુ. યુવકે લલચાઈને યુવતી સાથે વાતચીત કરી હતી અને વિડીયો કોલ જોતો હતો અને ફોન કટ થઈ ગયો હતો. યુવાન અજાણ હતો અને થયેલી વાતચીતનુ સ્ક્રીન સેવરથી રેકોર્ડીંગ થઈ ગયુ હતુ. થોડીવાર બાદ યુવાનના વ્હોટ્સએપ ઉપર વિડિયો મોકલી રૂા.૪૦૦૦ નહી આપે તો વિડિયો વાયરલ કરવાની ધમકી મળી હતી. યુવાન માસિક રૂા.૧૦,૦૦૦ના પગારમાં નોકરી કરે છે. જેના ખાતામાં બેલેન્સ નહી હોવાથી મારી જોડે હાલમા પૈસા નથી તેમ જણાવ્યુ હતુ.
આ બનાવના બીજા દિવસે દિલ્હી સાયબર ક્રાઈમમાથી બોલુ છુ તેમ કહી યુવાનને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમમાથી પોલીસ કર્મચારીની ઓળખ આપી યુવકને જણાવ્યુ હતુ કે, કોઈ યુવતીએ તમારી સાથે વાતચીત કરતો ન્યુડ વિડિયો વાયરલ કર્યો છે. વધુ વાયરલ ન કરવો હોય તો યુટ્યુબ ઓપરેટરનો નંબર મોકલુ છુ તેની સાથે વાત કરી લેશો. સાયબર ક્રાઈમ પોલીસે મોકલેલ મોબાઈલ નંબર ઉપર યુવાને વાત કરતા સામેના વ્યક્તિએ વિડિયો ડીલીટ કરવાના પ્રથમ રૂા.૧૫૦૦ માગ્યા હતા. પગાર થયો નહી હોવાથી યુવકે પૈસા ઉછીના માગી પ્રથમ રૂા.૧૫૦૦નું જીપે કર્યુ હતુ. ત્યારબાદ બીજા રૂા.૭૦૦૦ માગતા રૂા. ૭૦૦૦ જીપે કર્યુ હતુ. થોડીવાર બાદ વિડીયો ડીલીટ કરવાના રૂા.૫૦૦૦ થશે તે નહી આપેતો ડીલીટ થશે નહી તેવુ જણાવતા બીજા રૂા.૫૦૦૦ જીપેથી ટ્રાન્સફર કર્યા હતા. જેની પાવતી મોકલી દિલ્હી સાયબર ક્રાઈમને મોકલવા જણાવ્યુ હતુ. સમાજમા આબરૂ જવાના ડરથી યુવક ગભરાતા ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગે તેનો પુરેપુરો લાભ ઉઠાવ્યો હતો.
યુટ્યુબ ચેનલવાળાએ મોકલેલી પાવતી દિલ્હી સાયબર ક્રાઈમની પોલીસની ઓળખ આપનાર વ્યક્તિને મોકલતા તુર્તજ ફોન આવ્યો હતો. પોલીસની ઓળખ આપનારે જણાવ્યુ હતુ કે, યુ ટ્યુબ, ફેસબુક દરેકમાથી વિડિયો ડીલીટ કરવા રૂા.૧૩,૫૦૦ ચાર્જ થશે. જે રકમ મોકલાવ્યા બાદ સોશિયલ મિડિયામાથી વિડિયો ડિલિટ થશે. યુવક જોડે પૈસાની સગવડ નહી હોવાથી આ ઝંઝટમાથી છુટકારો મેળવવા ફરી સબંધી પાસેથી રૂા.૧૩,૫૦૦ ઉછીના લઈને માગેલી રકમ જીપેથી ટ્રાન્સફર કરી હતી. બે દિવસના ડિજિટલ એરેસ્ટમા યુવકે કુલ રૂા.૨૭,૦૦૦ મોકલ્યા બાદ થોડો શક પડતા તેના સબંધીને બનાવની વાત કરી હતી. યુવકના સબંધીએ જે નંબર ઉપરથી ફોન આવ્યા હતા તે નંબર ઉપર કોલ કરતા ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા. ડિજિટલ એરેસ્ટ થયેલા યુવાને આ બનાવની સાયબર સેલના ૧૯૩૦ નંબર ઉપર જાણ કરી વિગતો આપી હતી.