Select Page

ખેરાલુ તાલુકામાં ૧૦.૭૫ કરોડના નોન પ્લાન રોડ મંજુર

ખેરાલુ તાલુકામાં ૧૦.૭૫ કરોડના નોન પ્લાન રોડ મંજુર

ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની વારંવાર રજુઆતોને પગલે

  • ધારાસભ્ય સતલાસણા અને વડનગરને અન્યાય કરે છે- કુલદિપસિંહ ચૌહાણ

ખેરાલુ તાલુકામાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોથી વર્ષોની માંગણી સંતોષાઈ રહી છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા માત્ર ખેરાલુ શહેર અને ખેરાલુ તાલુકાને પ્રાધાન્ય આપી સતલાસણા અને વડનગર તાલુકાના ૨૨ ગામોને અન્યાય થઈ રહ્યો છે. તેવો સતલાસણા જિલ્લા પંચાયત સદસ્ય કુલદિપસિંહ ચૌહાણે આક્ષેપ કર્યો છે. ખેરાલુ શહેર અને ખેરાલુ તાલુકાનુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી વધુ ધ્યાન રાખે છે. બાકીના બે તાલુકાને વારંવાર અન્યાય કરે છે તેવા આક્ષેપો વચ્ચે પણ ખેરાલુ તાલુકાના ચાર તથા વડગામ તાલુકાને જોડતા પાંચ નોન-પ્લાન રોડ માટે ૧૦.૭૫ કરોડ મંજુર કરાયા છે.
ખેરાલુ તાલુકામાં મંજુર થયેલા નોન પ્લાન જોઈએ તો (૧) ગોરીસણાથી ધુણિયા થઈ રહેમાનપુરાને જોડતો રોડ લંબાઈ ૨.૯ કી.મી. ત્રણ કરોડ રૂપિયા (૨) સંતોકપુરા (શાહપુરા) બળાદને જોડતો રોડ લંબાઈ બે કી.મી. ત્રણ કરોડ રૂપિયા (૩) નંદાલીથી મંદ્રોપુર ચાર રસ્તાને જોડતો રોડ લંબાઈ બે કી.મી. ૨.૧૦ કરોડ (૪) મંદ્રોપુરથી ફત્તેહપુરા સાકરી એપ્રોચને જોડતો રોડ બે કી.મી. ૧.૯૦ કરોડ તથા (૫) ખેરાલુ અને વડગામ તાલુકાને જોડતો રોડ ડભાડથી હરદેવાસણા બે જિલ્લાને જોડતો અધુરો રોડ .૮૦ કી.મી. ૭૫ લાખ રૂપિયા મંજુર કરાયો છે.
સતલાસણા જિલ્લા પંચાયત સદસ્ય કુલદિપસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તકના કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નિયમ પ્રમાણે નવા બનતા રોડની મંજુરી મળે છે. પરંતુ ખેરાલુ તાલુકાના પાંચ નોન પ્લાન સામે સતલાસણા તાલુકામાં માત્ર એક નોન પ્લાન મંજુર થયો છે. જેમાં ટેન્ડરીંગ ન થતા હવે દિવાળી પછી કામગીરી શરૂ કરાશે. સતલાસણા તાલુકામાં તાલેગઢ થી જિલ્લીની હદ સુધીનો ૫.૧૩ કી.મી.નો રોડ મંજુરીમાં મુકાયો છે. જેની તાંત્રીક અને વહીવટી મંજુરી પણ બાકી છે. સતલાસણા તાલુકામાં સુદાસણા-ઉમરી રોડનું વાઈડનીંગ મંજુર કયું છે. પરંતુ તાંત્રીક અને વહીવટી મંજુરી બાકી છે. કાચા રોડનું ડામર કામ માટે (૧) નવાવાસથી સરતાનપુર (૨) ઉમરેચા મોટીભાલુ મહાકાળી મંદિરને જોડતો રોડ (૩) ધરોઈ જી.ઈ.બી. થી જવાનપુરા ગામને જોડતો રોડ તથા (૪) તારણ માતા મંદિરથી તારંગા જૈન મંદિર રોડ કાચો છે. જેને ડામર કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. વડનગર તાલુકામાં ઉંઢાઈથી વલાસણા રોડ તથા ઉંડણી ગામથી સરકારી પડતર થઈ માઉન્ટેન વ્યુ એસ્ટેટ આગળ થઈ ગણેશપુરા ગામને જોડતો ડામર રોડ બનાવવામાં આવતો નથી. ખેરાલુ તાલુકાના ડભોડા થી અજાયપુરા પ્રા.શાળા થી રેલ્વે તરફનો હાઈવેને જોડતો કાચોરોડ ડામર કરવામાં આવતો નથી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને ખેરાલુ શહેર અને તાલુકા સિવાય કશામાં રસ નથી. સતલાસણા અને વડનગર તાલુકાના મતથી વિધાનસભા જીત્યા હતા. તે ધારાસભ્યે યાદ રાખવુ જોઈએ. વિધાનસભાની ચુંટણીમાં ખેરાલુ તાલુકામાં ધારાસભ્યને ઓછા મત મળ્યા જ્યારે જ્યાંથી લીડ મળી તે વડનગર અને સતલાસણા તાલુકાને ધારાસભ્ય અન્યાય કરી રહ્યા છે. તેવુ કુલદિપસિંહ ચૌહાણ જણાવે છે.