સાંસદ અને કેબીનેટ મંત્રીની સૂચનાને અધિકારીઓએ ગણકારી નહી રેલ્વે તંત્રની અડોડાઈથી આઈ.ટી.આઈ.નાળાની સફાઈ મુશ્કેલ
વિસનગરમાં દોઢ બે ઈંચ જેટલા વરસાદમાં ગંજ બજારથી કાંસા ચાર રસ્તા સુધી પાણી ભરાવા પાછળનુ કોઈ કારણ હોય તો તે છે કચરાથી જામ થઈ ગયેલુ આઈ.ટી.આઈ. ફાટક પાસેનુ નાળુ સાંસદ હરિભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સ્થળ ઉપર જઈ નાળાની સ્થિતિ જાણી સફાઈની મંજુરી માટે રેલ્વેના અધિકારીઓને સૂચના આપી હતી. પરંતુ રેલીંગ ખોલીને નાળાની સફાઈ માટે પાલિકાને મંજુરી નહી આપતા સામાન્ય વરસાદમાં ગંજ બજારથી સેવા સદન રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અંડરપાસમા ભરાયેલા પાણીનો નિકાલ કરવાની જવાબદારી રેલ્વેની છે. ત્યારે બે અંડરપાસ બંધ કરવાનો નિર્ણય કરતા ટ્રાફીકનો સામનો કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આઈ.ટી.આઈ.નાળામાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તો ગંજબજારથી કાંસા ચાર રસ્તા સુધી ચોમાસુ પાણી ભરાવાની સમસ્યા ઓછી થાય
વિસનગરમાં ગંજબજારથી સેવાસદન – વિવેકાનંદ સોસાયટીના રસ્તા ઉપરનો વરસાદી પાણીનો નિકાલ અગાઉ કાંસા ચાર રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા તરફની કેનાલમાં થઈને આઈ.ટી.આઈ. ફાટક નીચેના નાળા તરફ થતો હતો. આ વરસાદી પાણી નાળામાંથી પસાર થઈને મહેસાણા ચાર રસ્તા તરફ જતુ હતુ. પરંતુ બ્રોડગેજ લાઈન શરૂ થઈ ત્યારથી રેલ્વે તંત્ર દ્વારા ફાટકની બન્ને બાજુ લોખંડની રેલીંગ લગાવતા લગભગ છેલ્લા ચાર વર્ષથી પાલિકા નાળાની સફાઈ કરી શકતુ નથી. નાળામાં કચરો જામ થઈ જતા વરસાદી પાણીનો પહેલા જેવા નિકાલ થતો નથી. પાલિકા વિસ્તારનુ પાણી જતુ હોવાથી નાળાની સફાઈ કરવાની જવાબદારી પાલિકાની છે. પણ રેલ્વે તંત્ર મંજુરી નહી આપતા પાલિકા સફાઈ કરી શકતી નથી. ગંજબજાર વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે ગંજબજારથી કાંસા રામાપીર મંદિર સુધી રૂા.૪ કરોડના ખર્ચે પાઈપલાઈન નાખવામાં આવી છે. તેમ છતા ભારે વરસાદમાં એક બે કલાક સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી.
અગાઉ આ વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ આઈ.ટી.આઈ. નાળા તરફ થતો હતો. ગંજબજારથી કાંસા રામાપીર મંદિર સુધીની લાઈન નાખવામાં આવ્યા બાદ જો બે બાજુ વરસાદી પાણીનો નિકાલ થાય તો ભારે વરસાદમાં ઝડપી પાણી ઓસરે તેમ છે. પરંતુ કાંસા રામાપીર મંદિર સુધીની લાઈન શરૂ થઈ ત્યારે આઈ.ટી.આઈ. ફાટકના નાળામાં કચરો જામી જતા પાણીનો યોગ્ય નિકાલ નહી થતા પરિસ્થિતિ ઠેરની ઠેર છે. પાલિકા દ્વારા આઈ.ટી.આઈ. નાળાની સફાઈ માટે રેલ્વે વિભાગમાં વારંવાર રજુઆત કરવા છતા ગણકારવામાં આવતુ નહોતુ. ત્યારે સાંસદ સભ્ય હરિભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે તા.૧૮-૭-૨૦૨૫ ના રોજ આઈ.ટી.આઈ. ફાટકના નાળાના સ્થળ ઉપર પહોચી પરિસ્થિતિ તાગ મેળવ્યો હતો. પ્રાન્ત ઓફીસર દેવાંગભાઈ રાઠોડ, મામલતદાર એફ.ડી.ચૌધરી, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગના અધિકારીઓને ફાટક બાજુની રેલીંગ ખોલી પાલિકાને નાળાની સફાઈની મંજુરી આપવા સૂચન કર્યુ હતુ. ભારે વરસાદમાં ગંજબજારથી સેવાસદન રોડ ઉપર વારંવાર પાણી ભરાતા નાળાની ઝડપી સફાઈ થાય તેની તાતી જરૂરીયાત છે. ત્યારે સાંસદ અને કેબીનેટ મંત્રીની સૂચના બાદ આજ ૧૮ દિવસ થયા હોવા છતા રેલ્વે વિભાગ દ્વારા મંજુરી આપવામાં નહી આવતા આઈ.ટી. આઈ. ફાટક નાળાની સફાઈ થઈ શકતી નથી.
આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજના કારણે હાઈવે બંધ હોવાથી શહેરમાં ખુબજ ટ્રાફીક રહેતા વાહનચાલકો અન્ય રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે કાંસા ગામ તરફથી શેરડીનગરની પાછળ આવેલ અંડરપાસનો લોકો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. ધરોઈ કોલોની રોડથી સ્કુલ ઓફ વિક્ટર આગળ થઈને કાંસા તરફ જવા માટે આ એક મહત્વનો રસ્તો છે. જે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા તેનો નિકાલ કરવાની જવાબદારી રેલ્વે વિભાગની છે. ત્યારે શેરડીનગરથી કાંસા વિસ્તારને જોડતા આ માર્ગ ઉપર આવેલ ૧૬ ડી નંબરનો રેલ્વે અંડરબ્રીજ તા.૩૦-૯-૨૦૨૫ સુધી રેલ્વે દ્વારા બંધ કરવામાં આવ્યો છે. છબીલા હનુમાનજી મંદિરની પાછળ મસ્તાનગર પાસેથી પસાર થતો ૨૨ એ નંબરનો અંડરપાસ પણ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. આમ રેલ્વે તંત્રની અડોડાઈથી વિસનગરના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.