Select Page

જુની ડમ્પીંગ સાઈટના ચર્મકુંડની દુર્ગંધથી લોકો ત્રાહીમામ

જુની ડમ્પીંગ સાઈટના ચર્મકુંડની દુર્ગંધથી લોકો ત્રાહીમામ

માસ મટનનો વેસ્ટ કોથળામા બાંધીને નાખવામા આવે છે

સાપ નીકળી જાય અને લીસોટા રહી જાય તેમ વિસનગરમાં જુની ડમ્પીંગ સાઈટનો કચરોનો દૂર કરવામા આવ્યો છે. પરંતુ ચર્મકુંડની દુર્ગંધ હજુ પીછો છોડતો નથી. ચર્મકુંડમા મરેલા ઢોરની ચીરફાડ કરવામા આવતા તેમજ માસ મટનનો વેપાર કરનાર વેસ્ટ કોથળામા બાંધીને નાખી જતા હોવાથી પરિસ્થિતી એટલી હદે વણસી છે કે આ વિસ્તારના મકાનોમા રહેતા લોકોને બારી બારણા બંધ કરીને રહેવુ પડે છે.આવી પરિસ્થિતિ હોવા છતા પાલિકા દ્વારા સ્વચ્છતા કરવામા આવતી નથી કે દવાનો છંટકાવ કરવામા આવતો નથી.
વિસનગરના ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ગુજરાતના લોકોની આરોગ્યની ચિંતા કરે છે. પરંતુ તેમના મન વિસ્તારના લોકોના આરોગ્યનો ખ્યાલ રાખી શકતા નથી. અથવાતો શહેરીજનોના આરોગ્યને નુકશાન કરતી બાબતોથી આરોગ્ય મંત્રીને વાકેફ કરવામા આવતા નથી. સુંશી રોડ જુની ડમ્પીંગ સાઈટની આસપાસ રહેણાંક વિસ્તાર વધતા ડમ્પીંગ સાઈટ ખસેડવાના ઘણી રજૂઆતો બાદ હુહુ તળાવ પાસે નવી ડમ્પીંગ સાઈટ શરુ કરવામા આવી છે. જુની ડમ્પીંગ સાઈટના તમામ કચરાનો નિકાલ કરવામા આવ્યો છે. પરંતુ જુની ડમ્પીંગ સાઈટના ચર્મકુંડની ગંદકી અને દુર્ગંધનો ત્રાસ હજુ પણ લોકો સહન કરી રહ્યા છે.
ચર્મકુંડમા મરેલા ઢોરની ચીરફાડ કરવામા આવે છે. જેઓ ઢોરનુ ચામડુ અને મોટા હાડકા લઈ જાય છે. પરંતુ માસ તથા અન્ય ગંદકીનો યોગ્ય નિકાલ કરવામા આવતો નથી. આ ઉપરાંત માસ મટનનો વેપાર કરનાર લોકો વેસ્ટ માસ કોથળામા બાંધી તેનો ચર્મકુંડની જગ્યાએ નિકાલ કરે છે. આવી પરિસ્થિતિમા અત્યારે ચોમાસામા કહોવાટના કારણે આ સમગ્ર વિસ્તારમા એટલી દુર્ગંધ ફેલાય છે કે લોકોનુ રહેવુ દુષ્કર બની ગયુ છે. આ વિસ્તારમા મકાન ધરાવતા લોકોને બારી બારણા બંધ કરીને રહેવુ પડે છે. આ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી છે. નોંધપાત્ર બાબત છે કે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ અત્યાર સુધી ત્રણથી ચાર વખત નવી ડમ્પીંગ સાઈટની મુલાકાત લીધી છે. પરંતુ ચર્મકુંડના કારણે લોકોની કેવી દશા થાય છે તેની જાણકારી મેળવી નથી. પાલિકા તંત્ર પણ આરોગ્યમંત્રીને સારી બાબતોથી વાકેફ કરે છે. પરંતુ લોકોને જે બાબતથી તકલીફ થાય છે તેની જાણકારી છુપાવવામા આવે છે.