Select Page

સુખની પ્રથમ ફ્લાઈટ હતી જે દુઃખની બની ગઈ

સુખની પ્રથમ ફ્લાઈટ હતી જે દુઃખની બની ગઈ

પ્લેન ક્રેશમાં તળ કડવા પાટીદાર સમાજે પાંચ વ્યક્તિઓ ગુમાવતા સમાજ શોકાતુર

  • ગુંદીખાડ સમાજે બે દિકરીઓ ગુમાવતા ગુરૂશ્રી ઉમેદપુરી કડવા પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ ગુંદીખાડ દૅશે તમામ મદદની ખાતરી આપી
  • પ્રથમ વખત વિદેશ જતા પાંચેય વ્યક્તિઓ માટે મોતની ઉડાન બની
  • મૃતદેહોની ઓળખ માટે બે દંપત્તીના સંતાનો અને યુવતીના ભાઈના ડીએનએ માટે સેમ્પલ લેવાયા

કોણ જાણી શકે કાળને રે, કાલ સવાર કેવુ થાશે. આ કાયામાંથી હંસલો રે, અચાનક ઉડી જાશે. આ ભજનની પંક્તિઓ યાદ આવી જાય તેવો બનાવ અમદાવાદ પ્લેન દુર્ઘટનામા બન્યો છે. જેમાં વિસનગર તળ કડવા પાટીદાર સમાજના લોકોએ ક્યારેય વિચારી ન હોય તેવી દુઃખદ ઘટના બનતા તળ સમાજ સહિત સમગ્ર વિસનગરમાં ભારે અરેરાટી ફેલાઈ છે. તળ સમાજના બે દંપત્તી અને યુવતી પ્રથમ વખત વિદેશ જતા હતા અને મોતની ઉડાન બની હતી. સ્વજનોને એરપોર્ટ મૂકી આવ્યાની સુખદ પળો વાગોળતા સ્નેહીજનો વિસનગર આવતા હતા અને પ્લેન ક્રેશની ઘટના જાણી બચી ગયા હશે તેવી આશાએ અધ્ધર જીવે પરત તો ફર્યા પરંતુ કોઈ બચ્યુ નહી હોવાનુ જાણી ભારે રોકકળ થઈ હતી. બે મહિલાઓ ગુંદીખાડની દિકરી હોવાથી અત્યારે ગુંદીખાડ દૅશ પણ શોકાતુર બની ગયો છે. સમાજની આ બન્ને દિકરીઓને તમામ પ્રકારની મદદ કરવા ગુરૂશ્રી ઉમેદપુરી ગુંદીખાડ કડવા પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટે તૈયારી બતાવી છે.
તા.૧૨-૬-૨૦૨૫ નો કાળો દિવસ લોકોના માનસ ઉપર કાયમ અંકિત થઈ ગયો છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી બપોરે લંડનની ફ્લાઈટ ટેક ઓફ કરતા બીજાજ મીનીટે મેઘાણીનગર મેડીકલ હોસ્ટેલ ઉપર ક્રેશ થવાની દુર્ઘટના સાથેજ વિસનગરના પાંચ પેસેન્જરો હોવાની જાણકારી મળતા શહેરના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પાંચેય પેસેન્જર તળ કડવા પાટીદાર સમાજના હોવાનુ જાણવા મળતાજ તળ સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. ફતેહ દરવાજા પોયડાનો માઢના વિક્રમકુમાર પટેલ છેલ્લા ત્રણ વર્ષથી લંડન સ્થાયી થયા હતા. જેમણે તેમના પિતા દિનેશકુમાર કાન્તીલાલ પટેલ અને માતા ક્રિષ્ણાબેન દિનેશકુમાર પટેલને લંડન બોલાવ્યા હતા. જ્યારે ફતેહ દરવાજા છેલ્લી શેરીમાં રહેતા કેતનકુમાર પટેલ બે વર્ષથી લંડન સ્થાયી થયા હોવાથી તેમના પિતા દશરથભાઈ જોઈતારામ અને માતા ડાહીગૌરીબેન દશરથભાઈ પટેલને લંડન ફરવા માટે બોલાવ્યા હતા. જ્યારે લંડનમાં રહેતા ગંજીના વસંતકુમાર મહેન્દ્રભાઈ પટેલે છ મહિના પહેલા ગંજીના અંકિતાબેન પટેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અંકિતાબેન પટેલને વિઝા મળતા તેઓ પણ પતિને મળવા લંડન જતા હતા.
વિસનગર તળ સમાજના આ પાંચેય વ્યક્તિઓ પ્રથમ વખત વિદેશ જવાના હોવાથી તેમના સ્નેહીજનોમાં અનેરો આનંદ ઉત્સાહ હતો. દિનેશકુમાર પટેલે આખી જીંદગી ખેતી કરી સાદગીભર્યુ જીવન જીવતા હતા. જેઓ વિદેશ જવાના હોવાથી તેમના મિત્રોએ ખેતરમાં ફેરવૅલ પાર્ટી આપી હતી. પાર્ટીમાં સંજય દત્તની ‘નામ’ હિન્દી ફિલ્મનુ “તુ કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂગા”, “તુ કલ બીછડ જાયેગા તો મે ક્યા કરૂગા”નુ ગીત વગાડ્યુ હતુ. ત્યારે મિત્રોને એ વાતનો અંદાજ નહોતો કે લંડન જનાર મિત્ર કાયમ માટે દૂર જતો રહેવાનો છે. લગ્નના છ માસ બાદ અંકિતાબેન પટેલ લંડન જવાના હોવાથી પરિવારજનોએ ગંજી ઉંચી ફળીના માઢ આગળ વિદાય આપી હતી. ત્યારે કોને ખબર હતી કે આ છેલ્લી વિદાય હશે. જ્યારે દશરથભાઈ અને ડાહીગૌરીબેનને સુખની પ્રથમ ફ્લાઈટમા બેસાડવાનો પરિવારના લોકોને અનહદ આનંદ હતો. પરિવારજનો તેમના સ્વજનને એરપોર્ટ ઉપર મુકવા ગયા ત્યારે આનંદની પળો મોબાઈલમાં જીલી હતી. પાંચેય સભ્યો પ્લેનમાં બેસીને મેસેજ કરતા મુકવા ગયેલા પરિવારના લોકો વિસનગર પરત ફરી રહ્યા હતા અને ગણતરીના સમયમાં પ્લેન ક્રેશ થયુ હોવાની જાણ થતાજ દુર્ઘટના સ્થળે પરત ફર્યા હતા. આ દુર્ઘટનામા એક પણ પેસેન્જર બચ્યો નહી હોવાની જાણ થતાજ થોડા સમય પહેલાની ખુશી માતમમા ફેરવાઈ.
અમદાવાદથી ટેક ઓફ થયેલ પ્લેનમા સવા લાખ લીટર જેટલુ ફ્યુઅલ ભરેલુ હોવાથી તુટી પડતાજ અગનગોળો બની ગયુ હતુ. મૃતદેહો ભડથુ થઈ ક્ષતવિક્ષત થયા હોવાથી ઓળખી શકાય તેમ નહોતા. ડી.એન.એ. ટેસ્ટ જરૂરી હોવાથી દિનેશભાઈ પટેલ અને ક્રિષ્ણાબેન પટેલના મૃતદેહની ઓળખ માટે તેમના પોલીસ કોન્સ્ટેબલ દિકરી પ્રિયા પટેલનુ, દશરથભાઈ પટેલ અને ડાહીગૌરીબેન પટેલના મૃતદેહની ઓળખ માટે તેમના પુત્ર રીન્કેશ પટેલ અને અંકિતાબેન પટેલના મૃતદેહની ઓળખ માટે ગેલેક્સી-ટુ મા રહેતા તેમના ભાઈ અલકેશકુમાર સુરેશભાઈ પટેલના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

  • ગુંદીખાડ કડવા પાટીદાર સમાજ બે દિકરી ગુમાવતા શોકાતુર
    દુર્ઘટનામા મૃતક બન્ને મહિલાઓ ગુંદીખાડ દૅશની દિકરી છે.  જેમાં દિનેશકુમાર પટેલ એ પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટ તથા રોટરી પ્રમુખ યોગેશભાઈ પટેલના સગા ફોઈનો દિકરા હતા. જ્યારે દિનેશભાઈ પટેલના પત્ની ક્રિષ્ણાબેન પટેલ પાલિકાના પૂર્વ કોર્પોરેટર પટેલ રાકેશભાઈ(ભગો)ની સગી ફોઈ થતા હતા. જ્યારે ડાહીગૌરીબેન દશરથભાઈ પટેલ ગુંદીખાડના હરગોવિંદભાઈ વિરચંદદાસ પટેલ ગોસા પરિવારની દિકરી હતા. આ બનાવથી ગુંદીખાડ દૅશ શોકાતુર બન્યો છે. ગુંદીખાડ દૅશના લોકોએ આ બન્ને દિકરીઓ ગુમાવતા તેમના પરિવારને તમામ પ્રકારની મદદ કરવા ગુરૂશ્રી ઉમેદપુરી ગુંદીખાડ કડવા પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટી મંડળે ખાતરી આપી છે.