વિસનગર તાલુકા પંચાયતના મહિલા સદસ્યનો ભાજપ છોડી આપમાં જોડાવાનો સંકેત
વિસાવદર વિધાનસભાની પેટાચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો વિજય થતા ગુજરાતમાં મૃતપાય બનેલી આમ આદમી પાર્ટીને સંજીવની મળી છે. આજે ભાજપ અને કોંગ્રેસથી નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાં વિસનગર તાલુકા પંચાયતની કાંસા એન.એ.૧ (એસ.ટી.) સીટના ભાજપના મહિલા સદસ્યએ પોતાના વિસ્તારમાં વિકાસ કામો નહી થતા ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું નક્કી કર્યુ છે. ભાજપના આ મહિલા સદસ્યના પતિએ પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે. ભાજપમાં અત્યારે માત્ર કાર્યક્રમોમાં લોકોને લાવવામાં જ ઉપયોગ થાય છે. આજે તાલુકામાં ઘણા કાર્યકરો ભાજપથી નારાજ છે. જેની આવનારી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં ખબર પડશે.
અત્યારે મંત્રી ઋષિભાઈ પટેલ કરતા તેમના અંગત પી.એ.સચિનભાઈ દરજીના અહંકારી વર્તનથી પાર્ટીના મોટાભાગના કાર્યકરો નારાજ હોવાની ચર્ચા
વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો ૧૭૦૦૦ જેટલા મતોની જંગી લીડથી વિજય થતા ગુજરાતમાં મૃતપાય બનેલી આમ આદમી પાર્ટીમા નવા પ્રાણ ફુંકાયા છે. વિસાવદરના વિજય બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધ્યો છે. આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ગુજરામાં આમ આદમી પાર્ટીનુ સંગઠન મજબુત બનાવવા ઠેર ઠેર જાહેરસભાઓ ગજવી રહ્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાં વિસનગર તાલુકા પંચાયતની કાંસા એન.એ.-૧ એસ.ટી.સીટના ભાજપના સદસ્ય વર્ષાબેન વિરલકુમાર જોષી પણ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ આવનાર ટુંક સમયમાં પોતાના ટેકેદારો સાથે ભાજપને રામ રામ કરી આપમાં જોડાવાના છે. આ અંગે ભાજપના તાલુકા સદસ્ય વર્ષાબેનના પતિ વિરલભાઈ જોષીએ પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે, અમે દરેક ચુંટણીઓમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા નિષ્ઠાપુર્વક કામ કર્યુ છે. છતાં ભાજપમાં અમારી સતત અવગણના થઈ રહી છે. મારા વિસ્તારમાં કોઈ વિકાસકામો થતા નથી. આજે મારા મત વિસ્તારમાં ગટરો ઉભરાય છે. ઘરોમાં પાણી ઘુસી જાય છે. રોડ તુટેલા બિસ્માર હાલતમાં છે. લોકો મારા ઘરે આવી ફરિયાદ કરે છે કે તમારૂ ભાજપમાં કંઈ ઉપજતુ ન હોય તો પાર્ટીમાંથી રાજીનામુ આપી દો. વધુમાં વિરલભાઈએ રોષ સાથે કહ્યુ કે, આજે મારા જેવા કેટલાય કાર્યકરો ભાજપથી નારાજ છે. પણ તેઓ હાલ જાહેરમાં બોલવા તૈયાર નથી. તાલુકામાં ભાજપના કાર્યકરો કેટલી હદે કેમ નારાજ છે તે તો આવનારી તાલુકા પંચાયતની ચુંટણીના પરિણામોમાં ખબર પડશે.
અમારા વિસ્તારમાં કોઈ વિકાસ કામો થતા નથી. મારા પત્નિની પાર્ટીમાં સતત અવગણના થાય છે. જેથી અમે સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈશું- વિરલભાઈ જોષી
જોકે વિસનગર તાલુકામાં ભાજપના કાર્યકરો મંત્રીશ્રીથી કેમ નારાજ છે તે બાબતે કાર્યકરોમાં એવી ચર્ચા છે કે, કોઈપણ હોદ્દેદાર કે કાર્યકર પોતાના કામ માટે મંત્રી ઋષિભાઈ સાહેબ પાસે જાય ત્યારે તેઓ તેમના અંગત પી.એ.સચિનભાઈ દરજીને તેનુ કામ સોંપે છે. ત્યારે સચિનભાઈ દરજી મંત્રીશ્રીની સુચનાનું પાલન કરતા નથી અને કાર્યકરોને સંતોષકારક વળતો જવાબ આપતા નથી. જેથી કાર્યકરોને એવુ લાગે છે કે મંત્રીશ્રી કોઈનુ કામ કરતા નથી અને કાર્યકરો મંત્રીશ્રીથી નારાજ થાય છે. સચિનભાઈ દરજી પાયાના કાર્યકરોની અવગણના કરતા વર્તનના લીધે વિસનગર તાલુકામાં મંત્રીશ્રીને રાજકીય રીતે મોટુ નુકશાન થઈ રહ્યુ છે. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે કાર્યકરોની ચર્ચાને ગંભીરતાથી લઈને સત્ય હકીકત જાણવાની જરૂર છે. નહી તો આવનાર સમયમાં સચિનભાઈ દરજીના કારણે આવનારી ચુંટણીઓમાં ભાજપને અણધાર્યુ નુકશાન થશે તેવુ કાર્યકરોમાં ચર્ચાય છે.