Select Page

પાકિસ્તાનની મેલી મુરાદને હિન્દુઓ સહિત મુસ્લીમ સમાજની જોરદાર લપડાક

પાકિસ્તાનની મેલી મુરાદને હિન્દુઓ સહિત મુસ્લીમ સમાજની જોરદાર લપડાક

પહેલગામમા ૨૮ પુણ્યશાળી પર્યટકોના બલીદાનથી દેશમા ક્યારેય ન જોઈ હોય તેવી એકતા

તંત્રી સ્થાનેથી…

સાડા ત્રણ દાયકા પહેલા કશ્મીરી પંડીતોનો નરસંહાર કરી કાશ્મીર છોડવા મજબૂર કરાયા. ત્યારબાદ કાશ્મીરમાં માર્ચ ૧૯૯૭માં બડગામમાં ૮ નાગરિકોની હત્યા, જાન્યુઆરી ૧૯૯૮માં શ્રીનગરમાં ૨૩ પંડીતની હત્યા, એપ્રિલ ૧૯૯૮માં ઉધમપુરમાં ૧૯ હિન્દુઓની હત્યા, જૂન ૧૯૯૮માં ડોડામાં ૨૬ હિન્દુઓની હત્યા, માર્ચ ૨૦૦૦માં ચીત્તીસીંગપુરામા ૩૫ શીખની હત્યા, ઓગષ્ટ ૨૦૦૦માં ૩૫ અમરનાથ યાત્રીકો સહિત ૧૦૫ની હત્યા, ફેબ્રુઆરી ૨૦૦૧માં રાજૌરીમા ૧૫ બકરવાલની હત્યા, મે ૨૦૦૨માં હિમાચલની બસ ઉપર હુમલો કરી ૨૩ની હત્યા, જુલાઈ ૨૦૦૨માં પહેલગામમા ૧૧ હિન્દુની હત્યા, માર્ચ ૨૦૦૩માં ૨૪ કાશ્મીરી પંડીતોની હત્યા, જુલાઈ ૨૦૧૭માં ૮ અમરનાથ યાત્રીની હત્યા, ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામા એટેકમા ૪૦ જવાન શહીદ, જાન્યુઆરી ૨૦૨૩માં રાજૌરીમાં ૭ નાગરિકની હત્યા, જૂન ૨૦૨૪માં શીવખોરી પાસે ૯ યાત્રીકની હત્યા. આ સીવાય કાશ્મીરમાં સરકારી નોકરી કરતા, મજુરી કરતા, રોજગારી મેળવતા અનેક હિન્દુઓની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી છે. પરંતુ ભારત દેશમા ક્યારેય મુસ્લીમ સમાજ દ્વારા આતંકવાદી કૃત્યને વખોડતો વિરોધ કરવામા આવ્યો નથી. આઝાદી મળતા દેશના ભાગલા થયા બાદ પાકિસ્તાન ગયેલા ભારતીય મુસ્લીમોને મુહાજીર ગણી ક્યારેય તેમન સન્માન આપવામાં આવ્યુ નથી. જ્યારે ભારતમાં રહેતા મુસ્લીમો જાણે પોતાના ટેકેદાર હોય તેવી પાકિસ્તાનની એક માનસિકતા રહી છે. કાશ્મીર તો જાણે પોતાનોજ એક પ્રદેશ હોય અને ત્યા રહેતા મુસ્લીમો કહ્યુ કરશે તેવી માનસિકતામાજ પાકિસ્તાન રહ્યુ છે. હા એવો એક સમય હતો કે જ્યારે કોઈ આતંકવાદી નેતાને ભારતીય આર્મી ગોળી મારી મોતને ઘાટ ઉતારતી ત્યારે કાશ્મીરમાં પથ્થરમારાના બનાવ બનતા. આતંકવાદી નેતાને શહીદ ગણીને તેની તરફેણમા દેખાવો થતા અને રેલીઓ નીકળતી હતી. આઝાદી બાદ પાકિસ્તાન અને દેશની તૃષ્ટીકરણમા માનતી નેતાગીરીએ હંમેશા હિન્દુ મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય રહે અને કોમી દાવાનળ પ્રજવલ્લીત રહે તેવા પ્રયત્નો કર્યા છે અને તેમાં સફળ પણ રહ્યા છે. પરંતુ કાશ્મીરના બૈસરન ઘાટીમા પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ હુમલો કરીને નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ દેશમા જે માહોલ જોવા મળી રહ્યો છે તે ઉપરથી ચોક્કસ કહી શકાય કે ભારત દેશ અને દેશમા રહેતા નાગરિકો હવે બદલાઈ ગયા છે. દેશમાં કોમી એકતાને દાગ લગાવવાનો પ્રયત્ન કરતા અને કોમી વૈમનસ્ય ફેલાવનાર તત્વોને હવે કોઈ સ્થાન નથી. પહેલા ૨૫ કરોડ મુસ્લીમોને બાદ કરી ૧૨૦ કરોડની વાતો કરવામાં આવતી હતી તેની જગ્યાએ ૧૪૫ કરોડ દેશની જનતાની વાત કરવામાં આવી રહી છે. પહેલગામમા ૨૮ પુણ્યશાળી પર્યટકોના બલીદાનથી દેશમાં ક્યારેય ન જોઈ હોય તેવી એકતા અત્યારે જોવા મળી રહી છે. ત્રીપલ તલાક, ૩૭૦ ની કલમ નાબુદી, એન.આર.સી. કાયદો, મસ્જીદોમાં મંદિરના દાવા, વકફ એક્ટમાં સુધારા બીલ, સાથે યુ.સી.સી.ની ચર્ચા ચાલી રહી છે ત્યારે આવા માહોલ પહેલગામમાં આતંકવાદી હુમલો કરી ભારતમાં કોમી દાવાનળ ફેલાવાનો પાકિસ્તાનનો મનસુબો હતો. આ મેલી મુરાદ ધરાવતા પાકિસ્તાનને દેશના મુસ્લીમોએ કલ્પના પણ કરી ન હોય તેવી જોરદાર લપડાક મારી છે. પહેલા એવો પણ પાકિસ્તાન તરફી પ્રેમ હતો કે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચમા પાકિસ્તાનની ટીમ જીતે તો ભારતમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવતા હતા અને ફટાકડા ફોવામાં આવતા હતા. પહેલગામ હુમલા બાદ તેના વિરોધમાં રસ્તા ઉપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મુકવામાં આવતા તેને ચગદી પસાર થતા મુસ્લીમો પણ જોવા મળ્યા છે. આવા અનેક વીડીયો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. જ્યા અગાઉ આતંકવાદીઓની તરફેણ કરવામાં આવતી હતી તે કાશ્મીરમાં પહેલગામના હુમલાના વિરોધમાં દેખાવ થયા અને જડબેસલાખ બજારો બંધ રહ્યા. દેશના મોટાભાગના શહેરમાં અને વિસ્તારમાં મુસ્લીમ સમાજે આતંકવાદીઓ અને પાકિસ્તાનના વિરોધમાં આક્રોષ ઠાલવી કેન્ડલ માર્ચ કરી, આવેદન આપ્યા, લાલ ચોકમાં જાહેરમાં ફાંસીએ ચડાવવાની માગણી કરી અને હુમલામા ભોગ બનેલા નિર્દોષ હિન્દુ પર્યટકોને શ્રધ્ધાંજલિ આપી. ભારત દેશનો હિન્દુ સમાજ વર્ષોથી કાશ્મીરમાં આંતકવાદી કૃત્યના વિરોધમા દેખાવ કરતો આવ્યો છે. પરંતુ આ વખતે પહેલગામ હુમલા બાદ હિન્દુ-મુસ્લીમ કરાવવાનો ઈરાદો રાખનાર તત્વોને હિન્દુઓએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન ભારત કરતા અડધો કલાક નહી પરંતુ અડધી સદી પાછળ છે. પાકિસ્તાનના બજેટ કરતા તો ભારતનુ સંરક્ષણ બજેટ વધારે છે. પાકિસ્તાને ભારત સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ડંફાશ મારવાનુ બંધ કરે તેવુ ભાષણ કરતો મુસ્લીમ નેતા અસદુદ્દીન ઓવૈશીનો વીડીયો જોઈ દેશના લોકો તેની સરાહના કરી રહ્યા છે. બરેલીના મૌલાના શાહબુદ્દીન રીઝવીએ લશ્કર-એ-તોઈબા, અલ કાયદા, ઈસ્લામીક સ્ટેટ સહિતના તમામ જેહાદી સંગઠનો દુનિયામા ઈસ્લામની આબરૂ બગાડી રહ્યા છે અને ઈસ્લામને બદનામ કરી રહ્યા છે તેમ જણાવી પીઓકેમા તિરંગો ઝંડો ફરકશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સીવાય દેશના અનેક મૌલવીઓ તથા મુસ્લીમ આગેવાનોએ પહેલગામ હુમલાનો પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવા આક્રોષ વ્યક્ત કરી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી છે. પહેલગામ હુમલામાં હિન્દુઓ સાથે મુસ્લીમોએ પણ વિરોધમાં જોડાઈને આતંકવાદ સામેની લડાઈમાં દેશ એક હોવાનો દુનિયાને સંદેશો આપ્યો છે. સર્વપક્ષીય બેઠકમા કોંગ્રસે સરકારને સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ શાસીત કર્ણાટક રાજ્યના એક મંત્રીના બફાટ બાદ ભાજપની કેન્દ્રીય નેતાગીરી જે રીતે કોંગ્રેસનો વિરોધ કરી રહી છે જે બતાવે છેકે આવા વિકટ સંજોગોમાં એક રહેવાના માહોલમા પણ ભાજપ વિરોધ કરવાનુ ચુકતુ નથી અને હલકી માનસિકતા પ્રદર્શિત કરી રહ્યા છે. અત્યારે સમગ્ર દેશની જનતા ઈચ્છી રહી છેકે આતંકવાદીઓ અને પાકિસ્તાનને જોરદાર જવાબ મળવો જોઈએ.