Select Page

સિવીલ હોસ્પિટલ-રાજ્ય સરકાર કપરા સમયમાં પીડિત પરિવારની પડખે-પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

સિવીલ હોસ્પિટલ-રાજ્ય સરકાર કપરા સમયમાં પીડિત પરિવારની પડખે-પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના સંદર્ભેની વિગતો આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તા. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ એર ઈન્ડિયાનું AI-171 (બોઇંગ ૭૮૭-૮) વિમાન ક્રેશ થયું હતું. આ ઘટના ખુબ જ દુઃખદ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ તમામ મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવતો શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, સિવિલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની સાથે છે. આ દુર્ઘટનામાં નાગરીકો અને સરકારે તમામે એકજૂટ થઇને દિવસ રાત જે સેવાકીય કાર્ય કર્યુ છે તે બિરદાવવા પાત્ર છે. દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને મૃતદેહ સમયસર મળી રહે તે માટે આરોગ્યકર્મીઓએ, પોલીસ જવાનો સહિત અન્ય કર્મયોગીઓએ ખુબ જ સરાહનીય કામગીરી કરી છે. હાલ પણ યુધ્ધના ઘોરણે આ કામગીરી ચાલુ છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વિમાન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને ગોલ્ડન અવર્સમાં સમયસર અને શ્રેષ્ઠ સારવાર આપીને સિવિલ હોસ્પિટલ તંત્રએ શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. જેના પરિણામે જ ઘટનાની ફક્ત ૪૫ થી ૫૦ મીનિટમાં સિવિલ હોસ્પિટલમાં આવેલા ૭૧ જેટલા દર્દીઓને સઘન સારવાર આપીને તેમાંથી ૬૮ ના જીવ બચાવવામાં સફળતા મળી છે. DNA સેમ્પલ મેચીંગ અને મૃતદેહ સોંપણી સંદર્ભેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ ૨૩૭ DNA સેમ્પલ મેચ થયા છે. જેમાં ૧૫૪ ભારતીય, ૭ પોર્ટુગીઝ, ૩૭ બ્રિટન અને ૧ કેનેડાના તેમજ ૮ નોન પેસેન્જર નાગરીકનો સમાવેશ થાય છે. જેમાંથી ૨૨૧ મૃતદેહોને સન્માનપૂર્વક સમગ્ર પ્રક્રિયા ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જેમાં ૧૬૪ ભારતીય, ૭ પોર્ટુગીઝ, ૩૯ બ્રીટન, ૧ કેનેડાના અને ૧૧ નોન પેસેન્જરને મૃતદેહ સોંપવામાં આવ્યા છે.
તે સિવાય અન્ય ૧૧ મૃતદેહ પણ સન્માનજનક પરિવારોને સોંપવામાં આવ્યા હતા.

  • દુર્ઘટનાના ઇજાગ્રસ્તોના જીવ બચાવવા સિવિલ હોસ્પિટલ તંત્રએ “ગોલ્ડન અવર્સ”માં સરાહનીય કામગીરી કરી – મંત્રી શ્રી • જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે તેમને મૃતદેહ સમયસર આપવા આરોગ્યકર્મીઓ, પોલીસ જવાનો સહિત અન્ય કર્મયોગીઓ ખડેપગે • ગોલ્ડન અવર્સમાં જ ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાઈ : જેમાંથી ફક્ત ૦૩ ના મૃત્યુ થયા • તા.૨૦ જૂન સવારે ૧૧-૪૫ સુધી કુલ ૨૩૭ DNA મેચ થયા, ૨૨૨ મૃતદેહો પરિવારજનોને સોંપાયા • અન્ય ૧૨ મૃતદેહ પણ સન્માનજનક પરિવારને સોંપવામાં આવ્યા • ૧૦૦ થી વધુ એમ્બ્યુલન્સ, ૫૯૧થી વધુ આરોગ્ય કર્મચારીઓ, ૨૫ જેટલી ટ્રોમા ટીમ 24×7 સેવા આપી • સિવિલ હોસ્પિટલમાં 24×7 હેલ્પ ડેસ્કઃ પરિવારોને સહાય માટે ૬૨ જેટલા અલાયદા રૂમ ફળવાયા • આ સમગ્ર ઘટનામાં ૯૭ જેટલા તબીબી વિદ્યાર્થીઓ / જુનિયર તબીબોને અંદાજીત કુલ રૂા. ૨.૬૯ કરોડનું નુકશાન થયુ હોવાનુ પ્રાથમિક તારણ
    ૧૦૦ થી વધુ એમ્બ્યુલન્સ, ૫૯૧થી વધુ આરોગ્ય કર્મચારીઓ કરી કામગીરી
    રાહત અને બચાવ કામગીરીની વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ધટનામાં ૧૩૯થી વધુ ફાયર વાહનો, ૬૧૨થી વધુ ફાયર કર્મચારીઓ, ૬૭૯ સેના કર્મીઓ, ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સ, ૫૯૧થી વધુ આરોગ્ય કર્મચારીઓ, ૨૫ જેટલી ટ્રોમા ટીમ તથા ૩૬થી વધુ ફોરેન્સિક નિષ્ણાંતો રાત દિવસ 24×7 કામગીરી કરી છે.
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24×7 હેલ્પ ડેસ્ક
    આ ધટનાનો ભોગ બનનાર મૃતકોના પરિવારજનો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24×7 હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો હતો તથા પરિવારોને સહાય માટે ૬૨ જેટલા અલાયદા રૂમ પણ ફાળવવામાં આવ્યાં હતા. પરિવારોને સહાયતા માટે શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર ૧૪ હજારથી વધુ કોલ્સનો સંતોષકારક જવાબ અપાયો છે.
  • ઘટનાના માત્ર અડધા કલાકમાં જ કુલ ૭૫ જેટલી એમ્બ્યુલન્સ દુર્ઘટના સ્થળ
    આ દૂર્ઘટનાની જાણ થતા માત્ર ગણતરીની મિનિટોમાં જ ૧૦૮ની એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ દર્દી સિવિલ હોસ્પિટલમાં લાવીને તાત્કાલિક તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. ધટનાના માત્ર અડધા કલાકમાં જ કુલ ૭૫ જેટલી એમ્બ્યુલન્સ દુર્ઘટના સ્થળ પર પહોચી હતી.
  • ગોલ્ડન અવર્સમાં જ ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાઈ
    ઇમર્જન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર ખાતે સ્પેશિયાલિસ્ટ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિક્સ મળીને કુલ અંદાજીત ૫૯૧ જેટલા આરોગ્યકર્મીઓને સારવાર માટે સજ્જ કરવામાં આવ્યા. જેમની મદદથી ગોલ્ડન અવર્સમાં જ ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી હતી. I.C.U ખાતે અંદાજિત ૫૫ જેટલા આરોગ્ય સ્ટાફ સાથેના પૂરતા I.C.U બેડ્‌સ અને સી-૭ વોર્ડને પણ સારવાર માટે તાત્કાલિક ધોરણે તૈયાર કરાયો હતો.
  • ૧,૦૭૦ જેટલા બ્લડ યુનિટની વ્યવસ્થા કરાઈ
    સારવાર દરમિયાન લોહીની જરૂરિયાતને પહોંચી વળવા સિવિલ મેડિસીટી કેમ્પસની તમામ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે અંદાજિત ૧૦૭૦ જેટલા બ્લડ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી. જેમાં બ્લડ ડોનેશનની વ્યવસ્થા ઉભી કરી ૫ કલાક દરમિયાન ૩૫૦ જેટલા “ઓ નેગેટિવ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું.
  • DNA રીપોર્ટ સંદર્ભે ડેડિકેટેડ ૧૦ ટેલિફોન નંબર જાહેર કરાયા
    મૃતકના સગાને ખોટા મેસેજ આપી ડ્ઢદ્ગછ રીપોર્ટ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવામાં આવે તે હેતુથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા નવા ડેડિકેટેડ ૧૦ જેટલા ટેલિફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યા.
  • પરિવારજનોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તેની સંપૂર્ણ તકેદારી રખાઈ
    પરિવારજનોના સમયનો બચાવ થાય અને તેમને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે આ કંટ્રોલરૂમ ખાતે એક જ સ્થળે પોલીસ ડેસ્ક, ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેસ્ક, એર ઇન્ડિયા ડેસ્ક, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેસ્ક જેવા વિવિધ ડેસ્ક ઊભા કરાયા. આ તમામ દસ્તાવેજીકરણની પ્રક્રિયા માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં પૂર્ણ કરીને, પાર્થિવ દેહને સન્માનપૂર્વક પરિવારને સોંપવામાં આવે છે.
  • પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવા ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની કુલ ૫૯૧ ટીમ મેમ્બર્સ કાર્યરત
    રાજ્ય સરકારે પાર્થિવ દેહને સગા-સંબંધીઓને સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની ૫૯૧ ટીમ મેમ્બર્સ સહિત ૧૯૨ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. દુર્ઘટના દરમિયાન ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ૬ દર્દીઓને ઓ.પી.ડી.માં સેવાઓ આપવામાં આવી, બાકીના ૬૫ દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી ૧ દર્દીનું તા.૧૨ જૂન, ૧ દર્દીનું ૧૫ જૂને તથા તા. ૧૭ જૂને એક દર્દીનું અવસાન થયું છે. હાલ ૬૮ દર્દીઓ પૈકી ૪૯ જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે,૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૭ દર્દીઓ સિવિલમાં અને અન્ય દર્દીઓ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
  • વિમાન ક્રેશ દુર્ઘટના દરમિયાન તબીબોના થયેલ અંગત નુકશાન
    આ સમગ્ર ઘટનામાં ૯૭ જેટલા તબીબી વિદ્યાર્થીઓ / જુનિયર તબીબોને અંદાજીત કુલ રૂા. ૨.૬૯ કરોડનું નુકશાન નોંધાયું છે. જેની પોલીસ ફરિયાદની કાર્યવાહી હાલ ચાલુ છે. વધુમાં હોસ્ટેલમાં થયેલ નુકસાન તેમજ અન્ય સંપત્તિના નુકસાન સંદર્ભેની વિગતો મેળવીને રાજ્ય સરકાર દ્વારા વળતર માટેનો ક્લેઇમ એર ઈન્ડિયાને કરવામાં આવશે.
    આ સમગ્ર દુર્ઘટના દરમિયાન રાઉન્ડ ક્લોક ખડે પગે સેવાકીય કાર્ય કરનાર આરોગ્ય કર્મીઓ પોલીસ જવાનો સહિતના તમામ લોકો,સ્વયંસેવકો, મીડિયા કર્મીઓનો પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.