પ્રદેશ ભાજપની મોટા સમાજ અને ઈતર સમાજને હોદ્દો આપવાની સૂચનાનો છેદ ઉડી ગયો વિસનગર તાલુકા ભાજપ પ્રમુખની પસંદગીમાં કાર્યકરોનો ભારે કચવાટ
વિસનગર તાલુકા ભાજપ પ્રમુખની જાહેરાત કરાયા બાદ અત્યારે કાર્યકરોમાં ભારે કચવાટ અનુભવાઈ રહ્યો છે. તાલુકામાં ઘણા જાણીતા ચહેરા હોવા છતા સારો નહી પણ મારાની નીતિને લઈને ભાજપના નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. પાટીદાર આંદોલન વખતે નાના સમાજોના સહકારથી ઋષિભાઈ પટેલ ચુંટણીમાં જીત્યા અને કટોકટીમાં જીત મેળવી હોવાના કારણે મંત્રી બન્યા. ત્યારે મહત્વના હોદ્દામા નાના સમાજની અવગણનાથી પણ ભારે નારાજગી ફેલાઈ છે. કોઈપણ નેતા જ્યારે સત્તાના મદમા આવી જાય છે ત્યારે ખોટા નિર્ણયોના કારણે એન્ટી ઈન્કમ્બન્સી ઉભી થતી હોય છે. જેમાં ભલભલા નેતા ઘર ભેગા થઈ જાય છે. મંત્રી ઋષિભાઈ પટેલ સર્વ સમાજને સાથે લઈ ચાલવાની નીતિ ધરાવે છે તો કયા કારણથી અને કંઈ મજબુરીમાં જેને તાલુકામાં કોઈ ઓળખતુ નથી તેને પ્રમુખની જવાબદારી આપી તેવા પ્રશ્નો કાર્યકરોમાં થઈ રહ્યા છે.
હોદ્દાની આશાએ પ્રાથમિક સદસ્ય બનાવવાની કાર્યકરોની મહેનત માથે પડી
પાટીદાર આંદોલનમાં નાના સમાજે આપેલ સહકારને મંત્રી ઋષિભાઈ પટેલ ભુલી ગયા
ચુંટણી સમયે યાદ આવતા ભાજપના આગેવાનોની હોદ્દાની વહેચણીમાં અવગણના
વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ માટે કિન્નલ પટેલ ગણેશપુરા, જતિન પટેલ કંસારાકુઈ, ગણેશ પટેલ સુંશી, ગીરીશભાઈ ચૌધરી લક્ષ્મીપુરા(ભાન્ડુ), મિતેશ પટેલ ભાન્ડુ, નરેન્દ્ર ઠાકોર કમાણા, મેહુલ પટેલ ઉદલપુર, વિજય પટેલ કાંસા વિગેરે કાર્યકરો દ્વારા ફોર્મ ભરીને દાવેદારી કરવામાં આવી હતી. ફોર્મ ભરનાર આ દાવેદારોમાં એવા ઘણા કાર્યકરો છેકે જેમને સંગઠન અને ચુંટણીમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. મંડલ પ્રમુખની પસંદગી પ્રક્રિયા ચાલતી હતી તે સમયેજ દરેક તાલુકામાં એક મોટા સમાજના અને એક નાના સમાજના કાર્યકરને પ્રમુખનો હોદ્દો માટે પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપની સૂચના મળતા તાલુકા પ્રમુખ માટે રાજપૂત સમાજના એક કાર્યકરનુ રાતોરાત ફોર્મ ભરાયુ હતુ. પરંતુ ગમે તે કારણોસર જિલ્લામાં અન્ય તાલુકાની સાથે વિસનગર તાલુકા પ્રમુખની જાહેરાત થઈ શકી નહોતી.
વિસનગર તાલુકા પ્રમુખનુ કોકડુ ગુંચવાતા પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ થતી રહેતી હતી. તાલુકા પ્રમુખ સતીષભાઈ પટેલ સંગઠનના અનુભવી હોવાથી, ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ હોવાથી તેમજ પૂરતો સમય આપતા હોવાથી હોદ્દા ઉપર ચાલુ રહેશે તેવી ધારણા હતી. ત્યારે જિલ્લા ભાજપ દ્વારા બાકીના મંડલની જાહેર કરવામાં આવેલ યાદીમાં વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ પદે મેહુલભાઈ નવીનભાઈ પટેલનુ નામ જાહેર થતાની સાથેજ કોથળામાંથી બીલાડુ નીકળ્યા જેવો અહેસાસ કાર્યકરોએ કર્યો હતો. મેહુલભાઈ પટેલ ઉદલપુરના વતની છે અને મોટાભાગે ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. જે બાવીસી કડવા પાટીદાર સમાજના છે. તાલુકા ભાજપ પ્રમુખનુ નામ જાહેર થતાજ આ કોણ છે, આપણે તો ઓળખતા નથી તેવા પ્રશ્નો સાથે ચર્ચાઓ થઈ હતી. ભાજપના કાર્યકરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે, મેહુલભાઈ પટેલ વિધાનસભા, લોકસભા, ગ્રામ પંચાયત કે કોઈ સંસ્થાની ચુંટણીમાં જોવા મળ્યા નથી. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો પુરી રીતે ઓળખતા નથી. સંગઠનનો કોઈ અનુભવ નથી. તાલુકાની રાજકીય પરિસ્થિતિથી અજાણ છે. ત્યારે ટુંક સમયમાં આવનાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં માર્ગદર્શન શુ આપશે. એક કાર્યકરે જણાવ્યુ હતું કે, તાલુકા ભાજપ પ્રમુખનુ ફોર્મ ભરનાર કાર્યકરોમાંથી એવા ઘણા હતા કે જેમને લોકો ઓળખતા હતા. કોઈ પરિચિત ચહેરો હોય તો સર્વમાન્ય રહે પરંતુ મેહુલભાઈ પટેલને કોઈએ ક્યારેય જોયા નથી. પ્રદેશ ભાજપમાંથી મેન્ડેટ આવે તે સ્વિકારવુ પડે. પરંતુ ઋષિભાઈ પટેલ ચાર ટર્મથી ચુંટણી લડતા હોવાથી કયો કાર્યકર કેટલો અનુભવી અને લોકોમાં કેટલા ચાલે તેમા ગાફેલ કેમ રહ્યા તે પણ એક પ્રશ્ન છે. ચુંટણી સમયે જેમને યાદ કરવામાં આવે છે તેવા તાલુકાના આગેવાનોની પણ અવગણના કરવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
દરેક વિધાનસભાની સીટમાં એક મોટા સમાજના અને એક નાના ઈતર સમાજના કાર્યકરની પ્રમુખ માટે પસંદગી કરવાની પ્રદેશ ભાજપની સૂચનાથી શહેરમાં ખુશાલભાઈ પટેલની જાહેરાત બાદ તાલુકામા ઈતર સમાજને પ્રમુખ પદનો લાભ મળશે તેવી ધારણા હતી. પરંતુ મંત્રી ઋષિભાઈ પટેલ પાટીદાર આંદોલનમાં જે નાના સમાજના સહકારથી જીત મેળવી અને મંત્રી બન્યા તે સમાજોને ભુલી ગયા છે. વિસનગર પાલિકાની બીજી ટર્મમાં ઉત્તમભાઈ પટેલને પ્રમુખ બનાવ્યા. જ્યારે પ્રદેશ ભાજપની સૂચના હતી અને મોકો હતો છતા તાલુકામા ઈતર સમાજને અવગણી મેહુલભાઈ પટેલને પ્રમુખ બનાવ્યા. પ્રમુખની દાવેદારીના ફોર્મ ભરવામાં ચૌધરી સમાજ, ઠાકોર સમાજ અને રાજપૂત સમાજના પણ હતા. તેમ છતા મંત્રી ઋષિભાઈ પટેલના મનમા નાના સમાજો પ્રત્યે કેટલુ હિત છે તે તાલુકા ભાજપ પ્રમુખની પસંદગી ઉપરથી જોવા મળે છે. ઋષિભાઈ પટેલનો વિરોધ અનામત આંદોલન સમયે પાટીદાર સમાજે પણ કર્યો હતો. તેવી રીતે દૂધ સાગર ડેરીના રાજકારણમાં ચૌધરી સમાજે પણ વિરોધ કર્યો, પરંતુ મંત્રી ઋષિભાઈ જે રીતે પાટીદાર સમાજ જોડે નિકટતા કેળવી શક્યા છે તે રીતે ચૌધરી સમાજ જોડે નિકટતા કેળવી શક્યા નથી તે પણ તાલુકા પ્રમુખની પસંદગી ઉપરથી કહી શકાય.