Select Page

રાજ્યમાં ભૂગર્ભ જળની ખરાબ સ્થિતિમાં મહેસાણા સરકારી ગ્રાન્ટમાંથી થોડી રકમ જળ સંચયના કામમાં ફાળવવી જોઈએ

રાજ્યમાં ભૂગર્ભ જળની ખરાબ સ્થિતિમાં મહેસાણા સરકારી ગ્રાન્ટમાંથી થોડી રકમ જળ સંચયના કામમાં ફાળવવી જોઈએ

તંત્રી સ્થાનેથી…
ગુજરાત સરકાર વિવિધ વિકાસ કામ માટે કોર્પોરેશન, પાલિકા તથા ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. જેમાંથી ચુંટાયેલા સદસ્યો પોતાનુ મહત્વ બતાવવા ન કરવા જેવા ખર્ચા વિકાસ કામ પાછળ કરે છે. પરંતુ સમય હવે વિકાસ કામની સાથે ભૂગર્ભ જળ સંચયના કામ તરફ વિચાર કરવાનો આવી ગયો છે. આપણે આવકમાંથી બચત એટલા માટે કરીએ છીએ કે આગળની પેઢી શાંતિથી જીવન ગુજારી શકે. ત્યારે પાણીનો બગાડ ઓછો થાય અને ભૂગર્ભ જળ સંચય થાય તેનો પણ આવનારી પેઢી માટે પ્રયત્નો કરવાના છે. કેન્દ્ર સરકારે ભૂગર્ભ જળની સ્થિતિ અંગેનો તાજેતરમાંજ એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો. જે રિપોર્ટ ચોકાવનારો છેકે રાજ્યના ૨૨૭ તાલુકામા વરસાદી પાણી રિચાર્જ થતુ નથી. ૯ તાલુકામા ભૂગર્ભ જળની સ્થિતિ બગડતી જાય છે અને રાજ્યના ભૂગર્ભ જળની સૌથી ખરાબ સ્થિતિમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લા સાથે મહેસાણા જિલ્લો આવે છે. પાણીને કુદરતે આપેલી કિંમતી ભેટ માનીને તેનો ઉપયોગ કરવામાં નહી આવે તો આવનારી પેઢીને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ આવશે. દર વર્ષે ચોમાસુ શરૂ થાય ત્યારેજ ભૂગર્ભ રિચાર્જ માટે લોકો પ્રયત્ન કરે છે. આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધારે સારો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે અત્યારથીજ ભૂગર્ભ જળ સંચય માટેના પ્રયત્નો કરવામાં આવે તે જરૂરી છે. કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા સહિત બેચરાજી, કડી, ખેરાલુ, સતલાસણા, ઉંઝા, વડનગર, વિજાપુર અને વિસનગર તાલુકો ફ્લોરાઈડવાળુ ભૂગર્ભ જળ સ્તર ધરાવતા વિસ્તાર છે. આ વિસ્તારમાં વરસાદી પાણીનુ સંચય થાય તોજ ફ્લોરાઈડની માત્રામા ઘટાડો થાય. સરકાર તો વિવિધ અભિયાન થકી જય સંગ્રહ અને સંચય માટે પ્રયત્ન કરે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ ફળવાયેલ ગ્રાન્ટમાંથી તમામ રકમ વિકાસ કામ માટે નહી ખર્ચી તેમાંથી થોડી ઘણી રકમ વરસાદી પાણીના સંચયમાં વપરાય તે માટે સરકારે સૂચન કરવુ જોઈએ. ગત ઉનાળામાં સૌરાષ્ટ્રના વિસાવદર શહેરને પાણી પૂરુ પાડતા કુવામા પાણી ખલાસ થઈ જતા પાણીની અછત સર્જાઈ હતી. ત્યારે સતાધારની જગ્યામાં આવેલ કુવામા મોટરો મુકી વિસાવદર શહેરને પાણી પુરૂ પાડવામાં આવ્યુ. આવીજ રીતે વિસનગરમાં લાલ દરવાજા વોટર વર્કસમાં આવેલ વોરા કુવાએ વર્ષો સુધી શહેરને પીવાનુ પાણી પુરૂ પાડ્યુ છે. અત્યારે પણ રોજના બે થી અઢી લાખ લીટર પાણી આપી શકે તેટલી ક્ષમતા છે. વર્ષો પહેલા વિસનગર શહેર કુવાના પાણી ઉપરજ નભતુ હતુ. શહેરમાં સવાલા દરવાજા, મંડી બજાર જુની નાગરિક બેન્ક સામે, ફતેહ દરવાજા, પટણી દરવાજા, કડા રોડ ઉપરની વાવ વિગેરે કુવા જીવંત હતા. શહેરમાં ટ્યુબવેલ કલ્ચર શરૂ થતા ત્યારબાદ ધરોઈ જુથ યોજનાનો પાણી પુરવઠો શરૂ થતા કુવાની જરૂરીયાત નહી પડતા સમયાંત્તરે કુવા પૂરાઈ ગયા છે. આ પુરાયેલા કુવા ખોલીને તેને સાફ કરી વરસાદી પાણી ઉતારવામાં આવે તો પણ મોટા પ્રમાણમાં જળ સંચય થાય તેમ છે. શહેરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં રૂા.૬ થી ૭ લાખના ખર્ચે એક એવા બે રિચાર્જ ટ્યુબવેલ બનાવવામાં આવ્યા છે. પાલડી રોડ ઉપરના સમર્થ ડાયમંડના કમ્પાઉન્ડમાં પણ રિચાર્જ ટ્યુબવેલ છે. જેમાં દર ચોમાસામાં લાખ્ખો લીટર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે છે. પાલિકા તંત્ર રિચાર્જ ટ્યુબવેલ ન બનાવે પરંતુ પુરાયેલા કુવા ખોલીને તેમાં વરસાદી પાણી ઉતારવાની વ્યવસ્થા કરે તો પણ ભૂગર્ભ જળ સંચય થાય તેમ છે. શહેરમાં આવેલી મોટી સોસાયટીઓ તથા ટાઉનશીપમાં પણ રિચાર્જ ટ્યુબવેલ બનાવી જળ સંચય અભિયાનમાં સહભાગી બની શકાય. હવે તો આર્થિક સક્ષમ લોકો પણ નવુ મકાન બનાવતી વખતે મઘા નક્ષત્રનુ પાણી ભરવા અલગ ટાકાની વ્યવસ્થા કરી રસોઈ તથા પીવા માટે આ પાણીનો વપરાશ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુરંદેશી રાખી આ વર્ષના ચોમાસા પહેલા ‘કેચ ધ રેઈન’ આહવાન કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સુજલામ સુફલામ જળ અભિયાન ૨.૦” નો પ્રારંભ કર્યો છે. ૪ એપ્રિલથી ૩૧ મી મે -૨૦૨૫ સુધીના આ અભિયાનમાં જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગો દ્વારા જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળ સંચયના કામ કરવામાં આવશે. જેમાં તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમ, જળાશયો, નદીનુ ડીસીલ્ટીંગ, નુકશાન પામેલ ચેકડેમોનુ રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત-જાળવણી- સફાઈ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, પ્રવાહને અવરોધતા ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરાની સફાઈ વિગેરે કામ કરવામાં આવશે. આવનાર પેઢીને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વરસાદી પાણીના ભૂગર્ભ રિચાર્જ માટે સહિયારા પ્રયત્નો હાથ ધરવા પડશે.