Select Page

રાજ્ય પોલીસ ખાતાના આદેશથી પી.આઈ.ગઢવીએ મસ્તાનનગરના અસામાજીક તત્વોેના મકાનના કનેક્શન કાપ્યા

રાજ્ય પોલીસ ખાતાના આદેશથી પી.આઈ.ગઢવીએ મસ્તાનનગરના અસામાજીક તત્વોેના મકાનના કનેક્શન કાપ્યા

ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશથી વિસનગર શહેર પોલીસ સ્ટેશનના બાહોશ પી.આઈ. એ.એન.ગઢવીએ ૧૦૦ કલાકમાં મિલકત, લૂંટ, દારૂ-જુગાર, બળાત્કાર સહિત ગુનાહિત ભુતકાળ ધરાવતા સાત રીઢા અસામાજીક તત્વોનું લીસ્ટ તૈયાર કર્યુ હતુ. જેના આધારે વિસનગર નગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓએ ગુરુવારના રોજ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મસ્તાનનગરમાં પહોંચી ગુનાહિત ભુતકાળ ધરાવતા ત્રણ માથાભારે ઈસમોના ઘરનું વીજ કનેક્શન અને પાણીનુ કનેક્શન કાપી નાખ્યુ હતુ. આ સાથે પાલિકાતંત્રએ જે.સી.બીથી જાહેર રોડ ઉપર દબાણ કરેલ પતરાના ગલ્લાને પણ હટાવ્યુ હતુ.
વિસનગર શહેર પી.આઈ. એ.એન.ગઢવીએ શહેરમાં ગુનાહિત ભુતકાળ ધરાવતા સાત અસામાજીક તત્વોનુ લીસ્ટ તૈયાર કર્યુ હતુ
તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વોએ તલવાર, પાઈપો અને ધોકા લઈ જાહેર રોડ ઉપર આતંક મચાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતા લઈ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર રાજ્યમાં ગુનાહિત ભુતકાળ ધરાવતા માથાભારે તત્વોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી તેમના ગેરકાયદેસર બાંધકામ તોડવા પોલીસતંત્રને આદેશ કર્યો હતો. ત્યારે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના બાહોશ પી.આઈ. એ.એન.ગઢવીએ મિલ્કત, દારૂ જુગાર, બળાત્કાર જેવા ગંભીર ગુનાહિત ભુતકાળ ધરાવતા શહેરના સાત માથાભારે રીઢા અસામાજીક તત્વોનું લીસ્ટ તૈયાર કર્યુ હતુ. જેમાં શહેરના મસ્તાનનગર વિસ્તારમાં રહેતા ફકીર આનમહંમદ જાનમહંમદ, ફકીર તાજમહંમદ જાનમહંમદ અને ફકીર જાનમહંમદ નિયાકતઅલી સામે ઘરફોડ ચોરી, લુંટ, એન.ડી.પી.એસ. સહિત ૧૪ જેટલા ગુનાઓ નોંધાયા હતા. જેના આધારે નગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓએ ગુરુવારના રોજ પોલીસ બંદોબસ્ત સાથે મસ્તાનનગરમાં પહોંચી માથાભારે રીઢા ત્રણ અસામાજીક તત્વોના ઘરોનું વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપી નાખ્યુ હતુ. આ સાથે જે.સી.બી.થી સરકારી જમીનમાં દબાણ કરેલ પતરાનું કેબિન (ગલ્લો) પણ હટાવ્યુ હતુ. વધુમાં આ ત્રણેય અસામાજીક તત્વોને તેમના મકાનની જગ્યા પોતાની હોવાના પુરાવા રજુ નહી કરે તો તેનુ દબાણ તોડવાની પણ કડક સુચના આપી હતી. આ કાર્યવાહી દરમિયાન પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, શહેર પી.આઈ. એ.એન.ગઢવી સહિત પોલીસ, નગરપાલિકા અને વીજ કંપનીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.