ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી આઈટીઆઈ ફાટક ખોલવામાં આવશે વિસનગરમાં પદયાત્રા સંઘોનો ટ્રાફીક નાથવા તંત્ર એલર્ટ
આઈ.ટી.આઈ. ફાટકના ઓવરબ્રીજ બાંધકામના કારણે હાઈવે બંધ કરવામાં આવતા વકરેલી ટ્રાફીક સમસ્યામાં ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા પદયાત્રા સંઘોના કારણે શહેરની હાલત શુ થશે તે વિચારથીજ લોકો ચિંતિત થયા છે. શહેરમાં ટ્રાફીક ન થાય તે માટે પદયાત્રા સમય દરમ્યાન ફાટકનો રસ્તો ખોલવા માટે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જેમની સૂચનાથી તંત્ર એલર્ટ મોડમા આવી ગયુ છે. પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા તથા પી.આઈ. એ.એન.ગઢવીએ આઈ.ટી.આઈ. ફાટકની મુલાકાત કરી ટ્રાફીક માટે બન્ને તરફના રોડનુ નિરિક્ષણ કર્યુ હતુ.
પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા અને પી.આઈ. એ.એન.ગઢવીએ ફાટકના બન્ને તરફના રોડની મુલાકાત લીધી
આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજના નિર્માણના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા રસ્તો બંધ કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યુ ત્યારથી શહેરમાં ન જોયેલો ટ્રાફીક વધ્યો છે. જેમાં સવાલા દરવાજા બસ સ્ટેન્ડ વિસ્તારથી એમ.એન.કોલેજ રોડ ઉપર તો દિવસમાં અનેક વખત ટ્રાફીક થાય છે. અંબાજી જતા બહારગામના વાહનો પસાર થતા હોવાથી દર પૂનમે શહેરમાં ચક્કાજામ જોવા મળે છે. ત્યારે ભાદરવી પૂનમે લાખ્ખો યાત્રાળુઓ માતાજીનો રથ લઈ વિસનગરમાંથી પસાર થશે ત્યારે શહેરની હાલત શું થશે તે ચિંતામાં શહેરના લોકો કાંપી રહ્યા છે.
ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રા સંઘોમાંથી મોટા ભાગના સંઘ મહેસાણા ચાર રસ્તાથી આઈ.ટી.આઈ. ફાટક થઈ પાલડી ત્રણ રસ્તા તરફ જતા હતા. પરંતુ આઈ.ટી.આઈ. ફાટક બંધ હોવાથી આ તમામ સંઘ હવે મહેસાણા ચાર રસ્તાથી સવાલા દરવાજા બસ સ્ટેન્ડ, એમ.એન.કોલેજ રોડ થઈને આઈ.ટી.આઈ. ચાર રસ્તા તરફ પસાર થશે. જેમાં સંઘની સાથે રથ પણ હોવાથી શહેરના રોડ ઉપર ટ્રાફીક થશે. સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી કોલેજ રોડ ઉપર ક્યાંક લોખંડની રેલીંગ તો ક્યાંક ડીવાઈડર હોવાથી એસ.ટી. જેવુ મોટુ વાહન રથને ઓવરટેક કરી શકશે નહી. અત્યારે એમ.એન.કોલેજ રોડ ઉપરથીજ બહારગામથી આવતા તમામ વાહનો પસાર થાય છે. આ રોડ ઉપર જો રથ સાથેનો પદયાત્રા સંઘ નીકળશે તો મોટી મુશ્કેલી ઉભી થવાની છે. કેટલાક સંઘ કડા ત્રણ રસ્તાથી દિપરા દરવાજા ઢાળ પોપટલાલ મંદિર થઈને મહિવાડો અને મેઈન બજારમાંથી પસાર થાય છે. જ્યારે કમાણા રોડ અને મહેસાણા રોડ ઉપરના સંઘ સવાલા દરવાજાથી ગોવિંદચકલા પટેલવાડી આગળ થઈને ગૌરવપથ રોડ ઉપરથી પસાર થાય છે. જ્યારે કેટલાક સંઘ એમ.એન.કોલેજ રોડ ઉપરથી પસાર થાય છે.
શહેરમાં ટ્રાફીકની સમસ્યા છે ત્યારે પદયાત્રા સંઘો શહેરમાંથી પસાર થાય તો ટ્રાફીકની ભયાનક પરિસ્થિતિ સર્જાય તેમ હોઈ આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને ભાદરવી પૂનમના મેળા દરમ્યાન આઈ.ટી.આઈ. ફાટક ખોલવા માટે રજુઆત થઈ હતી. રજુઆતથી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે બ્રીજનુ કામ કરતા કોન્ટ્રાક્ટરને મેળાના દિવસો દરમ્યાન ફાટકનો રસ્તો ખોલવા માટે સૂચન કર્યુ હતુ. ભાદરવી પૂનમના મેળા માટે અંબાજીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ અંબાજી જતા પદયાત્રીકો તથા શહેરના લોકો ટ્રાફીકનો ભોગ ન બને તે માટે વિસનગરનુ તંત્ર એલર્ટ મોડમા આવી ગયુ છે. પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા તથા પી.આઈ. એ.એન.ગઢવીએ આઈ.ટી.આઈ. ફાટકની રૂબરૂ મુલાકાત લીધી હતી. વાહનો પસાર થઈ શકે તે માટે ફાટકના બન્ને તરફના રસ્તાનુ નિરિક્ષણ કર્યુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે ભાદરવા સુદ-૯ તા.૧-૯ થી ભાદરવા સુદ પુનમ તા.૭-૯ સુધી ભાદરવી પૂનમના મેળા માટે ફાટકનો માર્ગ ખોલવામાં આવશે.