કોમી એકતાના સંદેશા માટે તાજીયાનુ સ્વાગત પણ જરૂરી
રામનવમી શોભાયાત્રાની શાંતિ સમિતિની મીટીંગમાં મુસ્લીમ સમાજની લાગણી
- અગાઉ પાલિકા તથા વિસનગર વેપારી મહામંડળ દ્વારા સ્વાગત કરવામાં આવતુ હતુ
વિસનગરમાં રામનવમીની શોભાયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ મળી હતી. જેમાં ઉપસ્થિત મુસ્લીમ સમાજના આગેવાનોએ શોભાયાત્રાનુ સ્વાગત કરવા જણાવી કોમી એકતાનો સંદેશો આપ્યો હતો. વિસનગરમાં મહોરમના તાજીયાનુ સ્વાગત કરવા હિન્દુ સમાજના કોઈ આગેવાન હાજર રહેતા ન હોવાથી હિન્દુ આગેવાનો દ્વારા તાજીયાનુ સ્વાગત કરાય તે માટે મુસ્લીમ સમાજના એક આગેવાને લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે કોપરસીટી મર્ચન્ટ એસો.ના બે હોદ્દેદારોએ આમંત્રણ મળશે તો તાજીયાનુ સ્વાગત કરવા તત્પરતા દર્શાવી હતી.
વિસનગરમાં પરંપરાગત રીતે નીકળતી રથયાત્રાનુ મુસ્લીમ સમાજ દ્વારા ગુલઝાર પાન હાઉસ તથા લાલ દરવાજા વિસ્તારમાં સ્વાગત કરવામાં આવે છે. મુસ્લીમ સમાજ દ્વારા ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી શોભાયાત્રા નીકળતા આ યાત્રાનુ પણ સ્વાગત કરવામાં આવે છે.
વિસનગરમાં મુસ્લીમ સમાજ દ્વારા પણ વર્ષ પરંપરાગત મહોરમ નિમિત્તે તાજીયા જૂલુસ કાઢવામાં આવે છે. નવાવાસ તથા કડા દરવાજા કસ્બામાંથી નીકળતા તાજીયા જ્યારે મંડી બજાર આગળથી પસાર થાય ત્યારે વિસનગર પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર તથા સભ્યો અને વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ તથા હોદ્દેદારો દ્વારા ફૂલહાર સાથે તાજીયાનુ સ્વાગત કરવામાં આવતુ હતુ. પરંતુ છેલ્લા બે વર્ષથી ભાઈચારાનો સંદેશો આપતી આ પરંપરા બંધ કરવામાં આવી છે. જે મુદ્દો શાંતિ સમિતિની મીટીંગમાં ચર્ચાયો હતો.
રામનવમીની રથયાત્રા નિમિત્તે તા.૩-૪-૨૦૨૫ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે હરિહર સેવા મંડળમાં પી.આઈ. એ.એન.ગઢવીના અધ્યક્ષસ્થાને તેમજ ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટીંગ મળી હતી. જેમાં હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનોએ હાજરી આપી કોમી એખલાસ સાથે શ્રી રામજીનો જન્મદિન ઉજવવા જણાવ્યુ હતુ. આ મીટીંગમાં અષાઢી બીજની રથયાત્રા તથા રામનવમીની શોભાયાત્રાનુ લાલ દરવાજા વિસ્તારમાં સ્વાગત કરી ઠંડા પાણીની સેવા આપતા મુસ્લીમ સમાજના આગેવાન મુસ્તાકભાઈ સીંધીએ મુસ્લીમ સમાજ જેમ રથયાત્રા તથા રામનવમીની શોભાયાત્રાનુ સ્વાગત કરે છે તેમ હિન્દુ સમાજના આગેવાનો પણ મહોરમના તાજીયાનુ સ્વાગત કરે તેવી લાગણી દર્શાવી હતી. મીટીંગમાં ઉપસ્થિત હિન્દુ સમાજના આગેવાનોએ મુસ્તાકભાઈ સીંધીની લાગણીને વધાવી હતી. મીટીંગમાં ઉપસ્થિત કોપરસીટી મર્ચન્ટ એસો.ના હોદ્દેદાર પ્રવિણભાઈ ચૌધરી આવકાર સીમેન્ટ તથા ભરતભાઈ પટેલ એ.બી. ફાયનાન્સ વાળાએ જણાવ્યુ હતું કે મહોરમ ક્યારે હોય છે તેની કોઈ જાણ હોતી નથી. મુસ્લીમ સમાજનુ આમંત્રણ મળશે તો કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન તાજીયાનુ સ્વાગત કરશે.