વિસનગરમાં ફ્યુઝ ચોર ગેંગ ત્રાટકતા અનેક વિસ્તારોમાં વિજળી ડુલ-લોકો શેકાયા
૧૫ ડીપીના ડીસ્ટ્રીબ્યુશન બોક્ષમાંથી ૩૪ ફ્યુઝની ચોરી
- શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ફ્યુઝ ચોરોને પકડવા કામે આવશે ખરા?
વિસનગરમાં અંડરગ્રાઉન્ડ કેબલીંગના કનેક્શન અપાતા હોવાથી વારાફરથી દરેક વિસ્તારમાં બે-ત્રણ કલાક લાઈટ કાપ રહે છે. પરંતુ શુક્રવારના દિવસે અડધો કલાકના અંતરમાં વિવિધ વિસ્તારમાંથી લાઈટો બંધ થઈ ગઈ હોવાની ફરિયાદના ટેલીફોન રણકતા શહેર પેટા વિભાગ ઓફીસના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. તપાસ કરતા ડીસ્ટ્રીબ્યુશન બોક્ષમાંથી ફ્યુઝના ટોપ ચોરાયાની જાણકારી મળી હતી. જે બનાવમાં શહેર પેટા વિભાગની ઓફીસના નાયબ ઈજનેર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. શહેરમાં ધોળે દિવસે અને એ પણ ભરચક વિસ્તારમાંથી ફ્યુઝ ટોપ ચોરાતા શહેર પોલીસ માટે શરમજનક બાબત છે. શહેરમાં લગાવેલ સીસીટીવી આધારે ફ્યુઝ ચોર ગેંગની તપાસ થશે ખરી?
વિસનગરમાં અન્ડરગ્રાઉન્ડ કેબલીંગ કનેક્શન તો ક્યાંક મેઈન્ટેનન્સના નામે વિજ પુરવઠો બંધ કરવામાં આવતા અત્યારે ૪૪-૪૫ ડીગ્રી તાપમાનમાં લોકો શેકાઈ રહ્યા છે. એવામાં શુક્રવારના દિવસે સવારે ૧૧-૦૦ કલાક પછી શહેરના ઘણા વિસ્તારમાં લાઈટો ડુલ થતા વિજ ગ્રાહકોએ વિજ ઓફીસને કોસવાનુ શરૂ કર્યુ હતુ. અડધાથી એક કલાકમાં લાઈટો ચાલુ નહી થતા શહેર પેટા વિભાગની ઓફીસમાં કમ્પલેઈનનો મારો થયો હતો. લાઈટ બંધ કરી હોય તો વિજ કચેરીને જાણ હોયજ છે. પરંતુ અચાનક કમ્પલેઈન વધતા વિજ કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. જે બાબતે તપાસ કરતા કડા રોડ ઉપરની નિલકંઠ, સતકૃપા, કરશનનગર, એમ.એન.કોલેજ રોડ ઉપરની હરિહર, ગોવિંદચકલા, સ્વસ્તિક, ઉમિયાનગર સોસાયટી, ધરોઈ કોલોની રોડ ઉપરની યમુનાનગર, અર્જુનનગર, વિઠ્ઠલપાર્ક, ધરોઈ કોલોની હાઈવે ઉપરની કૃષ્ણનગર, શનિદેવ મંદિર વિસ્તાર, પટણી દરવાજા, શુકન હોટલ સામે, સી.એન.કોલેજ વિસ્તાર વિગેરે વિસ્તારના ટ્રાન્સફોર્મર સેન્ટરના ડીસ્ટ્રીબ્યુશન બોક્ષમાંથી ૨૦૦ એમ્પીયરના કીટ કેટ ફ્યુઝના ૩૪ ટોપ ચોરાયા હતા. વિજ પુરવઠો બંધ થયાની ચોફેરથી ફરિયાદો ઉઠતા કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. ફ્યુઝના ટોપનો સ્ટોક નહી હોવાથી લીંક તૈયાર કરવામાં આવી. ત્યારબાદ વિજ કચેરીના કર્મચારીઓ દ્વારા વિજ પ્રવાહ શરૂ કરવામાં આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. શહેર પેટા વિભાગની ઓફીસના નાયબ ઈજનેર મનિષભાઈ પ્રજાપતિએ રૂા.૧૬૦૪૮/- ની કિંમતના ૩૪ ફ્યુઝ ટોપની ચોરીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
અડધો કલાકના અંતરમાં ૧૫ થી ૧૬ જેટલા ટ્રાન્સફોર્મર સેન્ટરના ડીસ્ટ્રીબ્યુશન બોક્ષમાંથી ફ્યુઝ ટોપની ચોરી થઈ છે. જે કોઈ એક વ્યક્તિનુ કામ નથી. ફ્યુઝ ચોર ગેંગનુ આ કારસ્તાન હોવાનુ અનુમાન છે. કેટલાક ટ્રાન્સફોર્મર તો ભરચક બજાર વિસ્તારમાં છે. ત્યારે સવારે ૧૧-૦૦ થી ૧૧-૩૦ કલાક વચ્ચે ફ્યુઝ ચોર ગેંગે ચોરી કરી પોલીસને પણ જાણે ચેલેન્જ કરી છે. શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે ફૂટેજ જોઈને પોલીસ ફ્યુઝ ચોરો સુધી પહોચી શકશે કે નહી તેવા નગરજનોમાં પ્રશ્નો થઈ રહ્યા છે.