
ખેરાલુ પાલિકાની ચુંટણીમાં ૧૫ ભાજપના, ૭ કોંગ્રેસના, ૨ અપક્ષ ઉમેદવારોની જીત

- બે અપક્ષોએ ભાજપને સમર્થન જાહેર કરતા ભાજપનું સંખ્યાબળ-૧૭ થયુ
- વોર્ડ નં.૨ અને ૫માં ભાજપની પેનલો જીતી
- કોંગ્રેસના દિગ્ગજ મુકેશભાઈ દેસાઈના વોર્ડમાંજ ભાજપે એક સીટ જીતી
ખેરાલુ નગરપાલિકાની ચુંટણી પુર્વે એક વર્ષથી કોંગ્રેસ દ્વારા પાલિકાતંત્રના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. શહેરના લોકો પણ ભાજપના માથે માંછલા ધોવા મંડ્યા હતા. જેનાથી એવુ લાગતુ હતુ કે, જાણે આ વખતની નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ સત્તા મેળવશે તે દરમ્યાન ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા નગરપાલિકાના વિકાસનું સુકાન સંભાળી લીધુ હતુ. ખેરાલુ નગરપાલિકામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ શહેરમાંજ વાપરવાનું નક્કી કરી ટેન્ડરીગં કરી દેવાતા ખેરાલુ શહેરના લોકોને હવે નગરનો વિકાસ થસે તેવો વિશ્વાસ પેદા થયો હતો. તે દરમ્યાન વેરા વધારાની ચાબુક ચિફ ઓફિસરે ઉગામી હતી. વેરા વધારો પણ મોકુફ રખાયો હતો. ત્યારબાદ ખેરાલુ નગરપાલિકા ચિફ ઓફિસર સામે ભ્રષ્ટાચારની બુમરાણ ઉભી થતા ચિફ ઓફિસરની બદલી કરી દેવાઈ હતી. નવા આવેલા ચિફ ઓફિસરે પણ ટુંક સમયમાં પોબારા ગણતા નગરપાલિકામાં બિન ભ્રષ્ટાચારી ચિફ ઓફિસર ભરતભાઈ વ્યાસને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ નિમણુક કરાવી છે. નવા ચિફ ઓફિસર આવ્યા પછી ખેરાલુ શહેરમાં લગભગ હોબાળા બંધ થઈ ગયા હતા. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની રાહબરી હેઠળ પાલિકા પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈને નગરપાલિકાના ચુંટણી ઈન્ચાર્જ બનાવ્યા હતા. ચુંટણી દરમ્યાન દરેક વોર્ડમા જાત દેખરેખ રાખી દર કલાકે નગરમાં ક્યા વોર્ડમાં કેવી પરિસ્થિતિ છે તેની ચર્ચાઓ કરી ચુંટણી ચક્રવ્યુહ ગોઠવી પાંચે વોર્ડમાં ૨૦ ઉમેદવારોમાંથી ૧૩ ઉમેદવારો જીતી ભાજપનું બોર્ડ બનાવી દીધુ હતુ.
ખેરાલુ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે ૨૦ તથા ચાર ભાજપ પ્રેરીત અપક્ષ એમ ૨૪ ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી ૧૫ ઉમેદવારો વિજયી બન્યા છે. આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર જીત્યો નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા ૨૨ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. જેમાં ફોર્મ ખેચવાના દિવસે ત્રણ ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કરતા ૧૯ ઉમેદવારો ચુંટણી લડતા હતા. જેમાંથી ૧૨ ઉમેદવારોની હાર થતા માત્ર ૭ ઉમેદવારો જીત્યા છે. જેમાં છ ઉમેદવારો ચૌધરી કોમના છે. જ્યારે ૧ ઉમેદવાર મુસ્લીમ છે. વોર્ડ નં.૨ અને ૫માં ભાજપની પેનલો જીતી ગઈ છે. કોંગ્રેસની પેનલ એકપણ વોર્ડમાં જીતી નથી. ભાજપમાંથી જીતેલા ઉમેદવારોની જ્ઞાતિ જોઈએ તો પરમાર-૧, ચૌધરી-૩, જનસારી-૧, રામાણી (સિંધી)-૧, પંડ્યા-૧, પ્રજાપતિ-૨, ઠાકોર-૨, સથવારા-૨ તથા બારોટ-૨ આમ કુલ ૧૫ ઉમેદવારો ભાજપમાંથી જીત્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા મુકેશભાઈ દેસાઈના વોર્ડમાં કોંગ્રેસના ત્રણ તથા ૧ ભાજપનો ઉમેદવાર જીત્યો છે. કોંગ્રેસનો બહેલીમ સમાજનો ઉમેદવાર હાર્યો છે. ખેરાલુ શહેરમાં જીતેલા ઉમેદવાર સૌથી વધુ મુકેશભાઈ દેસાઈને ૧૩૭૦ મત મળ્યા છે. બીજા ક્રમે આશાબેન ગોવિંદભાઈ પ્રજાપતિને ૧૩૨૯ મત તથા ત્રીજા ક્રમે નંદાબેન ભરતકુમાર બારોટને ૧૨૬૬ મત મળ્યા છે. ચોથા ક્રમે પ્રવિણભાઈ કાંતિલાલ પરમારને ૧૨૪૧ મત મળ્યા છે. જ્યારે પાંચમાં ક્રમે છગનભાઈ રામજીભાઈ ચૌૈધરીને ૧૨૨૨ મત મળ્યા છે.