
નૂતન મેડિકલ કોલેજની પ્રથમ બેચના ૧૪૭ વિદ્યાર્થીઓને MBBSની ડીગ્રી એનાયત

પૂજ્ય સાંકળચંદ કાકાના સંકલ્પને આગળ વધારતા પ્રકાશભાઈ પટેલની દિર્ઘદ્રષ્ટી તથા અથાક પ્રયત્નોથી
ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ “નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર” ખાતે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક અને વિસનગરને શિક્ષણનગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કર્મવીર સ્વ. શ્રી સાંકળચંદભાઈ પટેલની ૧૧૬મી જન્મજયંતી નિમિત્તે તા.૨૮-૨-૨૦૨૫ ના રોજ MBBSની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો સ્નાતક સમારોહ તેમજ ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ પોસ્ટગ્રેજ્યુએટ કોર્ષના પ્રથમ બેચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ પુરા ગૌરવ સાથે યોજાયો.
સમારંભમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં MBBSમાં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનારા ૧૪૭ ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. ઉપરાંત, ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની પ્રથમ MD/MS પોસ્ટગ્રેજ્યુએટ બેચના ૧૭ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર પંથકના લોકોને ઉત્તમ અને ઉચ્ચ-કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાના સ્વ.સાંકળચંદ દાદાના સ્વપ્ન મુજબ કામ કરનાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલની દિર્ઘદ્રષ્ટી, અથાગ પ્રયત્નો અને કુશળ નેતૃત્વ હેઠળ, વિસનગરમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ “ગ્રીન ફિલ્ડ પોલિસી” અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી MBBSની ૧૫૦ બેઠકો સાથે નૂતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરની વર્ષ ૨૦૧૯-૨૦માં શરૂઆત કરવામાં આવી હતી. આજે આ સંસ્થા રાજ્ય અને રાષ્ટ્રની આરોગ્ય ક્ષેત્રે મોખરાની સંસ્થાઓમાં ઓળખ પામતી એક સંસ્થા બની છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મેડિકલ ક્ષેત્રે પોસ્ટગ્રેજ્યુએટ કરવા માટે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓએ બીજા જિલ્લામાં અથવા રાજ્યમાં જવું પડતું હતું જે હવેથી દરેકને પોતાના ઘર આંગણે આધુનિક તબીબી ઉપકરણો સાથે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ મળી રહેશે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધાર્મિક વિદ્વાન અને પ્રેરક વક્તા પૂજયશ્રી ભુપેન્દ્રભાઈ પંડયા હાજર રહી ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા, આમંત્રિત મહેમાનોને પોતાના વક્તવ્યથી પ્રેરિત કર્યા હતા અને ગ્રેજ્યુએટ થનાર તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. આ શુભ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન પ્રેસિડેન્ટ, ડો.અનિલભાઈ નાયક, મહેસાણા જિલ્લા પૂર્વ સાંસદ શારદાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ અનિલભાઈ નાયકે પોતાના વક્તવ્યમાં સમાજમાં ડોક્ટર્સની નૈતિક જવાબદારી તરફ દિશા નિર્દેશ કરી પોતાને સતત અપગ્રેડ કરતા રહેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે એમબીબીએસ અભ્યાસ પૂર્ણ કરનારા તમામ ડોક્ટર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને યુનિવર્સિટી તેમના શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ઠ ભવિષ્ય માટે સદાય અવિરત મદદરૂપ રહેશે તેવી ખાતરી આપી હતી. આ ઐતિહાસિક પળે ગુજરાત સરકાર અને ભારત સરકાર તેમજ સરકારી અધિકારીઓનો તેમના સહકાર અને માર્ગદર્શન બદલ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે આભાર માન્યો હતો.
આ પ્રસંગે સર્વે મહેમાનોની ઉપસ્થિતિમાં તમામ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને પી.જી.માં પ્રવેશ મેળવનાર ર્ડાક્ટર વિદ્યર્થીઓને પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા, ર્ડા.અનિલભાઈ નાયક, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ર્ડા.પી.એમ.ઉદાણી, રજીસ્ટ્રાર ર્ડા.પરિમલ ત્રિવેદી, મેડિકલ કોલેજના ડીન ર્ડા.વિજયસિંઘ બધેલ, ડાયરેક્ટર હેલ્થ સાયંસ ર્ડા. જે.આર.પટેલના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.