Select Page

પાલિકાના નવા ભવનમાં કોર્પોરેટ કંપની જેવા મીટીંગ હૉલમાં પ્રથમ જનરલ મળી આદર્શથી મહેસાણા રોડ આઈકોનિક બનાવવામાં આવશે

પાલિકાના નવા ભવનમાં કોર્પોરેટ કંપની જેવા મીટીંગ હૉલમાં પ્રથમ જનરલ મળી આદર્શથી મહેસાણા રોડ આઈકોનિક બનાવવામાં આવશે

કોર્પોરેટ કંપનીના મીટીંગ હૉલમાં ચર્ચા કરવા બેઠા હોય તેવો અનુભવ વિસનગર પાલિકાની જનરલમાં સભ્યોને થયો હતો. ૩૬ માંથી ૨૬ સભ્યોની ઉપસ્થિતિમાં પાલિકાના નવા ભવનમાં પ્રથમ જનરલ સભા મળી હતી. આ પછીની ઓક્ટોબર મહિનામા યોજાનાર જનરલ કદાચ પાલિકાની છેલ્લી જનરલ હશે. પાલિકાની જનરલ સભાની નોટીસમાં તથા પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ કામમાં આદર્શથી મહેસાણા ચાર રસ્તા સુધીનો રોડ આઈકોનિક બનાવવા માટેનો ઠરાવ મહત્વનો હતો. જનરલમાં વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ પોતાને મળેલી જવાબદારી પ્રમાણે વહિવટની ખામીઓ દર્શાવતો વિરોધ કર્યો હતો.
તા.૩૧-૭-૨૦૨૫ ને ગુરૂવારના રોજ પાલિકાના નવા ભવનના સાઉન્ડ પ્રુફ અને વાતાનુફુલીત સભાખંડમાં પ્રથમ જનરલ સભા મળી હતી. પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, દંડક અમાજી ઠાકોર તથા સભ્યોની ઉપસ્થિતિમાં સ્ટીરીઓ સાઉન્ડમાં રાષ્ટ્રગીતની સાથે સભાની શરૂઆત થઈ હતી. સભાનુ સંચાલન કરતા દંડક અમાજી ઠાકોરે પાલિકા ભવનનુ ૧૩ માસમાં ઝડપી કામ કરવા બદલ પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીને અભિનંદન આપ્યા હતા. જ્યારે ભવનની જગ્યાના સંપાદનથી માંડીને સરકારી ધારાધોરણ પ્રમાણે પૈસા ભરી જગ્યાનો કબજો લેનાર પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલની સેવા યાદ કરવાનુ ભૂલ્યા હતા. મીટીંગમાં ચીફ ઓફીસરે બેઠક સામે મુકવામા આવેલ માઈકમા કંઈ રીતે બોલવુ તેની સમજ આપી હતી. હૉલ સાઉન્ડ પ્રુફ હોવાથી જનરલમાં ગમે તેટલી બુમો પાડવા છતા અવાજ બહાર જાય તેમ નહી હોવાથી ગૃહની ગરીમા જળવાય તે રીતે શાંતીથી ચર્ચા કરવા માટે ચીફ ઓફીસરે સભ્યોને ટકોર કરી હતી. પાલિકાની જનરલની નોટીસમાં જણાવેલ ૭૫ ઠરાવમાંથી ૮ નામંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવેલ ૨૪ ઠરાવમાંથી ૬ ઠરાવ નામંજુર કરવામાં આવ્યા હતા. આ જનરલમાં પાલિકા હદમાં સમાવેશ કરવામાં આવેલ કાંસા એન.એ વિસ્તારના વિકાસને લગતા ઘણા ઠરાવ કરવામાં આવ્યા હતા.
જનરલમાં વિસનગર શહેર માટે આદર્શથી મહેસાણા ચાર રસ્તા સુધીનો આઈકોનિક રોડ બનાવવાનો મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આઈકોનિક રોડ માટે શુ વિચારવામાં આવ્યુ છે તે બાબતે ચીફ ઓફીસરનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે, ડિવાઈડરની ડિઝાઈન ચેન્જ થશે, રોડની બન્ને બાજુ સ્ટ્રોમ વોટર લાઈન નાખી તેના ઉપર ફૂટપાથ બનાવવામાં આવશે. હેરિટેજ લુકની સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે. મેગાસીટીની જેમ અમુક અંતરે પાઈપ ક્રોશીંગ કરવામાં આવશે. ભવિષ્યમાં જરૂર પડે ત્યારે રોડ તોડ્યા વગર ક્રોશીંગ લાઈનમાંથી જરૂરીયાત પ્રમાણેની લાઈનો પસાર કરી શકાશે.
જાહેર કરેલ કમ્પલેઈન નંબરના ફોન ઉપડતા નથી-વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ
જનરલમાં કોન્ટ્રાક્ટરોને મુદત વધારવા માટેના પણ ઠરાવ કરવામાં આવ્યા હતા. ત્યારે વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ કોન્ટ્રાક્ટરોને બોલાવી સમય મર્યાદામાં કામ કરવા માટે ટકોર કરવા પ્રમુખને રજુઆત કરી હતી. વિરોધ પક્ષના નેતાએ ફતેહ દરવાજા પટેલવાડી આગળ છ માસથી ઉભરાતી ગટર તથા ઓડવાસના નાકે ત્રણ માસથી ઉભરાતી ગટરની સફાઈ કરવા માટે રજુઆત કરી હતી. વિવિધ વિભાગની ફરિયાદો નોંધવા પાલિકા દ્વારા જે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે તે રીસીવ થતા નહી હોવાની પણ ફરિયાદ કરી હતી. લોકો રજૂઆત કરવા આવે ત્યારે કમ્પલેઈન નંબર રીસીવ નહી થતા પાલિકા સભ્યો છોભીલા પડતા હોવાથી પણ નારાજગી વ્યક્ત કરી હતી. જનરલ સભાના અંતમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા ભવનનો લાભ મળ્યો તે બદલ કેબીનેટ મંત્રીનો તેમજ નવીન ભવન નિર્માણમાં દરેકનો સાથ સહકાર મળ્યો તે બદલ સભ્યોનો આભાર માન્યો હતો.