કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી બજેટમાં વિશેષ લાભ એમ.એન.કોલેજમાં કોમર્સ પ્રવાહ અને લૉ કોલેજની મંજુરી
વિસનગરના લોકોને તબીબી અને શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સરકારમાં સતત રજુઆત અને ભલામણના કારણે વિશેષ લાભ મળી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઘર આંગણેજ સામાન્ય સરકારી ફીમા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેમજ શિક્ષણમાં ભૌતિક સુવિધાઓ મળે તે માટે કેબીનેટ મંત્રીના પ્રયત્નોથી એમ.એન.કોલેજને ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં વિશેષ લાભ આપવામાં આવ્યો છે. એમ.એન.કોલેજમાં કોમર્સ પ્રવાહ અને સરકારી લૉ કોલેજની મંજુરી મળતા કેબીનેટ મંત્રીના કારણે શૈક્ષણિક નગરીની યશકલગીમાં વધુ એક મોર પીંછ ઉમેરાયુ છે.
વિસનગર માટે શુ કરી શકાય તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ સતત ચિંતન અને પ્રયત્નોના કારણે શહેરમાં શૈક્ષણિક તેમજ તબીબી સુવિધાઓનો વ્યાપ વધ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ ના ત્રણ વર્ષમાં કેબીનેટ મંત્રીની ભલામણથી એમ.એન.કોલેજના વિકાસ માટે બજેટમાં રૂા.૧૧૪ કરોડ મંજૂર થયા છે. જે નાણા ફળવાતા કોલેજમાં વિવિધ વિકાસના કામ થઈ રહ્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં એમ.એન.કોલેજમાં નવો કોમર્સ પ્રવાહ શરૂ કરવા તથા નવી સરકારી લૉ કોલેજ શરૂ કરવા મંજુરી આપતા પંથકના વિદ્યાર્થીઓને અનુભવી સરકારી તજજ્ઞો દ્વારા શિક્ષણનો લાભ મળશે. સરકાર હસ્તકની પાંચ સરકારી કોલેજોને આદર્શ કોલેજ બનાવવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં મંજૂર કરવામાં આવી છે. જેમાં એમ.એન.કોલેજનો પણ સમાવેશ કરવામાં આવતા કોલેજના તમામ રૂમને આધુનિક ઈક્વિપમેન્ટ સાથે સ્માર્ટ રૂમ બનાવવામાં આવશે. શહેરમાં શિક્ષણનો વ્યાપ વધતા વિદ્યાર્થીઓ વાંચનાલયની પણ સુવિધા ઈચ્છી રહ્યા છે. પ્રાઈવેટ લાયબ્રેરીઓમાં ફી ભરવા છતા જગ્યા મળતી નથી, ત્યારે એમ.એન.કોલેજમાં નવી લાયબ્રેરી બીલ્ડીંગ(જી+૧)નુ બાંધકામ કરવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં રૂા.૨.૪૬ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવેલ છે. લાયબ્રેરીમાં ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી સુવિધા ઉભી કરાશે અને રાત્રે ૧૨-૦૦ કલાક સુધી વાંચનનો લાભ મળશે. એમ.એન.કોલેજમાં નવી શેડ સાથેની કેન્ટીન બીલ્ડીંગના બાંધકામ માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં રૂા.૨૪ લાખની જોગવાઈ મંજૂર કરવામાં આવેલ છે. લાયબ્રેરી અને કેન્ટીન માટે વધારે ખર્ચની જરૂર પડશે તો ભવિષ્યમાં તેની પણ જોગવાઈ કરવામાં આવશે. એમ.એન.કોલેજમાં નવી ફેકલ્ટી અને સુવિધાઓ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ટ્રસ્ટ દ્વારા કેબીનેટ મંત્રી સમક્ષ વારંવાર રજુઆત કરવામાં આવે છે. કોલેજના વિકાસમાં સતત ધ્યાન રાખતા ઈશ્વરભાઈ નેતા પણ કોલેજ માટે કેબીનેટ મંત્રી સમક્ષ સતત માગણી કરતા રહે છે. જેના ફળ સ્વરૂપ વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં એમ.એન. કોલેજને વિશેષ લાભ મળ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષના બજેટમાં થયેલી રૂા.૧૧૪ કરોડની જોગવાઈમાં એમ.એન.કોલેજમાં અત્યારે વિકાસ કામ ધમધમી રહ્યા છે. જેમાં રૂા.૧૩ કરોડના ખર્ચે રમત ગમત માટે પેવેલીયન ટ્રેક અને ઈન્ડોર ગેમનુ બાંધકામ ચાલી રહ્યુ છે. રૂા.૧૩ કરોડના ખર્ચે નવુ વહિવટી ભવન, પ્રિન્સીપાલ ઓફીસ, ક્લાર્ક ઓફીસ, સ્ટાફને બેસવાની વ્યવસ્થા, પરીક્ષા હૉલ, સ્ટોર રૂમ, ઈતિહાસ, રાજશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર વિભાગનુ કામ, રૂા.૩૨ કરોડના ખર્ચે જુની બોઈઝ હોસ્ટેલની જગ્યાએ સેન્ટ્રલ એસી.ની સુવિધા સાથેનુ ચાર માળનુ બીલ્ડીંગ, રૂા.૯ કરોડના ખર્ચે એકોસ્ટીક, આધુનિક સાઉન્ડ સીસ્ટમ, એ.સી. તથા ચેર સાથે ટાઉનહૉલ, રૂા.૧૩ કરોડના ખર્ચે કોન્ફરન્સ હૉલ તથા ૭૩ વિઘા જમીનમાં ફેલાયેલ કોલેજ ફરતે વરંડો, આર્ટસ એન્ડ સાયંસ કોલેજના હેરીટેજ લુક માટે રૂા.૩.૪૦ કરોડના ખર્ચે વિકાસ કામ ચાલી રહ્યા છે. બોટોનિકલ ગાર્ડન, પાણીની ઓવરહેડ ટાંકી, ટ્યુબવેલ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
ઋષિભાઈ પટેલ ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના મંત્રી હોવાથી તેનો વધુમાં વધુ લાભ એમ.એન.કોલેજને મળે તે માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ટ્રસ્ટ દ્વારા નવીન બી.બી.એ., બી.સી.એ. કોલેજ, સાયન્સમાં માઈક્રો બાયોલોજીની વધારાની ફેકલ્ટી શરૂ કરવા, સેમીનાર માટે આવતા પ્રોફેસરો માટે રેસ્ટ હાઉસ, મિનરલ વૉટર પ્લાન્ટ વિગેરે માગણી કરતી રજુઆત કરવામાં આવી છે.