Select Page

મહેસાણાના તપાસ અધિકારીએ રૂા.૧૦,૦૦૦ માગ્યાનો સરપંચનો આક્ષેપ

મહેસાણાના તપાસ અધિકારીએ રૂા.૧૦,૦૦૦ માગ્યાનો સરપંચનો આક્ષેપ

વાલમમાં મકાનનું દબાણ તોડી પાણી કનેક્શન કાપવાના વિવાદમાં

  • જીલ્લા પંચાયતની દબાણ શાખાના વિસ્તરણ અધિકારી કમલેશભાઈ પટેલે વાલમનું વિવાદનું કોકડુ વાળવા રૂા.૧૦,૦૦૦ માગ્યા હોવાનો સરપંચનો ગંભીર આક્ષેપ

વિસનગર તાલુકાના વાલમ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગામના એક રહીશનું બિનઅધિકૃત બાંધકામ તોડી તેનુ પાણી કનેક્શન કાપવામાં આવ્યુ હતુ. જે બાબતે દબાણકર્તાએ ગ્રામ પંચાયત વિરૂધ્ધ માનવ અધિકાર પંચમાં રજુઆત કરી હતી. જેમાં મહેસાણા જીલ્લા પંચાયતના દબાણ શાખાના વિસ્તરણ અધિકારી કમલેશભાઈ કે. પટેલે તપાસમાં ભીનુ સંકેલવા માટે રૂા.૧૦,૦૦૦ લાંચની માગણી કરી હોવાનો સરપંચે આક્ષેપ કરતા તાલુકા પંચાયતમાં ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાંથી ૧૦ થી ૧૫ જેટલા ભ્રષ્ટ કર્મચારીઓ લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયા છે. છતાં આજે પણ કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરવામાં કોઈનો ડર રહ્યો નથી. વિસનગર તાલુકાના વાલમ ગ્રામ પંચાયત દ્વારા ગામના એક રહીશનું બિનઅધિકૃત બાંધકામ તોડી તેનુ પાણી કનેક્શન કાપવામાં આવ્યુ હતુ. જે બાબતે વિવાદ થતા દબાણકર્તાએ ગ્રામ પંચાયત વિરૂધ્ધ જીલ્લા વિકાસ અધિકારી તેમજ માનવ અધિકાર પંચમાં લેખિત રજુઆત કરી હતી. જેમાં માનવ અધિકાર પંચે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીને દબાણ તોડવાની તેમજ પાણી કનેક્શન કાપવા બાબતે તપાસ સોંપી હતી. ત્યારે જીલ્લા વિકાસ અધિકારી ડા. હસરત જૈસ્મીનના આદેશથી મહેસાણા જીલ્લા પંચાયતની દબાણ શાખાના વિસ્તરણ અધિકારી કમલેશભાઈ કે.પટેલ બુધવારે બપોરે દબાણ શાખાની ટીમ સાથે વાલમ ગ્રામ પંચાયતમાં તપાસ માટે ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન સરપંચે વિસ્તરણ અધિકારી કમલેશભાઈ પટેલને કહ્યુ કે સાહેબ તમે એક જ કેસમાં કેટલી વખત તપાસ કરશો. અમે તમને પહેલા જવાબ તો કર્યો છે. એક જ મેટરમાં વારંવાર તપાસ કરવાનું કારણ શું? ત્યારે દબાણ શાખાના વિસ્તરણ અધિકારી કમલેશભાઈ પટેલે સરપંચને એક બાજુ ખુણામાં લઈ જઈ કહ્યુ કે તમે દબાણકર્તા વિરૂધ્ધ દબાણ તોડવાની અને તેનુ પાણી કનેક્શન કાપવાની જે કાર્યવાહી કરી છે તે કાયદેસર છે. તમે દબાણકર્તાનું દબાણ તોડી કોઈ ખોટી કાર્યવાહી કરી નથી. આ તો દબાણકર્તા વારંવાર અરજીઓ કરે છે એટલે અમારે તપાસ કરવા આવવુ પડે. જો તમારે આ વિવાદનું કોકડુ વાળવુ હોય તો તમે મને રૂા.૧૦,૦૦૦ આપો તેમાથી હું અને મારી સાથે આવેલ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી આનંદભાઈ સુથાર બંન્ને વહેચી લઈશું. પછી અમે તમારી તરફેણમાં ઉપર રિપોર્ટ કરી દઈશું. એટલે ફરીથી અહી કોઈ અધિકારી તપાસ કરવા નહી આવે. વિસ્તરણ અધિકારી કમલેશભાઈ પટેલની વાત સાંભળી સરપંચે તેમને કહ્યુ કે અમે દબાણકર્તા સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તમારે મારા કે ગ્રામ પંચાયત વિરૂધ્ધ જે રિપોર્ટ કરવા હોય તે કરજો. હું તમને કે આનંદભાઈ સુથારને એક રૂપિયો પણ નહી આપુ. વિસ્તરણ અધિકારી કમલેશભાઈ પટેલે કરેલી સમગ્ર વાતચીત સરપંચે તેમના સગા મોટાભાઈ તેમજ માજી સરપંચ હિરેનભાઈ પટેલને કરતા તેમને તાલુકા પંચાયતમાં આવી નાયબ ડી.ડી.ઓ.ભગવતીબેન રાઠોડને રજુઆત કરી કે મેડમ તમારા વિસ્તરણ અધિકારી વાલમ દબાણની તપાસ કરવા ગયા ત્યારે તેમને અરજદારની અરજીનુ કોકડુ વાળવા સરપંચ પાસે રૂા.૧૦,૦૦૦ માગ્યા હતા. એટલે મેડમ તમે રૂબરૂ ગ્રામ પંચાયતમાં આવી સાચી તપાસ કરી તમને યોગ્ય લાગે તેવો ઉપરી અધિકારીને રિપોર્ટ કરજો. પણ મહેરબાની કરીને આવા અધિકારીને તપાસ કરવા મોકલશો નહી. હિરેનભાઈની વાત સાંભળી નાયબ ડી.ડી.ઓએ રૂબરૂ ગ્રામ પંચાયતમાં આવી અરજીની તપાસ કરવાની તૈયારી બતાવી હતી. જોકે હિરેનભાઈ પટેલે ટી.ડી.ઓ સુચીબેન પટેલ અને નાયબ ડી.ડી.ઓ. ભગવતીબેન રાઠોડની હાજરીમાં દબાણ શાખાના વિતરણ અધિકારી કમલેશભાઈ પટેલ ઉપર રૂા.૧૦,૦૦૦ લાંચની માગણીનો આક્ષેપ કરતા તાલુકા પંચાયતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, અગાઉ વલાસણા ગામના તલાટી કમ મંત્રી હિતેશકુમાર જે.પરમારે દબાણ શાખાના અધિકારી કમલેશભાઈ પટેલના માનસિક ત્રાસથી નોકરીમાં રાજીનામુ આપ્યુ હતુ. જેમાં તેમને આ વિસ્તરણ અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરવાના વિચારો પણ આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે સરકારે આ વિવાદિત અધિકારી સામે કડક કાર્યવાહી કરી ફરજનુ ભાન કરાવવુ જોઈએ.