
વિસનગરના બાયપાસ હાઈવે માટે રૂા.૨૧૦ કરોડની દરખાસ્ત

વળતર આપવાની કામગીરી પૂર્ણતાના આરે – રૂા.૭૧.૫૦ કરોડ ડિઝોપીટ થયા
- જમીન સંપાદન વિભાગની ધીમી પ્રક્રિયાથી વળતરની નોટીસના કામમાં વિલંબ
વિસનગરમાં આઈ.ટી.આઈ. રેલ્વે ઓવરબ્રીજના કારણે હાઈવે ઉપર વાહનોની અવરજવર બંધ થતાજ બાયપાસ હાઈવેનુ મહત્વ કેટલુ છે તેનો ખ્યાલ આવી ગયો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની નિગરાનીમાં હવે બાયપાસ હાઈવેનુ કામ ઝડપથી આગળ વધી રહ્યુ છે. જમીન સંપાદનમાં વળતર પેટેની ગ્રાન્ટ ડિપોઝીટ થઈ ગઈ છે. જ્યારે હાઈવેના વિકાસ કામ માટે રૂા.૨૧૦૪૪.૨૦ લાખની દરખાસ્ત માર્ગ મકાન વિભાગે સરકારમાં કરી છે. રૂા.૨૮૧ કરોડના ખર્ચે બાયપાસ બની રહ્યો છે ત્યારે જમીન સંપાદન વિભાગ સામાન્ય બાબતમાં ક્વૅરી કાઢતા વળતરની નોટીસ આપવામાં જે વિલંબ થઈ રહ્યો છે તે બાબતે કેબીનેટ મંત્રી સૂચન કરે તે જરૂરી છે.
વર્ષોથી વિકાસથી વંચીત રહેલા વિસનગરના સર્વાંગી વિકાસ માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારમાં મહત્વનુ સ્થાન ધરાવતા તેનો લાભ વિસનગરના લોકોને મળે તેવા પ્રયત્નોના ફળ સ્વરૂપ બાયપાસ હાઈવેનુ કામ ગતિથી આગળ વધી રહ્યુ છે. બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી માટે રૂા.૭૧૫૦ લાખ (૭૧.૫૦) કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળતા જમીન સંપાદન અંગેની કાર્યવાહી પૂર્ણતાના આરે છે. વિસનગર ગોઝારીયા રોડથી વિસનગર ઉમતા રોડ સુધી કુલ ૮ કિ.મી.ના બાયપાસ માટે કલમ ૨૩ એવોર્ડની મંજુરી માટે મહેસુલ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. જે મંજુરી મળતાજ ખેડૂતોને નોટીસ આપી વળતર આપવામાં આવશે. એક તરફ કેબીનેટ મંત્રીના શહેરમાં બાયપાસ હાઈવેનુ કામ ઝડપી થાય તે માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે જમીન સંપાદન વિભાગ સામાન્ય ક્વૅરી કાઢતા સંપાદનની પૂર્ણતાના આરે આવેલી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. કેબીનેટ મંત્રી તરફથી જમીન સંપાદન વિભાગના અધિકારીઓને કડક સૂચના અપાય તો વળતરની નોટીસો આપવાનો માર્ગ મોકળો થાય તેમ છે.
એક તરફ જમીન સંપાદનના વળતર માટેની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ૮ કિ.મી.ના ચાર માર્ગીય બાયપાસના નિર્માણ માટેની કાર્યવાહી માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ બાયપાસના બાંધકામ માટે વર્ષ ૨૦૨૪-૨૫ ના એસ.ઓ.આર. મુજબ કુલ રૂા.૨૧૦૪૪.૨૦ લાખ (રૂા.૨૧૦.૪૪ કરોડ)ના નકશા અંદાજો તૈયાર કરી મંજુરી અર્થે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેની સૈધ્ધાંતિક મંજુરી મળશે ત્યારે ચાર માર્ગીય બાયપાસ હાઈવેનું કામ શરૂ થશે. વિસનગર બાયપાસ હાઈવેની પ્રક્રિયા ૧૨ વર્ષથી ચાલી રહી છે જેનીે ઝડપી સૈધ્ધાંતિક મંજુરી મળે તે માટે કેબીનેટ મંત્રી દ્વારા પ્રયત્નો કરવા જરૂરી છે.
વિસનગરમાં એક તરફ મહેસાણા રોડથી વડનગરને જોડતા હાઈવેની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે બીજી તરફ કડા રોડથી ઉમતા રોડને જોડતા બાયપાસ હાઈવેની દરખાસ્ત કરવામાં આવી છે. હવે ફક્ત કડા રોડથી મહેસાણા રોડને જોડતા હાઈવેની પ્રક્રિયા બાકી છે. જે કામગીરી ઝડપી થાય તો વિસનગરની ફરતે ૧૫ થી ૧૭ કિ.મી.નો રીંગરોડનો લાભ મળશે. આઈ.ટી.આઈ. ફાટક રેલ્વે ઓવરબ્રીજના કારણે વિસનગર શહેરમાં ટ્રાફીકનુ ભારણ વધ્યુ છે. વિજાપુર, અમદાવાદ અને મહેસાણા તરફથી ઉંઝા, અંબાજી તરફ જતા તમામ વાહનો શહેરના માર્ગો ઉપરથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે દિવસમાં અનેક વખત ટ્રાફીક જામ થાય છે. ઓવરબ્રીજના એક્ષ્ટેન્શનની પણ કામગીરી ચાલતી હોવાથી અઢીથી ત્રણ વર્ષ સુધી બ્રીજનુ કામ ચાલશે. ત્યારે જો બાયપાસ હાઈવેનુ કામ એકાદ વર્ષમાં પૂર્ણ થાય તો શહેરમાંથી ટ્રાફીકનુ ભારણ ઓછુ થશે.