Select Page

થાંભલા ઉપર કરંટ લાગ્યા બાદ કર્મચારી લાંબો સમય લટકી રહ્યો

થાંભલા ઉપર કરંટ લાગ્યા બાદ કર્મચારી લાંબો સમય લટકી રહ્યો

વડનગરમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે

વડનગરમાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અકસ્માતના સંજોગોમાં સામનો કરવા પૂરતા સાધનો નહી હોવાથી લોકો સહન કરી રહ્યા છે. વડનગરમાં હેવી લાઈનના વિજ પોલ ઉપર એક કર્મચારીને કરંટ લાગ્યો હતો. પરંતુ ફાયર ફાયટરના પૂરતા સાધનો નહી હોવાથી લાંબા સમય સુધી કરંટ લાગેલી હાલતમાં વિજ કર્મચારી થાંભલા ઉપર લટકી રહ્યો હતો. વિસનગર પાલિકા ફાયર સ્ટેશનના કર્મચારીઓની ભારે જહેમત બાદ ઈજાગ્રસ્ત વિજ કર્મચારીને સુરક્ષીત ઉતારવામાં આવ્યો હતો.
મહેસાણાથી સતલાસણા વચ્ચેના ૫૦ કિ.મી.ના વિસ્તારમાં ફાયર ફાયટરના મોટા સાધનો નહી હોવાથી અકસ્માતના સંજોગોમાં તંત્ર લાચારી અનુભવે છે. વડનગરમાં હાટકેશ્વર મંદિર નજીક વિજ પોલ ઉપર કરંટ લાગવાનો જે બનાવ બન્યો તે વડનગરના વિકાસનો જશ લેતા લોકો માટે શરમજનક છે. વડનગર વિજ કચેરીમાં ફરજ બજાવતા હાર્દિકકુમાર રમેશચંદ્ર ઠાકર રીપેરીંગ માટે હેવી લાઈનના વિજ પોલ ઉપર ચડ્યા હતા. જેઓ વિજ પોલના ટોચના કલેઈમ ઉપર બેસી રીપેરીંગ કરતા હતા ત્યારે કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી અર્ધબેભાન થયેલા વિજ કર્મચારી નીચે ઉતરી શકે તેવી સ્થિતિમાં નહોતા. વડનગર પાલિકાના ફાયર સ્ટેશનમાં ઉંચી સીડી કે અન્ય કોઈ સાધન નહી હોવાથી કરંટ લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને તાત્કાલીક નીચે ઉતારવા શક્ય નહોતા. ઉંચા થાંભલા ઉપર ફસાયેલા કર્મચારીને કેવી રીતે ઉતારવા તેની મુંજવણ હતી. વિસનગર પાલિકાના ફાયર સ્ટેશનમાં કૉલ મળતાજ ઈન્ચાર્જ ફાયર ઈન્સ્પેક્ટર જયેશભાઈ પટેલ સહિતનો સ્ટાફ ગણતરીની મિનિટોમાં બનાવ સ્થળે પહોંચી ગયો હતો. વિસનગર પાલિકાના મીની ફાયર સ્ટેશનની ૩૫ ફૂટની સીડી ઉંચી કરીને લગભગ પોણો કલાક બાદ વિજ પૉલ ઉપર ફસાયેલા કર્મચારીને સુરક્ષીત નીચે ઉતાર્યા હતા. જેમને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર્થે ખસેડાયા હતા.
વડનગર ગ્રામ્ય વિસ્તારની વિજકચેરીની ઉત્કૃષ્ઠ કામગીરીને કારણે એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ મળ્યાના ગણત્રીના દિવસોમાં વિજ કચેરીના કર્મચારીને સમારકામ દરમ્યાન કરંટ લાગ્યો હતો.