Select Page

મજબૂત હાઈટ બેરીયર લાગશે તોજ ટ્રાફીક ઘટશે

મજબૂત હાઈટ બેરીયર લાગશે તોજ ટ્રાફીક ઘટશે

ટ્રકનુ કેબીન અડતાજ પાઈપના બેરીયર તુટી જાય છે

  • ગંજબજાર ફાટક આગળનુ હાઈટ બેરીયર મોટા વાહનની ટક્કરથી તુટી ગયુ

આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજના કારણે વિસનગરમાં પ્રવેશ કરતા અન્ય માર્ગો ઉપરથી મોટા વાહનોની અવરજવર બંધ થાય અને ફક્ત મહેસાણા ચાર રસ્તાથી એમ.એન. કોલેજ રોડ થઈ કાંસા ચાર રસ્તાના માર્ગે મોટા વાહનોની અવરજવર રહે તે માટે હાઈટ બેરીયર લગાવવામાં આવ્યા હતા. જેમાં મોટા વાહનોની ટક્કર વાગવાથી મોટાભાગના હાઈટ બેરીયર તુટી ગયા છે. રેલ્વે વિભાગની જેમ લોખંડના હેવી ગેજની એંગલો જેવા હાઈટ બેરીયર લગાવવામાં આવશે તોજ મોટા વાહનોની અવરજવરની સાથે ટ્રાફીક પણ ઘટશે. શહેરમાં ટ્રાફીકની સમસ્યાનો અંત આવતો નથી ત્યારે હેવી એંગલના હાઈટ બેરીયર લગાવાય તે જરૂરી છે.
આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજના કારણે હાઈવે બંધ કરવામાં આવતા કલેક્ટર દ્વારા શહેરમાં ભારે વાહન પ્રતિબંધનુ જાહેરનામુ અમલમાં મુકાયુ હતુ. રાત્રે ૧૦-૦૦ થી સવારે ૬-૦૦ કલાક દરમ્યાન મોટી ટ્રકોને અવરજવર માટે મંજુરી હોવા છતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો કોઈ અલમ થતો નથી અને દિવસે પણ શહેરમાંથી ટ્રકો પસાર થતી જોવા મળે છે. શહેરમાંથી મહેસાણા ચાર રસ્તા, સવાલા દરવાજા, એમ.એન.કોલેજ રોડ થઈને કાંસા ચાર રસ્તા તરફના રોડ ઉપર મોટા વાહનની અવરજવર રહે તે માટે શહેરમાં પ્રવેશ કરતા અન્ય માર્ગો દિપરા દરવાજા ઢાળ આગળ, કમાણા ચાર રસ્તા, કાંસા ગુરૂકુળ રોડ ઉપર રામાપીર મંદિર પાસે, સુંશી રોડ ઉપર, વિવેકાનંદ સોસાયટી આગળ તેમજ ગંજબજાર ફાટક આગળ લોખંડની પાઈપના હાઈટ બેરીયર લગાવવામાં આવ્યા હતા.
લોખંડની પાઈપના બનાવેલા હાઈટ બેરીયર એટલી હલકી ગુણવત્તાના છેકે રૂ ભરેલુ ટ્રેક્ટર અડી જાય તોય બેરીયર સ્ટ્રક્ચર હલી જાય છે. ટ્રક જેવા મોટા વાહનની કેબીનનો ભાગ તથા બોડીનો ભાગ અડી જતા આ હાઈટ બેરીયર અત્યાર સુધીમાં અનેક વખત તુટી ગયા છે. હાઈટ બેરીયરના કારણે મોટા વાહનોને રોકવા પોલીસ પોઈંટની પણ જરૂરીયાત ઓછી પડતી હતી. મહેસાણા ચાર રસ્તા અને કાંસા ચાર રસ્તા ઉપરના પોલીસ પોઈંટથી મોટા વાહનોને પ્રવેશતા રોકી શકાતા હતા. અત્યારે મોટા ભાગના હાઈવ બેરીયર તુટી ગયા હોવાથી સ્ટાફના અભાવે પોલીસ પોઈંટ મુકી શકાય તેમ ન હોઈ મોટા વાહનો કોઈ રોક ટોક વગર દિવસે શહેરમાંથી પ્રવેશ કરી રહ્યા છે. બ્રીજનુ કામ હજુ બે થી ત્રણ વર્ષ સુધી ચાલવાનુ છે. રેલ્વે વિભાગ દ્વારા ફાટકની આસપાસ લોખંડના એવી એંગલના જે હાઈટ બેરીયર લગાવવામાં આવ્યા છે તેવા હાઈટ બેરીયર અન્ય પ્રવેશ માર્ગો ઉપર લગાવવામાં આવશે તોજ મોટા વાહનોની અવરજવર બંધ થશે અને ટ્રાફીક ઓછો થશે. ગંજબજાર ફાટક આગળ લગાવેલ હાઈટ બેરીયર રાત્રે એક ટ્રકની ટક્કરથી તુટી ગયુ હતુ. હાઈટ બેરીયરની પાઈપો લબડી ગઈ હતી અને તુટીને પડી હતી.
બે અઠવાડીયા અગાઉ સોમવારે સવારે કમાણા રોડ તરફથી આવેલુ એક ટ્રેઈલર મહેસાણા રોડ તરફ ટર્ન ન લઈ શકતા હરિહર સેવા મંડળ આગળ ફસાયુ હતુ. જેના કારણે સવારે બે કલાક સુધી ટ્રાફીક જામ રહ્યો હતો. દિવસે મોટા વાહનોની અવરજવરના કારણે સવાલા દરવાજા તથા બસ સ્ટેન્ડના ગેટ પાસે ખુબજ ટ્રાફીક રહે છે. શહેરમાં પ્રવેશતા અન્ય માર્ગો ઉપર લોખંડના હેવી એંગલના હાઈટ બેરીયર લગાવવામાં નહી આવે તો ટ્રાફીકની પરેશાની રોજીંદી બની જવાની છે.