
શહેરી વિકાસને પ્રાધાન્ય આપી ૪૦ ટકા વધારોગુજરાત સરકારના રૂા.૩.૭૦ લાખ કરોડના બજેટમાં નાના શહેરોના વિકાસ પ્રત્યે દુર્લક્ષ

તંત્રી સ્થાનેથી…
દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી. એ પહેલા મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના સમયકાળમાં નાના શહેર અને ગામડામાં રહેતા લોકોને મોટા શહેર કક્ષાની સુવિધા મળી રહે અને રાજ્યનુ પ્રત્યેક ગામ સુવિધા સંપન્ન, સ્વચ્છ તથા સુંદર બને તે માટે ગોકુળીયુ ગામ યોજનાનુ અમલીકરણ કરાયુ હતુ. પરંતુ રાજકીય અસ્થિરતાના કારણે તેનો પૂર્ણપણે અમલ થઈ શક્યો નહોતો. ત્યારબાદ ૧૯૯૮ મા આ યોજનાને પુનઃજીવીત કરીને અમલીકરણ શરૂ કરવામાં આવ્યુ અને આ યોજના હેઠળ ગામોમા પણ શહેરો જેવી પાયાની સુવિધા ઉભી કરવાના કામ હાથ ધરવામાં આવ્યા હતા. ભાજપ સરકારના ગુજરાતમાં ૩૦ વર્ષના શાનમા નાના ગામડા અને મોટા શહેરને વિકાસનો લાભ આપવા માટે અત્યાર સુધી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે નગરપાલિકા ધરાવતા મધ્યમ કક્ષાના શહેરોના વિકાસ માટે હજુ સુધી કોઈ રોડ મેપ તૈયાર કરાયો નથી તે પણ એક હકિકત છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ નુ રૂા.૩.૭૦ લાખ કરોડનુ બજેટ રજુ કર્યુ. જેમાં રાજ્યના શહેરોના વિકાસને ગતિ આપવા ગત બજેટ કરતા ૪૦ ટકા રકમ વધારી ૩૦ હજાર કરોડથી વધુ નાણા વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે. ગુજરાતની ૫૦ ટકા ઉપરાંત વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. વિકસીત ગુજરાતની યાત્રામા શહેરીકરણ મહત્વનો ભાગ ભજવતુ હોવાથી શહેરોને ગતિશીલ, જીવંત, રહેવા લાયક, પર્યાવરણની દ્રષ્ટીએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર પ્રયત્નશીલ છે. મોટા શહેરોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ, ફ્લાયઓવર બ્રીજ, રિવરફ્રન્ટ, તળાવો અને સરોવરના બ્યુટીફિકેશન, બાગ બગીચાના વિકાસ વિગેરે સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટમાં આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરીને શહેરી વિભાગનુ બજેટ ૪૦ ટકા વધારીને રૂા.૩૦૩૨૫ કરોડ કરવામાં આવ્યુ છે. ગત બજેટમાં જાહેર કરવામાં આવેલી મહાનગરપાલિકાના વિકાસ માટે રૂા.૨૩૦૦ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી. પરંતુ મહત્વની બાબત તો એ છેકે શહેરી વિકાસ યાત્રામા નગરપાલિકા કક્ષાના શહેરોના વિકાસ માટે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ગુજરાત સરકારની શહેરી વિકાસ યાત્રામા નાના શહેરોના મહત્વના વિકાસ માટે કોઈ નોંધ લેવામાં આવી નથી. નાના શહેરમાં રહેતા લોકો પણ સુવિધા ઈચ્છે છે. પણ સરકાર સમક્ષ આવા નાના શહેરના વિકાસની કોઈ યોજના નહી હોવાથી વિકાસથી વંચીત રહે છે. પાલિકાઓને વર્ષે પાંચ થી છ કરોડની જે ગ્રાન્ટ ફળવાય છે તેમાંથી રોડ, ગટરલાઈન, લાઈટ, પાણી, સ્વચ્છતા, વરસાદી પાણીના નિકાલની લાઈન જેવા નિયમિત થતા વિકાસના કામ થાય છે. પાલિકાઓ પાસે વેરાની આવક સીવાય વધારાની એવી કોઈ આવક નથી કે જેમાંથી બે-ચાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ હાથ ધરી શકે. સરકાર યાત્રાધામો અને પર્યટક સ્થળોના વિકાસ માટે ખાસ યોજના બનાવી કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ નાના શહેરોના ઐતિહાસિક સ્થળનો વિકાસ કે તળાવ-સરોવર બ્યુટીફિકેશન માટે કોઈ યોજના બનાવતી નથી. નાના શહેરો વિકાસથી કેટલા વંચીત રહે છે તે વિસનગરનીજ વાત કરીએ તો વર્ષ-૨૦૧૨ મા તત્કાલીન માર્ગ મકાન મંત્રી આનંદીબેન પટેલે બાયપાસ રોડ માટે રૂા.૭ કરોડ ફાળવ્યા હતા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જ્યારે વર્ષ ૨૦૨૧ મા કેબીનેટ મંત્રી બન્યા ત્યારે ૯ વર્ષે બાયપાસનુ કામ આગળ વધ્યુ. પાલિકામાં સ્વ.ગીરીશભાઈ પટેલના પ્રમુખકાળનો વર્ષ ૨૦૧૫ માં છેલ્લો સમય હતો ત્યારે આગવી ઓળખની રૂા.૪ કરોડ ગ્રાન્ટ ફળવાઈ હતી. જેમાંથી વિકાસમંચના શાસનમાં પીંડારીયા તળાવનુ બ્યુટીફિકેશન કામ થયુ. ત્યારબાદ ૧૦ વર્ષના સમયમાં એવી કોઈ બીજી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી નથી કે જેમાંથી પાલિકા હસ્તક વધારાનુ વિકાસ કામ થઈ શકે. વરસાદી પાણીના નિકાલ જેવા કામમાં પણ પાલિકાને ફળવાયેલી નિયમિત ગ્રાન્ટમાંથી ખર્ચ કરવો પડે છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂા.૪ કરોડની જે ગ્રાન્ટ ફળવાઈ તેમાંથી ગંજબજાર વરસાદી લાઈનનુ કામ શક્ય બન્યુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ એમ.એન.કોલેજ, સિવિલ હોસ્પિટલ, ઓવરબ્રીજના વિકાસ માટે કરોડો રૂપિયા ફળવાયા પરંતુ પાલિકા હસ્તકના વિકાસ માટે શું? વિસનગરમાં ઐતિહાસિક દેળીયુ તળાવ, કમાણા રોડ ઉપરનુ મધેક તળાવ, જાળેશ્વર રોડ ઉપરનુ દેપલ તળાવ, નવા બાગ બગીચા, સિનિયર સિટીઝન પાર્ક વિગેરે વિકાસ કાર્યો માટે જો બજેટમાં ખાસ જોગવાઈ થાય તોજ વિકાસ કાર્ય શક્ય છે. નાના શહેરોમાં રહેતા લોકો પણ હરવા ફરવાનુ સ્થળ મળી રહે તેવ ઈચ્છે છે. પરંતુ શહેરી વિકાસ વર્ષ ઉજવતી સરકારને મોટા શહેરના વિકાસની ચિંતા છે, જ્યારે નાના શહેરોના વિકાસ પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવે છે. વિસનગરની જેમ દરેક પાલિકા કક્ષાના શહેરોની હાલત છે. દર વર્ષે નહી તો બે-ત્રણ વર્ષે પાલિકાને પાંચ સાત કરોડની વધારાની ગ્રાન્ટની બજેટમાં જોગવાઈ થાય તો નાના શહેરોમાં પણ મહત્વના વધારાના વિકાસ કામ થાય અને નાના શહેરોમાં રહેતા લોકોને પણ વિકાસનો લાભ મળી રહે.