Select Page

રથનો જગન્નાથપુરીની રથયાત્રા જેવો ઓપ અપાશે

રથનો જગન્નાથપુરીની રથયાત્રા જેવો ઓપ અપાશે

વિસનગરમાં ૪૫મી રથયાત્રાની તૈયારી માટે મીટીંગ મળી

  • રથની ઉંચાઈ વધતા તકેદારી રૂપે બજારોમાં બાધવામા આવેલી લીલી નેટ ઉતારવા વેપારીઓને અપીલ

વિસનગરમાં હરિહર સેવા મંડળના માર્ગદર્શનમાં હરિહર સત્સંગ મંડળના ઉત્સાહી યુવાનોની મહેનતથી અષાઢી બીજે નીકળતી રથયાત્રા દર વર્ષ કરતા આકર્ષક બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે રથનો ઘુમ્મટ જગન્નાથપુરીની રથયાત્રા જેવો બનાવવામાં આવશે. રથની ઉંચાઈ વધતા ઓવરહેડ કેબલ નડતરરૂપ બને નહી તે માટે વાંસ ઉપર બનાવેલા સ્ટેન્ડ સાથે સ્વયમસેવકો તૈનાત રહેશે. બજારમાં ઉનાળામાં છાયડા માટે બાંધવામાં આવેલી લીલી નેટ નડતરરૂપ બને નહી તે માટે રથયાત્રાના માર્ગે નેટ ઉતારવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે.
વિસનગરની રથયાત્રામા જેમનુ વિશેષ યોગદાન રહેતુ હતુ તેવા ઉત્સાહી યુવાન હરિહર સ્વયમસેવક મંડળના ભરતભાઈ ભીલ ભગવાન જગન્નાથજીના ધામમા જતા તેમની આ વર્ષની રથયાત્રામા મોટી ખોટ પડશે. વિસનગરમાં વર્ષ પરંપરાગત અષાઢી બીજની ૪૫ મી રથયાત્રા તા.૨૭-૬-૨૦૨૫ ને શુક્રવારના રોજ નીકળશે. રથયાત્રાની તૈયારીઓ માટે તા.૨૬-૫-૨૦૨૫ ને સોમવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે હરિહર સેવા મંડળમાં મળી હતી. મીટીંગમાં દ્વારકેશભાઈ મણીયાર, ઈશ્વરલાલ નેતા, જે.કે.ચૌધરી, જયેશભાઈ પટેલ, અશોકભાઈ રામી, રાજેન્દ્રભાઈ ગાંધી લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસ, પટેલ મહેશભાઈ ઓમકાર, પટેલ હર્ષલભાઈ એમ.જે.મેડીકલ, જનકભાઈ પંચાલ, પટેલ સંજયભાઈ ઘડીયાલી વિગેરે કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
વિસનગરમાં હરિહર સેવા મંડળ દ્વારા રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. જ્યારે પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરમાં મોસાળા મહોત્સવ કમિટિ દ્વારા મોસાળુ તથા અન્નકુટ દર્શનનો પ્રસંગ કરવામાં આવે છે. આ વર્ષે મોસાળા મહોત્સવનુ સૌજન્ય શહેરના જાણીતા સોનાના દાગીનાના વેપારી વિષ્ણુભાઈ શીવકુમાર સોની પરિવાર તરફથી છે. જે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉમિયા માતાના મંદિરમાં મોસાળા મહોત્સવ પ્રસંગ સમયે લગભગ અડધા ભાગની રથયાત્રા આગળ ન નીકળી જાય તે માટેની મીટીંગમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઉમિયા માતાના મંદિર સામેના પટેલ મનુભાઈ હોન્ડાના ખાલી પ્લોટમાં મંડપ બાધી વિસામો તૈયાર કરવામાં આવે તેવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રથયાત્રાના આગળના ભાગના સાધનો નીકળી ન જાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. રથયાત્રામાં જોડાયેલા રથયાત્રી માટે સરબત, છાસ, કેન્ડી, મહાપ્રસાદ, ઠંડુ પાણી વિગેરેના કેમ્પ કરવામાં આવે છે. જેમાં ઘણી જગ્યાએ નજીકમાં કેમ્પ હોય છે અને ત્યારબાદ લાબા અંતર સુધી કેમ્પ હોતા નથી. ત્યારે રથયાત્રીકોને સાનુકુળ રહે તેવા અંતરે કેમ્પ કરવા કેમ્પના સંચાલકોને અપીલ કરવામાં આવી હતી.
હરિહર સેવા મંડળ દ્વારા રથયાત્રા દર વર્ષ કરતા વધારે આકર્ષક બને તેવા પ્રયત્નો કરવામાં આવે છે. રથયાત્રાનો ખર્ચ ઘણો થાય છે. ત્યારે શહેરના દાનવીર દાતાઓને દાન આપવા અપીલ કરવામાં આવી છે. આ વર્ષે જગન્નાથપુરીની રથયાત્રાના રથ ઉપર જે રીતે ચોરસ શંકુ આકારનો ઘુમ્મટ – શિખર હોય છે તે રીતે વિસનગરની રથયાત્રાના રથનો ઓપ આપવામાં આવશે. રથ ઉપર શંકુ આકારનો ઘુમ્મટ મુકીને રંગીન કપડાથી મઢવામાં આવશે. ઉપર શિખર મુકવાના કારણે આ વખતે રથની ઉંચાઈ વધશે. રથયાત્રા માર્ગે ઓવરહેડ કેબલ નડે નહી તે માટે વાંસના સ્ટેન્ડ સાથે સ્વયંસેવકો તૈનાત રહેશે. રથયાત્રાના માર્ગમાં આવતા બજારોમાં ઘણી જગ્યાએ લીલીનેટ બાંધવામાં આવી છે. રથની ઉંચાઈ વધતા લીલીનેટ નડતરરૂપ બને નહી તે માટે ઉતારી લેવા પણ વેપારીઓને અપીલ કરવામાં આવી છે.