Select Page

નકલી બિયારણથી ખેડૂતોથી મહેનત ઉપર પાણી ફરી વળે છે બિયારણ માફીયાઓથી ખેડૂતોને બચાવવા સરકાર કેમ વિચારતી નથી

નકલી બિયારણથી ખેડૂતોથી મહેનત ઉપર પાણી ફરી વળે છે બિયારણ માફીયાઓથી ખેડૂતોને બચાવવા સરકાર કેમ વિચારતી નથી

તંત્રી સ્થાનેથી…
ભારત કૃષિપ્રધાન દેશ છે અને ભારતીય કૃષિ ઈતિહાસ સિંધુ ખીણની સભ્યતા કે તેથી પણ વધુ પ્રાચીન વારસો ધરાવે છે. ભારતના પૌરાણિક સાહિત્યમાં પણ કૃષિ ક્ષેત્રનો સારો એવો ઉલ્લેખ છે. કેટલાક વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે ભારતીય દ્વિકલ્પમાં ખેતીનો ઈતિહાસ ઈ.સ.પૂર્વેનો છે. ભારતમા ૬ લાખથી વધુ ગામ ખેતી અને તેની સાથે સંકળાયેલા કાર્યો ઉપર નિર્ભર છે. ખેતી દેશના ૬પ ટકા લોકોને રોજગારી પુરી પાડે છે. ભારતની કુલ જીડીપીમા ખેતીનુ અંશદાન ૩૩ ટકા છે. દુનિયામા ચીન પછી ભારત બીજા નંબરે ખેતી પર આધારીત વસતી ધરાવતો દેશ છે. કપાસના ઉત્પાદનમા અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા ક્રમે આવે છે. કઠોળનુ સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. ભારત ચોખાના ઉત્પાદનમા વિશ્વમા બીજા સ્થાને આવે છે. જ્યારે ઘઉંના ઉત્પાદનમા ચોથા સ્થાને આવે છે. ફળ, શાકભાજી અને મસાલાના ઉત્પાદનમા પણ ભારત વિશ્વના અવ્વલ દેશોમા સ્થાન ધરાવે છે. દુનિયામા દાળની સૌથી વધુ ખેતી ભારતમા થાય છે. દુનિયામા ફક્ત ભારતમા જ ખેતીલાયક જમીન સૌથી વધારે છે. દેશનો અડધો ભાગ ખેતીમા રોકાયેલો છે. આમ ખેતી અને ખેડૂતોના કારણે ભારત દેશ સમૃધ્ધ બન્યો છે. ખેડૂતને આપણે ધરતી પુત્ર કહીએ છીએ બીજો પણ ઉમદા પ્રેરક શબ્દ જગતના તાત તરીકે ઓળખીએ છીએ. ખેડૂત ઈશ્વર તુલ્ય છે. કેમકે તેના પરિશ્રમથી તેનુ ખેતર હર્યુભર્યુ બને છે. પરિણામે ખેડૂતના ચુલા ઉપર રોટલો તો ઉતરે જ છે, પરંતુ તેના આશરે બેઠેલા દરેકના રસોડામાંથી રસોઈની સોડમ આવે છે. આવી સોડમ ખેડૂતની કૃપાથી જ આવે છે. એટલે આપણે ખેડૂતને વંદન કરીએ, આદરણીય ગણીએ. કૃષિપ્રધાન દેશની ખેતી અને ખેડૂતની અહી એટલા માટે ચર્ચા કરીએ છીએ કે માનવ જીવન નિર્વાહનમા જેમનુ આટલુ મહત્વ છે તેમને નકલી બિયારણથી કેટલુ નુકશાન થાય છે તેની કોઈ ચર્ચા કરવામા આવતી નથી. ચોમાસુ શરૂ થશે કે ખેડુતો ખેતીમાં જોતરાશે. દેશમાં ચોમાસુ ખેતી મોટા પ્રમાણમા થાય છે. ખેતી માટે વિવિધ પાકના બિયારણ ખરીદવા ખેડૂતોની દોડધામ વધશે. સારી ખેતી થાય અને ઉત્પાદન થાય તે માટે ખેડૂતો સારામા સારૂ બિયારણ ખરીદ કરવા પ્રેરાય છે. સારી ખેતી થશે તેવા વિશ્વાસથી બિયારણ વાવીને ખેડૂત મહેનત કરે છે. પરંતુ ઉપજ ન થાય ત્યારે ત્રણ ચાર મહિને નકલી બિયારણ પાછળ મહેનત કર્યાનો અનુભવ અને અફસોસ થાય છે. ભારત દેશમા અનેક ખેડૂતો હશે જે દર વર્ષે નકલી બિયારણનો ભોગ બનતા હશે. પરંતુ કૃષિપ્રધાન દેશમા જેમને આપણે ઈશ્વર તુલ્ય ગણી જગતનો તાત કહીએ છીએ તે ખેડૂત બિયારણ માફીયાઓથી ન છેતરાય તે માટે દેશ કે રાજ્યનો કૃષિવિભાગ કેમ કોઈ કાર્યવાહી કરતો નથી તે મોટો પ્રશ્ન છે. ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કૃષિમંત્રીને એવી રજૂઆત કરી હતી કે ખેડૂત રૂપિયા ખર્ચીને સર્ટીફાઈડ બિયારણ ખરીદે છે વેપારીઓ નકલી બિયારણને સારા બિયારણ તરીકે વેચી રહ્યા છે. બિયારણ નકલી નિકળે એટલે ખેડૂતની મહેનત એળે જાય છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતને આર્થિક રીતે વ્યાપક નુકશાન થાય છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ ખેતી વિષયક નકલી વસ્તુઓ બનાવતી કેટલીક ફેક્ટરીઓ ઉપર છાપા માર્યા હતા. જેમા લાખો ટન માલ પકડાયો હતો. આશ્વર્યની વાતતો એ છે કે આ ફેક્ટરીઓમા મારબલની સ્લરી અને માટી મેળવીને ડીએપી, એસએમ અને પોટાશ જેવા નકલી પદાર્થ બનાવવામા આવતા હતા. નકલી બિયારણ કે નકલી જંતુનાશક દવાઓના વપરાશના કારણે ખેતીનો પાક નિષ્ફળ જતા વેપારીને રજૂઆત કરવા છતા વળતર ન આપે તો છેવટે ખેડૂત ગ્રાહક સુરક્ષામા ફરીયાદ કરે છે. જેમા બિયારણ ખર્ચના વળતરનો ન્યાય મળે છે. પરંતુ ત્રણથી ચાર મહિના કરેલી મજૂરી, લાઈટ, પાણીનો ખર્ચ તથા ઉપજ પછીની જે આવક થતી હોય છે તેની વળતરમા કોઈ ગણતરી થતી નથી. ખેતીથી ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓમાંથી વાનગીઓ બનાવતી હોટલો અને ફાસ્ટફુડની દુકાનોમા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ કરી દંડ કરવામા આવે છે. ભેળસેળ વાળી ખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામા આવે છે. પરંતુ ખેડૂતની એક સીઝન ઉપર પાણી ફેરવનાર નકલી બિયારણ કે નકલી જંતુનાશક દવાઓ વેચનાર વેપારીઓને દુકાનો કે ફેક્ટરીઓમા કૃષિ વિભાગ દ્વારા નથી ચેકીંગ કરવામા આવતુ કે નથી કોઈ કાર્યવાહી કરવામા આવતી. સરકાર ઈચ્છે તો બીજ અધિનિયમ ૧૯૬૬ અંતર્ગતના કેટલાક કાયદાઓથી કડકાઈ દાખવી શકે છે. પરંતુ વેપારીઓ નકલી બિયારણ વેચતા પહેલા સો વાર વિચાર કરે તેવો ડર ઉભો કરવામા આવતો નથી. ધીમે ધીમે બિયારણ માફીયા વધી રહ્યા છે અને ખેડૂતોને નુકશાન જ નસીબમા હોય તેવી હાલત થાય છે.