કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે ગ્રામ્ય વિકાસકામોની સમિક્ષા કરી
વિસનગર તાલુકા પંચાયતમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી
વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે સરકારની વિવિધ ગ્રાન્ટમાં તાલુકાના ગામોમાં થઈ રહેલા અને થનાર વિવિધ વિકાસકામોની સમિક્ષા કરવા ગત શુક્રવારે ટી.ડી.ઓ. તથા તાલુકા અને જીલ્લાના સદસ્યો સાથે મિટીંગ યોજી હતી. જેમાં મંત્રીશ્રીએ ગ્રામ્યના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા તેમજ બાકી વિકાસકામો ઝડપી પુર્ણ કરવા ટી.ડી.ઓ. અને સદસ્યોને સુચના આપી હતી.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના માથે ગુજરાત સરકારના ત્રણ મહત્વના ખાતાઓની જવાબદારી હોવા છતાં તેઓ પોતાના મત વિસ્તારના નાગરિકોની સતત ચિંતા કરે છે. મંત્રી ઋષિભાઈ પટેલ સરકારની જવાબદારી વચ્ચે સમય ફાળવી અવાર નવાર વિસનગરની મુલાકાતે આવે છે. મુલાકાત દરમિયાન તેઓ લોકસંપર્કની સાથે શહેર અને તાલુકાના ગામોમાં ચાલતા વિકાસકામોની સમિક્ષા કરે છે. શુક્રવારના રોજ મંત્રીશ્રીએ તાલુકાના ગામોમાં થઈ રહેલા અને આગામી સમયમાં થનાર વિવિધ વિકાસકામોના મુદ્દે તાલુકા પંચાયત ભવનના હોલમાં ટી.ડી.ઓ. ભૌૈમિકભાઈ ચૌૈધરી તેમજ તાલુકા અને જીલ્લાના સદસ્યો સાથે મહત્વની મિટીંગ યોજી હતી. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલે ગ્રામ્યની પ્રજાના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા, ગામમાં ચાલતા વિકાસ કામો ઝડપી પુર્ણ કરવા તથા સરકારની જન કલ્યાણકારી યોજનાનો ગ્રામજનોને લાભ આપવા ટી.ડી.ઓ. અને સદસ્યોને સુચના આપી હતી. આ સાથે તાલુકાના ગામોમાં થનાર મહત્વના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ ક્યારે કરવુ તેની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મંત્રીશ્રીએ ગ્રામ્યના અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા, ક્રિમિલેયર સર્ટિફિકેટ સહિત અન્ય દાખલા ઝડપી મળે તેવુ તાલુકા પંચાયતના જનસેવા કેન્દ્રમાં આયોજન કરવા ટી.ડી.ઓ.ને સુચન કર્યુ હતુ. આ મિટીંગમાં તાલુકા પંચાયત ભવનની બાજુમાં આવેલ મહાત્મા ગાંધી ભવન (જુની આઈ.આર.ડી.કચેરી)નું રંગરોગાન કરવા અને તેની આજુબાજુમાં સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોક નાખવાની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટીંગમાં પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌૈધરી, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના પુર્વ ચેરમેન અંકિતભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી સ્વપ્નીલ ચૌધરી, પુર્વ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી (ગુંજાળા), તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.