પહેલગામ હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે આતંકવાદી કૃત્યને વખોડતુ વિસનગર વકફ કમિટિએ મામલતદારને આવેદન આપ્યુ
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ હિન્દુઓને નિર્મમ હત્યાના આ બનાવ સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. દેશમાં મુસ્લીમ સમાજે પણ બંધ પાળી, રેલી કાઢી, શ્રધ્ધાંજલિ આપી આ જધન્ય કૃત્યને વખોડ્યુ છે. ત્યારે વિસનગર વકફ કમિટિ અને સુન્ની વ્હોરા પટણી જમાતે આતંકવાદી કૃત્યને વખોડતુ મામલતદારને આવેદન આપી મૃતક પર્યટકોને શ્રધ્ધાંજલિ આપી હતી.
આતંકવાદીઓને શ્રીનગર લાલ ચોકમાં જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી
કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમા જેમનો કોઈ ધર્મ નથી તેવા આતંકવાદીઓના અંધાધુંધ ગોળીબારમાં ૨૬ પર્યટકોએ જાન ગુમાવતા મુસ્લીમ સમાજ સહિત સમગ્ર દેશની જનતામા ભારે રોષ ફેલાયો છે. આતંકવાદી હુમલાના વિરોધમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટી તથા સુન્ની વ્હોરા પટણી જમાત દ્વારા વિસનગર મામલતદાર એફ.ડી.ચૌધરીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદન પત્રમાં રોષ હતો કે, આતંકવાદી કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ જધન્ય કૃત્ય બદલ સમગ્ર મુસ્લીમ સમાજ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. મૃતક પરિવારજનોના દુઃખમાં સહભાગી બની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. પરમકૃપાળુ પરમાત્મા મૃત્યુ પામેલ પર્યટકોના આત્માને ચીર શાંતી આપે અને કુટુંબીજનો ઉપર આવી પડેલ આફત સહન કરવાની શક્તિ આપે તેવી દુઆ કરવામાં આવી હતી. આવેદન પત્ર આપતા સમયે મુસ્લીમ સમાજના આગેવાનોએ એ પણ રોષ વ્યક્ત કર્યો હતો કે આતંકવાદીઓને શ્રીનગર લાલ ચોકમાં જાહેરમાં ફાંસી આપવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવુ કૃત્ય કરવાનો કોઈ વિચાર કરે નહી. વકફ કમિટિના પ્રમુખ મ.સફીભાઈ બીલાડીવાલા, સેક્રેટરી ઈલીયાસભાઈ ચામડીયા, કારોબારી સભ્ય અલ્તાફભાઈ કાપડીયા, સફીકભાઈ શેઠ, યુનુસભાઈ જીલાણી, અ.કયુમભાઈ બીલાડીવાલા, બસીરભાઈ મનસુરી વિગેરે મુસ્લીમ સમાજના આગેવાનો દ્વરા આવેદન આપવામાં આવ્યુ હતુ.