Select Page

વોટર વર્કસની નવી અને રીપેરીંગ કરાયેલી મોટરોના બિલના ચુકવણા મુદ્દે બોકરવાડાના પૂર્વ તલાટીની વર્તમાન તલાટી વિરૂધ્ધ રજુઆત

વોટર વર્કસની નવી અને રીપેરીંગ કરાયેલી મોટરોના બિલના ચુકવણા મુદ્દે બોકરવાડાના પૂર્વ તલાટીની વર્તમાન તલાટી વિરૂધ્ધ રજુઆત

વિસનગર તાલુકાના બોકરવાડા ગામના પુર્વ તલાટીએ પોતાની ફરજ દરમિયાન ગામના વિકાસકામ માટે નવી નાખેલી તથા રીપેરીંગ કરાવેલી બોરની મોટરનુ બાકી બીલ હાલના તલાટી અને વહીવટદાર વેપારીઓને નહી ચુકવતા હોવાની નાયબ જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે. જેમાં પુર્વ તલાટી રાજુભાઈ શાહે ગ્રામ પંચાયતના વર્તમાન તલાટી અને વહીવટદાર બીલના ચુકવણામાં ખોટીરીતે માનસિક હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
વર્તમાન તલાટી અને વહીવટદાર વેપારીઓનું બાકી બિલ નહી ચુકવી ખોટીરીતે હેરાન કરતા હોવાનો પુર્વ તલાટીનો આક્ષેપ
મહેસાણા જીલ્લા જોટાણા તાલુકામાં લીવ રીઝર્વ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજુભાઈ વી.શાહ અગાઉ વિસનગર તાલુકાના કાંસા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન રાજુભાઈ શાહ પાસે બોકરવાડા ગ્રામ પંચાયતનો વધારાનો ચાર્જ હતો. રાજુભાઈ બોકરવાડા ચાર્જમાં હતા તે સમયે ગામના વોટર વર્કસની મોટર વારંવાર બગડતી હતી અને ગ્રામજનો પિવાના પાણી માટે મુશ્કેલી પડતી હતી. જુની મોટર વારંવાર રીપેરીંગ કરવા છતાં બગડી જતા નવી મોટર લાવવાની જરૂર પડી હતી. પુર્વ તલાટી રાજુભાઈ શાહના જણાવ્યા પ્રમાણે આ વોટર વર્કસમાં નવી મોટર લાવવા માટે ગામના માજી સરપંચ, ગામના આગેવાનો, તાલુકા ડેલીગેટ તથા વહીવટદાર બધાએ મિટીંગ કરી હતી. જેમાં સર્વાનુમત્તે નવી બોરની મોટર લાવવાનુ નક્કી થયુ હતુ. ત્યારે તલાટી રાજુભાઈએ ગ્રામજનોને પાણીની તકલીફ ન પડે તે માટે વિસનગરથી નવી મોટર ખરીદી વોટર વર્કસ (બોર) માં ઉતારી હતી. પરંતુ આ મોટર દશેક દિવસમાં બોરમાં પડી ગઈ હતી. ત્યારે તલાટીએ બોરમાંથી મોટર કાઢવા ઘણા પ્રયત્નો કર્યા હતા. પણ બોરમાંથી મોટર બહાર નિકળી ન હતી. ત્યારબાદ ગ્રામજનોની રજુઆતથી પુર્વ તલાટીએ સરકારશ્રીના નિયમોનુસાર કાર્યવાહી કરી ગામના કુવામાં મુકવા નવી મોટર લાવ્યા હતા. પુર્વ તલાટી રાજુભાઈ શાહે મહેસાણા જીલ્લા નાયબ વિકાસ અધિકારીને લેખિતમાં એવી ફરિયાદ કરી છે કે બોકરવાડામાં મારી ફરજ દરમિયાન વોટર વર્કસની રીપેરીંગ કરાવેલી તથા નવી લાવેલી બે મોટરોનો ખર્ચ તેમજ સ્ટ્રીટ લાઈટના બલ્બનું બિલ બાકી છે. છતાં ગામના હાલના તલાટી અને વહીવટદાર નવ મહિનાથી બિલનુ ચુકવણુ કરતા નથી. જેના કારણે બીલ માટે વેપારીઓ મારી પાસે વારંવાર ઉઘરાણી કરે છે. હાલના તલાટી અને વહીવટદારને વારંવાર વિનંતી કરવા છતાં તેઓ વેપારીઓના બિલનું ચુકવણુ કરતા નથી અને અમોને માનસિક હેરાન કરે છે. ત્યારે મહેસાણા જીલ્લા નાયબ વિકાસ અધિકારી, પુર્વ તલાટી રાજુભાઈ શાહની રજુઆતને ધ્યાને લઈ બિલના મુદ્દે તટસ્થ તપાસ કરે ત્યારે જ સાચી હકીકત બહાર આવશે.