વિદ્યાર્થીઓના હિત પ્રત્યે પાલિકાની કોઈ સંવેદના નહી
શહેરના અનેક વિસ્તારમાં બંપ- એમ.એન.કોલેજ આગળ કેમ નહી!
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ભલામણ અને પ્રયત્નોથી એમ.એન.કોલેજમા કરોડો રૂપિયાનો વિકાસ થઈ રહ્યો છે અને નવી ફેકલ્ટી શરૂ થઈ રહી છે. પરંતુ કોલેજના અસંખ્ય વિદ્યાર્થીઓના હિત તથા સુરક્ષા માટે પાલિકા દ્વારા વિચાર કરવામા આવતો નથી. કોલેજ આગળ ઘણા સમયથી બંપ બનાવવાની માગણી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમા રબર બંપ લગાવવામાં આવ્યો તો કોલેજ આગળ કેમ નહી તેવો શિક્ષણ પ્રેમીઓમાં પ્રશ્ન થઈ રહ્યો છે. પાલિકા મત લક્ષીજ વિકાસ કરતુ હોવાની પણ ટીકા થઈ રહી છે.
વિસનગર શહેરના કોટ વિસ્તારના મહોલ્લા, શેરીઓ આગળથી પસાર થતા સાંકડા રસ્તાઓ ઉપરથી રીક્ષા અન ટુ વ્હીલર ચાલકો પુર ઝડપે પસાર થતા અકસ્માતના બનાવો બનતા હતા. આ વાહનોની ગતિ રોકવા બંપ બનાવવાની લોકોની માગણીને ધ્યાને રાખી કોર્પોરેટરો દ્વારા રજુઆત કરવામાં આવતા પાલિકા દ્વારા કોટ વિસ્તારના મોટા ભાગના રોડ ઉપર રબર બંપ લગાવવામાં આવતા લોકો આ કામગીરીની સરાહના કરી રહ્યા છે. બંપ લગાવવાના કારણે મહોલ્લા અને શેરીઓમા રહેતા લોકો અકસ્માતના ભયમાથી મુક્ત થયા છે.
શહેરના અંદરના વિસ્તારના મોટા ભાગના રોડ ઉપર બંપ લગાવવાની સાથેજ શિક્ષણ પ્રેમીઓમા એ પ્રશ્ન થઈ રહ્યો છે કે એમ.એન.કોલેજ આગળ બંપ બનાવવા માટે છેલ્લા ઘણ વર્ષથી માગણી થઈ રહી છે. કોલેજનો મેઈન ગેટ મુખ્ય માર્ગ ઉપર આવેલો છે. ગેટની બહાર નિકળતા દશ ફુટના અંતરેજ ટ્રાફીકથી ધમધમતો રોડ છે. એમ.એન. કોલેજમા અત્યારે ૩૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજનો કેટલોક સ્ટાફ ફોર વ્હીલ વાહન લઈને તો કેટલાક ટુ વ્હીલર લઈને આવે છે. કોલેજમા કેટલાક યુવક અને યુવતીઓ ટુ વ્હીલર ઉપર આવે છે. આમ જોવા જઈએ તો કોલેજમા અસંખ્ય વાહનોની અવર જવર રહે છે. કોલેજમાથી વાહન લઈને બહાર નિકળતા ઘણી વખત નાના મોટા અકસ્માત થાય છે. પરંતુ નસીબ જોગે કોઈ મોટી હોનારત થઈ નથી કે કોઈનો જીવ જોખમાયો નથી.
આઈ.ટી.આઈ. ફાટક બંધ થવાના કારણે કોલેજના ગેટ આગળ અનેક ઘણો ટ્રાફીક વધ્યોછે. એમ.એન.કોલેજના પ્રિન્સીપાલ પુર્વ વિદ્યાર્થી મંડળ તથા શિક્ષણપ્રેમીઓ દ્વારા કોલેજ આગળ બંપ બનાવવા માટે એક વખત નહી પરંતુ અનેક વખત રજુઆત કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, શહેરના અનેક વિસ્તારના રોડ ઉપર રબર બંપ લગાવવામાં આવ્યા છે તો એમ.એન.કોલેજ આગળ કયા કારણથી બંપ લગાવવામાં આવતા નથી. આ રોડ પાલિકા હસ્તકનો છે. પાલિકા દ્વારા ફક્ત મત લક્ષીજ વિકાસ કરવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. એમ.એન.કોલેજમા મોટા ભાગે ગામડાના વિદ્યાર્થીઓ આવે છે. કોલેજ આગળ બંપનો ખર્ચ કરવામા કોઈ મત મળવાના નથી તે ઈરાદાથી બંપ બનાવવામાં આવતો નથી કે શું તેની શિક્ષણપ્રેમીઓમા ચર્ચાઓ થઈ રહી છે.