Select Page

ગટર રીપેરીંગ નહી થતા જાનૈયા ગંદા પાણીમાથી પસાર થયાધુળીમાના પરા ઠાકોર સમાજનો પ્રમુખ સામે રોષ

ગટર રીપેરીંગ નહી થતા જાનૈયા ગંદા પાણીમાથી પસાર થયાધુળીમાના પરા ઠાકોર સમાજનો પ્રમુખ સામે રોષ

વિસનગરમા ગટરો ચોકઅપ થવાની અને ઉભરાવાની ફરિયાદો સામે પાલિકા તંત્ર નિષ્ક્રીયતા દાખવતા હવે સત્તાધારી પક્ષના સભ્યજ પ્રમુખ ધ્યાન આપતા નહી હોવાનો તથા સમસ્યાઓના નિકાલમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોવાનો રોષ ઠાલવ્યો છે. ઠાકોર સમાજના ધુળીમાના પરા આગળ ગટરનુ પાણી ભરાતા ચાર જેટલી જાનના જાનૈયાઓને ગંદા પાણીમાથી પસાર થવાની ફરજ પડી હતી. પ્રમુખના વોર્ડનાજ મહિલા સભ્યના પતિએ નાના સમાજો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની નારાજગી વ્યક્ત કરી છે.
વિસનગરમાં દેણપ રોડ ઉપર અત્યારે આર.સી.સી.રોડ બની રહ્યો છે. જે કામ ગોકળગાયની ગતિથી થતુ હોવાથી સિધ્ધપુર તરફ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક તરફ રોડનુ કામ તો બીજી તરફ ગટર ઉભરાવાથી પાણી ભરાતા ખાસ કરીને ધુળીમાના પરાના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ધુળીમાના પરાના લોકોને ફરજીયાત પાણીમાથી પસાર થવુ પડે છે. પરામાં લગ્ન પ્રસંગે ચાર જેટલી જાન આવવાની હોવાથી પાલિકા સભ્ય તારાબેન ઠાકોરના પતિ ઘેમરજી ઠાકોરે ગટર રીપેરીંગ કરવા માટે પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તથા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. અગાઉથી જાણ કરવા છતાં ગટર રીપેરીંગ નહી થતા જાનૈયાઓને ફરજીયાત ગટરના ગંદા પાણીમાથી પસાર થવા મજબુર થવુ પડ્યુ હતુ.
પાલિકાના સભ્યોની રજુઆતો ધ્યાને લેવાતી નથી. ત્યારે નગરજનોનુ કોણ સાંભળતુ હશે- ઘેમરજી ઠાકોર
રજુઆતો કરવા છતા ગટર લાઈન રીપેરીંગ નહી થતા ઘેમરજી ઠાકોરે રોષ ઠાલવ્યો હતો કે, અમે પ્રમુખના વોર્ડનાજ સાથી સભ્ય છીએ છતાં અમારી રજુઆતો પ્રત્યે ધ્યાન આપવામાં આવતુ નથી. રોડ ઉપર મોટા ખાડા છે અને તેમા પાણી ભરાતા વાહન ચાલકો પછડાય છે. ટુ વ્હીલરનુ આખુ વ્હીલ ડુબી જાય તેવા ખાડાથી નાના વાહન ચાલકો પડી જાય છે. આવી પરિસ્થિતિ રોજની છે. પ્રમુખ તેમના વોર્ડની સમસ્યા પ્રત્યે ધ્યાન આપી શક્તા નથી. ત્યારે શહેરના લોકોની સમસ્યા પ્રત્યે શું ધ્યાન આપતા હશે. ઘેમરજી ઠાકોરે એ પણ રોષ ઠાલવ્યો હતો કે મોટા સમાજના વિસ્તારની સમસ્યા હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. જ્યારે પ્રમુખ ઉત્તમભાઈ પટેલના શાસનમાં નાના સમાજોની સમસ્યાની કોઈ નોંધ લેવાતી નથી.