વિસનગર ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ભાજપના કાર્યકરોમાંજ જૂથવાદ
સંનિષ્ઠ કાર્યકરોમાં ચર્ચા – હવે કોંગ્રેસને વિરોધ કરવાની જરૂર રહેશે નહી
- વિસનગર તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીમાં કયા ગામમાં ભાજપના કયા આગેવાનોનું રાજકીય વર્ચસ્વ છે તેનુ માપ નિકળી ગયુ
વિસનગર તાલુકામાં ૩૭ ગ્રામ પંચાયતોની ચુંટણીનું મતદાન થયા બાદ બુધવારના રોજ સવારથી મોડી સાંજ સુધી પ્રાન્ત અધિકારી એવમ્ તાલુકા ચુંટણી અધિકારી દેવાંગભાઈ રાઠોડ અને મામલતદાર એફ.ડી.ચૌધરીની નિગરાની હેઠળ આઈ.ટી.આઈ.કોલેજમાં બેલેટ પેપરની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકાના કેટલાક ગામોમાં ભાજપના આગેવાનોના ટેકેદારો અને હોદ્દેદારો સરપંચની ચુંટણી હારી જતા કયા ગામમાં કોનું કેટલુ રાજકીય વર્ચસ્વ છે તેનો પર્દાફાશ થયો હતો. આ ચુંટણીમાં જાતિગત સ્થાનિક સમીકરણોની સાથે ગ્રામ પંચાયતોના સરપંચોને મળેલી વધુ સત્તાના કારણે મોટા ભાગના ગામોમાં ચુંટણી જંગ જામ્યો હતો. સરપંચના ઉમેદવારોએ ચુંટણી જીતવા નાણાં કોથળી છુટી મુકી હતી.
ભાજપ વિરોધ પક્ષમા બેસતો હતો ત્યારે પાયાના કાર્યકરો કેન્દ્રસ્થાને રહેતા હતા. પરંતુ ભાજપે સત્તા મેળવવા માટે ગમે તેવા સમાધાનો કરી વર્ષોથી ભાજપ સામે લડતા વિરોધીઓને પક્ષમાં લાવી તેમને વધુ મહત્વ આપવાનુ શરૂ કર્યુ અને ભાજપના પાયાના કાર્યકરો હાંસીયામાં ધકેલાયા. વધુમાં ભાજપમાં આંતરિક જૂથવાદ વધતા અત્યારે ભાજપની સ્થિતિ કોંગ્રેસ જેવી થઈ છે. જેના પરિણામો હવે ચુંટણી ટાણે જોવા મળી રહ્યા છે. તા.૨૨મી જૂનના રોજ વિસનગર તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતોના સરપંચ તથા ૭૨ વોર્ડના સભ્યોની સામાન્ય અને પેટા ચુંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં તાલુકાના કેટલાક ગામોમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકબીજાનું રાજકીય કદ વેતરવા ચુંટણી જંગના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં સરપંચ અને સભ્યોના દરેક ગામના ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે તન-મન-ધનથી જોરશોરથી ચુંટણી પ્રચાર કર્યો હતો. ચુંટણી જીતવા ઉમેદવારોએ રાજકીય કાવાદાવા પણ કર્યા હતા. વિસનગર ભાજપના આંતરિક જૂથવાદમાં ભાજપના કેટલાક આગેવાનોએ પોતાના ટેકેદાર સરપંચના ઉમેદવારને જીતાડવા જાહેરમાં અને પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગામોમાં ચુંટણીનું મતદાન પુર્ણ થયા બાદ બુધવારના રોજ સવારે વિસનગર પ્રાન્ત અધિકારી એવમ્ તાલુકા ચુંટણી અધિકારી દેવાંગભાઈ રાઠોડ, મામલતદાર એફ.ડી.ચૌધરી, ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરી, નાયબ મામલતદાર મહેસુલ અમરતભાઈ ચૌધરી સહિત ચુંટણી અધિકારીઓની હાજરીમાં આઈ.ટી.આઈ. કોલેજના હોલમાં મતપેટીઓ ખોલી સાંજ સુધી બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. જેમાં તાલુકાના ૧૦ થી ૧૨ ગામોમાં ભાજપના હોદ્દેદારો અને ટેકેદારો સરપંચ તથા સભ્યોના ઉમેદવારોનો પરાજય થયો હતો. જોકે આ ચુંટણીમાં કાંસા, ઉમતા, પાલડી, કડા, કમાણા, ગોઠવા, મગરોડા, બાકરપુર, રંગાકુઈ, રાલીસણા તથા રંડાલા ગામમાં સરપંચના ઉમેદવારોમાં કોનો વિજય થાય છે તે જાણવા મત ગણતરી કેન્દ્રની બહાર લોકો તલપાપડ થયા હતા. જોકે આ ચુંટણીમાં કયા ગામમાં ભાજપના કયા આગેવાનોનું કેટલુ રાજકીય વર્ચસ્વ છે તેનુ પણ માપ નિકળી ગયુ હતુ. આ ચુંટણીના પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પોતાના સમર્થક સરપંચોનો વિજય થયો હોવાનો દાવો કરી રહ્યા હતા. આ ચુંટણીમાં મતગણતરી નિષ્પક્ષ અને શાંતિ પુર્ણ રીતે થાય તે માટે મત ગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.