Select Page

જી.ડી.માં શિક્ષણની સ્વતંત્રતા નહી મળતા શાળા છોડ્યાની ચર્ચા

જી.ડી.માં શિક્ષણની સ્વતંત્રતા નહી મળતા શાળા છોડ્યાની ચર્ચા

કમલેશભાઈ મહેતાએ અમદાવાદની શાળામાં પ્રિન્સીપાલનો ચાર્જ સંભાળ્યો

વિસનગર પાલિકા સંચાલિત જી.ડી.હાઈસ્કુલના કર્મઠ તથા નિષ્ઠાવાન પ્રિન્સીપાલ કમલેશભાઈ મહેતાએ શાળાને રામ રામ કરીને અમદાવાદની શાળામાં પ્રિન્સીપાલનો ચાર્જ સંભાળતા શિક્ષણ નગરીમાં ભારે ચકચાર જાગી છે. જી.ડી.હાઈસ્કુલના આચાર્ય તથા શિક્ષકોને કેટલાક નિવૃત્ત શિક્ષકોની ખોટી કનડગત હોવાનો છેલ્લા કેટલાય સમયથી ગણગણાટ થતો હતો. ત્યારે ખેરાલુના વતની હોવા છતા આ આચાર્યએ અમદાવાદ શાળામાં જવાનુ પસંદ કરતા એ ચોક્કસ પણે કહી શકાય કે ગંદા રાજકારણના કારણે જી.ડી.ના શિક્ષકોને પૂરતુ સન્માન નહી મળતા હવે શાળા છોડી રહ્યા છે. કામચોર શિક્ષકોને ખોટુ પીઠબળ મળતા તેમજ નિષ્ઠાવાન શિક્ષકોને પૂરતુ પ્રોત્સાહન નહી મળતા શાળાનુ શિક્ષણ કથળ્યુ છે અને સાથે સાથે વિદ્યાર્થીઓના ભાવી સાથે પણ રમત રમાઈ રહી છે.
ખેરાલુના વતની કમલેશભાઈ કનૈયાલાલ મહેતા વિસનગરની જી.ડી.હાઈસ્કુલમાં વર્ષ ૨૦૦૮ થી શિક્ષક તરીકે જોડાયા હતા. એચ. મેટ આ શિક્ષકે જુલાઈ ૨૦૧૯ માં માધ્યમિક વિભાગમાં પ્રિન્સીપાલ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. કમલેશભાઈ મહેતાએ આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જી.ડી.માં શિક્ષણનુ સ્તર સુધરે તેમજ બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે ભારે મહેનત કરી હતી. પરંતુ જી.ડી.હાઈસ્કુલમાં કેટલાક શિક્ષકો એવા છેકે જેમને પૂરતો સમય આપીને શિક્ષણ આપવુ નથી અને ફક્ત પગાર લેવામાજ રસ છે. આવા શિક્ષકોને જો કોઈ નોટીસ આપવામાં આવે તો તુર્તજ પાલિકાના કેટલાક સભ્યો અને આગેવાનો ઉપરાણામા દોડી આવતા કોઈ કાર્યવાહી કરી શકાતી નહોતી. જી.ડી.ના કેટલાક નિવૃત્ત શિક્ષકો પણ બોગસ શિક્ષકોને છાવરતા હોવાથી આજ પરિસ્થિતિ એવી બની છેકે શાળામાં શિક્ષણનુ સ્તર ધીમે ધીમે કથળતુ જાય છે. જી.ડી. હાઈસ્કુલ શહેરની જુનામાં જુની શાળા છે. વર્ષો પહેલા આ શાળામાં અભ્યાસ કરી ચુકેલા અસંખ્ય વિદ્યાર્થીઓ ઉચ્ચ હોદ્દા ઉપર પહોચી નિવૃત્ત થયા છે. ખોટી રાજકીય દખલઅંદાજીના કારણે વર્ષો પહેલા પ્રથમ નંબરની આ શાળા અત્યારે અન્ય શાળાઓ કરતા નીચલા સ્તરે આવી ગઈ છે. કામચોર શિક્ષકો અને સ્ટાફ વિરુધ્ધ કોઈ કાર્યવાહી નહી કરી શકતા તેમજ બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પ્રોત્સાહન નહી મળતા શાળાના પ્રિન્સીપાલ કમલેશભાઈ મહેતાએ જી.ડી.હાઈસ્કુલને છોડીને અમદાવાદ નરોડાની સી.એમ.ઠક્કર હાઈસ્કુલમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિકના આચાર્ય તરીકે નિમણુંક મેળવી છે. આચાર્ય તરીકે ચાર્જ છોડતા શાળાના શિક્ષકો તથા સ્ટાફની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં પ્રિન્સીપાલ કમલેશભાઈ મહેતાએ આવતા વર્ષના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગાઈડો માટે રૂા.૩૦,૦૦૦ ફાળો આપ્યો હતો.
નોધપાત્ર બાબત છેકે કેટલાક નિવૃત્ત શિક્ષકોની ખોટી કનડગતથી પુરતી સ્વતંત્રતા નહી મળતા પ્રિન્સીપાલ શિક્ષણના હિતને લગતા નિર્ણયો લઈ શકતા નથી. ખોટી બાબતોને પ્રોત્સાહન આપનાર નિવૃત્ત શિક્ષકો પણ એક રીતે અભ્યાસ કરતા બાળકોનુ અહીત કરી પાપ કરી રહ્યા છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનો હવાલો સંભાળી ગુજરાતમાં શિક્ષણનુ સ્તર સુધારવા ઘણા નિર્ણયો કર્યા છે, ત્યારે તેમના મત વિસ્તારની જી.ડી.હાઈસ્કુલના શિક્ષણનુ સ્તર સુધરે તે માટેના પણ પ્રયત્નો કરવા જોઈએ. શાળાના વિઝન પ્રમાણે પારદર્શક વહીવટ કરી શકે, શિક્ષકોને કાબુમાં લઈ શકે તેવા ઈન્ચાર્જ પ્રિન્સીપાલની નિમણુંક થાય તેમજ પ્રિન્સીપાલને વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં નિર્ણયો કરવાની પુરતી સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us