Select Page

મતદારોની અજ્ઞાનતા-કોરા અને અંગુઠા મારેલા બેલેટ નીકળ્યા

મતદારોની અજ્ઞાનતા-કોરા અને અંગુઠા મારેલા બેલેટ નીકળ્યા

૩૭ ગ્રામ પંચાયતના સરપંચ તથા ૨૭ ગ્રામ પંચાયતના ૭૨ વોર્ડની ગણતરીમાં ૧૨ કલાકનો સમય

  • ચુંટણીમાં EVMનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપાય
  • બેલેટમા ઉમેદવારના બોક્ષમા વ્યવસ્થીત સિક્કા નહી મારતા ઘર્ષણના બનાવ બન્યા

ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) દ્વારા થતી ચુંટણીમાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પરંતુ બેલેટ(મત પત્રક)થી થતી ચુંટણીમાં કેટલી સમસ્યાઓ ઉભી થાય છે તે ગ્રામ પંચાયતની ચુંટણી ઉપરથી જોઈ શકાય છે. ઈવીએમમા વિધાનસભાની એક બેઠકની મત ગણતરી થતા ચાર થી પાંચ કલાકનો સમય થાય છે. જ્યારે વિસનગર તાલુકાના ૩૭ ગ્રામ પંચાયતના સરપંચ અને ૨૭ ગ્રામ પંચાયતના ૭૨ વોર્ડની મતગણતરી થતા ૧૨ કલાકનો સમય થયો હતો. મતદારોએ કોરા બેલેટ નાખતા તથા બેલેટ ઉપર અંગુઠા માર્યા હોવાથી ઘણા મત રદ થયા હતા.
વિસનગર તાલુકાની ૫૭ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૨૦ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. જ્યારે ૩૭ ગ્રામ પંચાયતમાં કેટલીક ગ્રામ પંચાયતના વોર્ડ બીનહરિફ થતા ૨૭ ગ્રામ પંચાયતના ૭૨ વોર્ડની જ્યારે ૩૭ ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણી થઈ હતી. વિસનગર આઈ.ટી.આઈ.માં તા.૨૫-૬ ને ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી શરૂ થયેલી મતગણતરી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી ચાલી હતી. લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન અને પાલિકાની ચુંટણીમાં ઈવીએમનો ઉપયોગ થતો હોઈ જેની મતગણતરી થતા ચાર થી પાંચ કલાકનો સમય થતો હોય છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં મતગણતરી થતા જે બેલેટ નીકળ્યા તેમા મતદારોની અજ્ઞાનતા જોવા મળી હતી. ઘણા વોર્ડની મત ગણતરીમાં ૧૫ થી ૨૦ જેટલા કોરા બેલેટ નીકળ્યા હતા. કેટલાક મતદારોએ સિક્કા મારવાની જગ્યાએ અંગુઠા મારતા આવા તો અનેક બેલેટ રદ થયા હતા. મતદારોએ બેલેટમા ઉમેદવારના બોક્ષમા નામની સામે સિક્કો મારવાની જગ્યાએ આડેધડ સિક્કા મારતા કર્મચારીઓ મત કયા ઉમેદવારમાં ગણવો તેની દ્વીધામા મુકાયા હતા. ઉપર નીચે બે ઉમેદવારના બોક્ષ વચ્ચે સિક્કા મારેલા હોવાથી મતની ખેચતાણમા એજન્ટો વચ્ચે વારંવાર વિવાદ થતા પ્રાન્ત ઓફીસર દેવાંગભાઈ રાઠોડ તથા મામલતદાર એફ.ડી.ચૌધરી કાઉન્ટર ઉપર ખડે પગે જોવા મળ્યા હતા.
ગ્રામ પંચાયતના એક વોર્ડમાં બે આંકડાથી માડીને ૩૦૦ થી ૪૦૦ મતદાર હોવાથી સભ્યની ચુંટણીમાં ભારે રસાકસી રહેતી હોય છે. જેથી એક મતની હારજીતમાં બેલેટ રદ થયાના ઘણા વિવાદ ઉભા થાય છે. મગરોડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.૧૦ મા બાબુભાઈ નાથુભાઈ ચૌધરીને ૧૪૨ અને રણજીતસિંહ તેજાજી ઠાકોરને ૧૪૧ મત મળતા એક મતની હારજીતથી ઉમેદવારના એજન્ટો વચ્ચે મતગણતરી દરમ્યાન જપાજપી થઈ હતી. આ વિવાદમાં મામલતદાર એફ.ડી.ચૌધરી વિરુધ્ધ સોશિયલ મીડિયામા જ્ઞાતિવાદના પણ આક્ષેપ થયા હતા. મતગણતરી દરમ્યાન વધારે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કલેક્ટર એસ.કે. પ્રજાપતિ દોડી આવી પોલીસને તકેદારી રાખવા સૂચના આપી હતી. પાલડી ગ્રામ પંચાયતના વોર્ડ નં.પાંચની મતગણતરીમાં કિરીટકુમાર રમણલાલ સેનમા અને વસંતભાઈ વાલજીભાઈ રાઠોડ બન્નેને ૧૩૭ મત મળ્યા હતા. કિરીટકુમાર સેનમા સરપંચના ઉમેદવાર મેહુલભાઈ ચૌધરીની પેનલના હોવાથી ફરીથી મતગણતરી માટેની રજુઆત કરી હતી. બીજી વખતની મતગણતરીમાં બેલેટમાં સિક્કો મારવાની ક્ષતિથી કિરીટકુમાર સેનમાના બે મત રદ થતા કુલ ૧૩૫ મત થતા વસંતભાઈ રાઠોડને બે મતથી વિજેતા જાહેર કરાયા હતા. ભાલક ગ્રામ પંચાયતમાં પણ વોર્ડ નં.૪મા કુંદનભાઈ બાબુલાલ પરમારને ૧૮૪ તથા શર્મિષ્ઠાબેન રાજુભાઈ ચમારને ૧૮૩ મત મળતા એક મતની હારજીતના કારણે વિવાદ થયો હતો. આમ મતગણતરીમાં એક મતની સરસાઈના વિવાદથી તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. આમ બેલેટ પેપરથી થયેલી ગ્રામ પંચાયતની ચુંટણીમાં અનેક બેલેટ રદ થતા ઈવીએમથીજ ચુંટણી થવી જોઈએ તેવો ગણગણાટ જોવા મળ્યો હતો.