બ્લડ બેંકની સેવાઓ તથા સુવિધાઓની નોંધ લઈ સી.એસ.આર. ફંડ ફાળવ્યુ LIC નુ બ્લડ બેંકને રૂા.૫૯,૫૫,૫૬૦નું દાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર
નાત જાતના ભેદભાવ વગર માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્રને સાચા અર્થમાં સાર્થક કરનાર વિસનગર બ્લડ બેંકની હવે રાષ્ટ્રીય સંસ્થાઓ નોંધ લઈ રહી છે. બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, એમ.ડી.કિર્તીભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સંસ્થા દ્વારા આપવામાં આવતી સેવાઓ તથા સુવિધાની નોંધ લઈ એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયાએ તેના સી.એસ.આર. ફંડમાંથી રૂા.૫૯,૫૫,૫૬૦/- નુ માતબર દાન આપવામાં આવ્યુ છે. જે ફંડમાંથી બ્લડ બેંકમાં આધુનિક મશીનરી વસાવવામાં આવશે.
જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિસનગર વોલન્ટરી બ્લડ બેંક શહેરનુ ગૌરવ વધારતી એક સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ડોક્ટર મિહિરભાઈ જોશી, કિરીટભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજથી ૩૩ વર્ષ પહેલા થઈ હતી. બદલાતા સમયની સાથે રક્તની વિવિધ ઘટકોની ઉત્પાદન માટે અત્યાધુનિક લેબોટરીની સાથે લેબોટરીમાં મોંઘા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની પણ જરૂરિયાત ઊભી થઈ. એટલું જ નહીં પરંતુ રક્તદાન કેમ્પની જરૂરિયાતોમાં પણ બદલાવ આવ્યો. જેના કારણે બ્લડ બેંકના ખર્ચા વધ્યા અને આવક કરતાં જાવકમાં પણ વધારો થયો. ર્ડા.મિહિરભાઈ અને તેમની ટીમે ઉંમરના કારણે બ્લડ બેંક સંચાલનમાંથી નિવૃત્ત થઈ રાજુભાઈ કે.પટેલના નેતૃત્વ નીચે સ્વસ્તિક મિત્ર મંડળ અને કોપર સીટીની નવી ટીમને સુકાન સોંપવામાં આવ્યું. જેમાં રાજુભાઈ કે.પટેલની ચેરમેન તરીકે અને કિર્તીભાઇ પટેલની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી તેમની સમગ્ર ટીમ દ્વારા બ્લડ બેંકનું સંચાલન સંભાળવામાં આવ્યું. કોપર સીટી મર્ચન્ટ એસોસીયેશનના સ્નેહમિલન સમારંભ દરમિયાન રાજુભાઈ પટેલ અને તેમની ટીમે બ્લડ બેંકનું સંચાલન પોતાના હસ્તક લીધું. બ્લડ બેંકના સંચાલન સાથેજ અત્યાધુનિક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મશીનરી વસાવવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો. ત્યારબાદ માલિકીની જગ્યામાં અધતન બ્લડ બેંક બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં આદર્શ સ્કૂલની બાજુમાં માલિકીની જગ્યામાં બ્લડ બેંકના મકાનનુ બાંધકામ ચાલુ થઈ ગયું છે. નવીન મશીનરી પણ વસાવી છે. છતાં હજુ ઘણી નવી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મશીન ની જરૂરિયાત ઊભી છે. જેના અનુસંધાને બ્લડ બેંક દ્વારા એલ.આઇ.સી ઓફ ઇન્ડિયામાં નવીન મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે દાનભેટની માંગણી કરી હતી. જેમાં સમગ્ર ફાઈલ બનાવવાની કાર્યવાહી બ્લડ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રતિકભાઇ મણીયાર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં વિસનગર LIC દ્વારા ખૂબ જ મદદ મળી હતી. જેમાં ડીઓ એન.પી.પટેલ દ્વારા ખુબ સહકાર મળ્યો હતો. ઉપરાંત ગાંધીનગર ઝોનના એસ.ડી.એમ. આસ્થાના સાહેબ દ્વારા ખૂબ સારો પોઝિટિવ સહકાર મળ્યો હતો. એલ.આઈ.સી.ની કેન્દ્રીય ટીમ દ્વારા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનું ઓફલાઈન અને ઓનલાઇન નિરીક્ષણ કરીને બ્લડ બેંકમાં વિવિધ મશીનરી લાવવા માટે રૂા.૫૯,૫૫,૫૬૦ સીએસઆર માંથી ફંડ મંજૂર કર્યુ છે. આ દાન ભેટ એલ.આઇ.સી.ના ગોલ્ડન જુબેલી અંતર્ગત ફંડ આપવામાં આવ્યુ છે.આ ફંડ દ્વારા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકમાં વિવિધ મશીનરી અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવામાં આવશે. ફુલ્લી ઓટોમેટીક સેન્ટ્રીફયુજ પેમ્પોલ, માઈનસ ૮૦ ના સ્ટોરેજ ફ્રીજ અને ઓટોમેટીક ફુલ્લી એલાઇઝા મશીન જેવી મશીનરી ખરીદવામાં આવશે. આ માટે ચેરમેન રાજુભાઈ કે.પટેલ અને તેમની સમગ્ર ટીમે એલ.આઈ.સી.નો આભાર વ્યક્ત કર્યો છે. વિસનગર વોલન્ટરી બ્લડ બેંક એલ.આઇ.સી જેવી રાષ્ટ્રીય સંસ્થાના વિવિધ પરીક્ષણોમાંથી પાસ થઈ છે એટલે કે આવું ફંડ મળવાથી સંસ્થા ફુલ્લી સાર્વજનિક ચેરીટેબલ સંસ્થા છે તેવું પ્રમાણપત્ર મળ્યું છે. આ ફંડ મળતા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને સમાજ સેવાની સંસ્થા તરીકે પોતાની ગુડવીલમાં ખૂબ જ વધારો થયો છે એમ કહી શકાય. હવે વિસનગર બ્લડ બેંકની સમગ્ર ટીમ બ્લડ બેંક માટે અધતન નવું બિલ્ડીંગ ઊભું કરવા જઈ રહ્યા છે. જેમાં શહેરના દાતાઓ પણ દાનની સરવાણી વ્હાવી રહ્યા છે. અને આ નવીન મકાન માટે હજુ પણ દાન ભેટની નોંધણી ચાલુ છે. તો બાંધકામ દાન ભેટ માટે દાતાઓ આવકાર્ય છે.