સાંકળચંદ યુનિવર્સિટીનો સ્કોલરશિપ કૌભાંડ કરવાનો માર્ગ બંધ
સરકારના SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયથી
- ભૂતિયા એડમિશન કરી સ્કોલરશિપ કૌભાંડ કર્યા હોવાના ડૉક્યુમેન્ટરી પુરાવા હોવા છતા સરકાર કાયદેસરની કાર્યવાહી નહી કરી શિક્ષણ માફીયાઓને કેમ છાવરી રહી છે?
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના દિક્ષાંત્ત સમારોહમાં ગેરહાજર રહેતાજ કંઈ અજુગતુ બનવાની શંકા સેવાઈ રહી હતી. ત્યારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિભાઈ પટેલે SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનુ જણાવતાજ સાંકળચંદ યુનિવર્સિટીનો ભૂતિયા એડમિશન કરી સ્કોલરશિપ કૌભાંડ કરવાનો માર્ગ બંધ થઈ ગયો છે. મહત્વની બાબત તો એ છેકે સરકારે SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તો બંધ કરી પરંતુ કૌભાંડ કરીને ખોટી રીતે લાખ્ખો કરોડો રૂપિયા પડાવનાર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી જેવી કોલેજો વિરુધ્ધ કોઈ કાર્યવાહી નહી કરી સરકાર શિક્ષણ માફીયાઓને છાવરતી હોવાનુ ચર્ચાય છે. ડૉક્યુમેન્ટરી પુરાવા હોય તો સરકાર કાયદેસરની કાર્યવાહી કેમ કરતી નથી તે પ્રશ્ન છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં શિક્ષણ માફીયાઓના કારણે SC-ST વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરવાનો સરકારને નિર્ણય કરવો પડ્યો છે. રાજ્યના આદિવાસી વિસ્તારના અનુ.જાતિ અને અનુ.જનજાતિના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ખર્ચ વગર ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવતી હતી. આ યોજના અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં એસ.સી.- એસ.ટી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા પણ નહોતા છતા સ્કોલરશિપ ફળવાઈ અને બેંકમાંથી ઉપડી પણ ગઈ. સાંકળચંદ યુનિવર્સિટીના એક પૂર્વ કર્મચારી દ્વારા કોલેજમાં થયેલા ભૂતિયા એડમિશન અને સ્કોલરશિપ કૌભાંડના ડૉક્યુમેન્ટરી પુરાવાઓ સાથે સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં અરજી સાથે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આ અરજીની કોઈ તપાસ થઈ નથી કે કાર્યવાહી થઈ નથી. સાંકળચંદ યુનિવર્સિટીનું આ કૌભાંડ બહાર આવતા તેની સાથેજ ગુજરાતની અન્ય કોલેજોમાં પણ SC-ST ના ભૂતિયા વિદ્યાર્થીઓના નામે સ્કોલરશિપ કૌભાંડ ચાલતુ હોવાનુ બહાર આવ્યુ હતુ. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓના આ શિક્ષણ માફીયા ભાજપના નેતા કે ભાજપના નેતાની છત્રછાયા ધરાવતા હોવાથી સરકારે કૌભાંડ થકી મેળવેલ સ્કોલરશિપની રકમ રિકવર કરવાની હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી કે આ શિક્ષણ માફીયાઓ વિરુધ્ધ કે સંસ્થાઓ વિરુધ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી.
સરકારની આ યોજના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બને તે માટેની હતી. પરંતુ આ યોજનામા કૌભાંડ થતા સરકારે યોજના બંધ કરતા છેવટે SC-ST વિદ્યાર્થીઓને શોષવા વારો આવ્યો છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષથી બંધ કરવાના નિર્ણય સામે વિદ્યાર્થી પરિષદો દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રવક્તા મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કોલેજોની ગડબડના કારણે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે. કોલેજોમાં મેનેજમેન્ટ કોટાથી ભરાતી બેઠકોમાં ગડબડ થતી હોવાથી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે.