
દેળીયા તળાવ ભીલવાસમાંથી ૨ કિલો ૭૩ ગ્રામ ગાંજો ઝડપાયો

વિસનગર પોલીસના નાક તળે એસ.ઓ.જી.ની રેડ
વિસનગરમાં અત્યાર સુધીમાં સ્થાનિક પોલીસ અને બહારની એજન્સીઓએ ઘણી વખત રેડ કરીને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. તેમ છતા સ્થાનિક પોલીસની છત્રછાયા ગણો કે ગમે તે કારણોસર શૈક્ષણિક નગરીમાં નશીલા પદાર્થોનુ વેચાણ અટકતુ નથી વડનગરી દરવાજા પાસે ખુલ્લેઆમ ચરસ ગાંજો વેચાય છે. સાંકળચંદ યુનિવર્સિટી કેમ્પસ પાસેના માર્કેટમા ઈ-સીગારેટ જેવી નશો કરાવતી વસ્તુઓ વેચાય છે. જેની એક વખત નહી પરંતુ અનેક વખત રજુઆતો થઈ છે તેમ છતા સબ સલામતની ગુહાર વચ્ચે શહેરનુ યુવાધન નશા તરફ ધકેલાઈ રહ્યુ છે. મહેસાણા એસ.ઓ.જી.એ વિસનગર પોલીસના નાક તળે રેડ કરી દેળીયા તળાવ કિનારા પાસેના ભીલવાસમાંથી ૨ કિલો ૭૩ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી નારકોટીક્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. દેળીયા તળાવના કિનારા આસપાસનો વિસ્તાર અસમાજીક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે. ત્યારે પોલીસ નિયમિત તપાસ કરે તો પણ અસમાજીક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવી શકે તેમ છે.
મહેસાણા એસ.ઓ.જી. પી.આઈ. એન.આર.વાઘેલા, પી.એસ.આઈ. એમ.બી.સીંધવ તથા અન્ય સ્ટાફ ઓફીસમા ફરજ ઉપર હાજર હતા. ત્યારે બાતમી મળી હતી કે વિસનગરમાં દેળીયા તળાવ પાસેના ભીલવાસમાં કંસારાની વાડીમાં રહેતો ઈમરાનખાન ઉર્ફે રાજુ ઉસ્માનખાન મલેક પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખીને વેપાર કરે છે. એસ.ઓ.જી.એ નારકોટીક્સની રેડ પહેલાની જટીલ પ્રક્રિયા પૂર્ણ કરીને રાત્રે પોણા નવ વાગે રેડ કરી હતી. બાતમી સ્થળેથી ઈમરાન મલેક હાજર હતો. તેના ઘરમાં તપાસ કરતા પ્લાસ્ટીકની થેલીમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ. અધિકારીને બોલાવી વનસ્પતિજન્ય પદાર્થનુ પૃથ્થકરણ કરતા ગાંજો હોવાનુ જણાયુ હતુ. જેનુ વજન કરતા ગાંજો ૨ કિલો અને ૭૩ ગ્રામ હતો. પોલીસે રૂા.૨૦,૭૩૦/- ની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો.
એસ.ઓ.જી.એ વિસનગર પોલીસના નાક તળે સફળ રેડ પ્રક્રિયા પૂર્ણ કરી ગાંજો વેચનાર ઈમરાન મલેકની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, તે રાજસ્થાનના કોટડા છાવણી ગામે મૈયતમાં બેસવા ગયો હતો. જ્યા ઉદેપુરના જોગીવાડા ગામનો લક્ષ્મણભાઈ આદીવાસી મળતા રૂા.૬૦૦૦ માં ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો. મકાનમાં વિજ કનેક્શન ક્યાંથી મેળવ્યુ તે બાબતે ફતેહ દરવાજાના કરશનભાઈ પટેલની બોરની ઓરડીમાંથી વિજ કનેક્શન મેળવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. પી.આઈ. એમ.બી.સીંધવની ફરિયાદ આધારે વિસનગર પોલીસ સ્ટેશનમાં ઈમરાનખાન ઉર્ફે રાજુ ઉસ્માનખાન દોલતખાન મલેક તથા લક્ષ્મણભાઈ આદીવાસી વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી), ૨(બી)૨૯ મુજબ ગુનો દાખલ કર્યો હતો.