Select Page

વિકાસની સાથે વિસ્તાર વધ્યો- ૨૭ ચો.કિ.મી.એરીયાવિસનગર પાલિકાની હદમાં વધારો- કાંસા NA પંચાયતનુ વિસર્જન

વિકાસની સાથે વિસ્તાર વધ્યો- ૨૭ ચો.કિ.મી.એરીયાવિસનગર પાલિકાની હદમાં વધારો- કાંસા NA પંચાયતનુ વિસર્જન

વિસનગર પાલિકાના હદ વધારાનુ જાહેરનામુ પડતાજ નવા ભવનનો શુભારંભ ફળ્યો તેમ કહી શકાય. પાલિકા હદમાં કાંસા એન.એ.પંચાયતનો સમાવેશ કરતા આ સાથે એન.એ.પંચાયતનુ પણ વિસર્જન થઈ ગયુ છે. એન.એ.માં પ્રભુત્વ ઘટતાજ કેટલાક આગેવાનો અંદરખાને હોબાળો કરવાની હિલચાલ કરતાજ ચીફ ઓફિસરે તાત્કાલિક એન.એ.પંચાયતનો ચાર્જ લઈને સ્ટાફ મીટીંગ કરી સમસ્યાઓનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી. વિસનગરના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસ્તારના વિકાસની સાથે વિસ્તાર પણ વધ્યો છે. વર્તમાન બોર્ડની મુદ્‌તમા ૬ માસ બાકી છે. ત્યારે હદ વધારો થતાની સાથે જ પ્રમુખ ઉત્તમભાઈ પટેલની જવાબદારીઓ વધી છે.

વિસનગર ઓજી વિસ્તારના ૩૨૦૩ અને કાંસા એન.એ.ના ૭૦૩ સાથે કુલ ૩૯૦૬ સર્વે નંબર પાલિકાની હદમાં વધ્યા
એન.એ.વિસ્તારમાં એરીયા બેઝ આકારણીનો અમલ એપ્રિલ ૨૦૨૬થી થશે
વિસનગર શહેરની વસ્તી અને વિસ્તાર પ્રમાણે પાલિકાને ‘અ’ વર્ગ મળવો મુશ્કેલ હતો. પરંતુ હદ વધારાની દરખાસ્ત કરવામાં આવી હોવાથી કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પ્રથમ ‘અ’ વર્ગ મળ્યો ત્યારબાદ અર્બંન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તા.૩૧-૫-૨૦૨૫ના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરી પાલિકાની હદ વધારવામાં આવી. હદ વધારામા શહેરની આસપાસ અડીને આવેલ ગામડાની સીમ સુધીના આઉટ ગ્રોથના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસનગર આઉટ ગ્રોથ એરીયાના ૩૨૦૩ સર્વે નંબર સાથે કાંસા એન.એ.ના ૭૦૩ સર્વે નંબરનો હદ વધારામા સમાવેશ કરવામાં આવતા એન.એ.પંચાયત પણ આ સાથે વિસર્જન થઈ ગયુ છે. હદ વધારાની સાથે વિસનગર પાલિકાના વિસ્તારમાં પણ અધધ વધારો થયો છે. પાલિકાની અત્યાર સુધી ૮ ચો.કિ.મી.વિસ્તાર હતો. હદ વધારવાનું જાહેરનામુ પડતાની સાથે પાલિકા ૨૭ ચો.કિ.મી. વિસ્તાર બની ગઈ છે. સાથે સાથે વસ્તીનો પણ વધારો થયો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે પાલિકાની ૬૩૦૭૩ની વસ્તીમા કાંસા એન.એ.વિસ્તારની ૧૩૬૮૦ની વસ્તી વધતા કુલ ૭૬૭૫૩ની જન સંખ્યા થઈ છે.
વિસનગર પાલિકાની હદ વધારવાની પ્રક્રિયા છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહી છે. વિકાસ મંચના ગત બોર્ડમાં હદ વધારવા માટેના નકશા તૈયાર કરવા એજન્સીને કામગીરી સોપવામાં આવી હતી. જેમાં એજન્સીને મોટા ભાગનુ પેમેન્ટ ચુકવાયુ હતુ. પરંતુ નક્શા તૈયાર થયા ન હોતા. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, ટી.પી.ચેરમેન મેહુલભાઈ પટેલ તથા પાલિકાના જૂનિયર નગર નિયોજક સ્વાતીબેન કૌશીકકુમાર મોદીની મહેનતથી પાલિકાની હદમા વધારો કરવામાં સફળતા મળી છે. પાલિકા કરતા કાંસા એન.એ.નું રાજકારણ અલગ પ્રકારનુ છે. હદ વધારાની સાથે એન.એ.વિસ્તારના કેટલાક આગેવાનોનુ પ્રભુત્વ ઘટતાની સાથે અંદરખાને હોબાળો કરવાની હિલચાલ થતા ચિફ ઓફિસરે તાત્કાલીક એન.એ.પંચાયતનો ચાર્જ લીધો હતો. એન.એ.વિસ્તારની સુવિધાઓ સામે સોશિયલ મિડીયામાં સવાલો ઉઠતા ચિફ ઓફિસરે પાલિકા એન.એ.પંચાયતના કર્મચારીઓ વચ્ચે સંકલન કરાવવા સ્ટાફ મિટીંગ કરી હતી અને બિજાજ દિવસથી ફરિયાદોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જુન મહિનો શરૂ થયો છતાં પાલિકા દ્વારા શહેરમાં મિલ્કતધારકોને વેરાના માંગણા બીલ આપવામાં આવ્યા નથી. ત્યારે પાલિકામા કાંસા એન.એ.નો સમાવેશ થતા વેરાબીલ આપવામા આવશે કે નહી તેવા પ્રશ્નમા ચિફ ઓફિસરે જણાવ્યુ હતુ કે એપ્રીલ-૨૦૨૬થી એન.એ.વિસ્તારમા એરીયા બેઝ આકારણી પ્રમાણે વેરાબીલ આપવામાં આવશે.
પાલિકાની હદમા સમાવેશ થતા એન.એ.વિસ્તારમાં કેટલાક વોર્ડ બનશે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. પાલિકાની છેલ્લી ચુંટણી ફેબ્રુઆરી ૨૦૨૧માં થઈ હતી. એટલે પાલિકાની મુદ્‌તમા હવે ૮ માસનો સમય બાકી છે. સાત હજારની વસ્તી પ્રમાણે વોર્ડ રચના કરી હાલમા ૯ વોર્ડ છે. હદ વધારો થતાની સાથે નવુ સિમાંકન થશે. જેમાં એન.એ.વિસ્તારની વસ્તી પ્રમાણે બે વોર્ડ બને તેવી શક્યતા જોવામાં આવી રહી છે. નવા સિમાંકન બાદ નવો વિકાસ નક્શો તૈયાર થશે. જેમા ડી.પી.અને ટી.પી. સ્કીમ પાડી તમામ સર્વે નંબરોને રોડ, ગટર, લાઈટ, પાણીની વ્યવસ્થા મળે તેવુ આયોજન થશે. વિસનગર શહેરની હદ બહાર વિકાસ પામેલ સોસાયટીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી રોડ, પાણી, ગટર અને લાઈટની વ્યવસ્થા માટેની પાલિકામાં રજુઆતો હતી. હદ વધારો થતાની સાથે જ હવે આ સોસાયટીઓમા સુવિધાઓ પુરી પાડવાની પાલિકાની જવાબદારી થઈ ગઈ છે.
વિસનગર પાલિકાના નવા સિમાંકન જાહેરનામા સંદર્ભે ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે. હદ વધારો થતા શહેરની સાથે કાંસા એન.એ. અને ઓજી એરીયાની કુલ વસ્તી ૧ લાખ ઉપર થઈ ગઈ છે. હદ વધારાને અનુલક્ષી પાલિકાનો નવો વિકાસ નક્શો તૈયાર કરવામાં આવશે. હદ વધારામા ખુલ્લી જમીનો પ્રાપ્ત થઈ છે. તેમા જુદા જુદા વિસ્તાર વાઈઝ ટી.પી. સ્કીમની રચના થશે. કાંસા એન.એ.વિસ્તારના લોકોને પાલિકાની ઓફીસથી દાખલા તથા પ્રમાણપત્રો માટે બે નોડલ અધિકારીની નિમણુક કરવામાં આવી છે. જે કાંસા એન.એ.ગ્રામ પંચાયતમાં બેસી પાલિકા સાથે સંકલન કરી કામગીરી કરશે.