ખાડામાં પટકાઈ કમર સીધી થઈ નથી ત્યા બંપનો પછડાટ
વોર્ડમાં કામગીરી બતાવવાની લ્હાયમાં નડતરરૂપ વિકાસ
- કોન્ટ્રાક્ટરના લાભમા આડેધડ બંપ લગાવાય છેકે શુ ચર્ચાનો વિષય
વિસનગરમાં કોટ વિસ્તારના લોકો અત્યારે પાલિકા દ્વારા આડેધડ લગાવવામાં આવેલ પ્લાસ્ટીક બંપના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોટ વિસ્તારની બહાર નીકળો તો જાહેર રોડ ઉપર ખાડાનો પછડાટ અનુભવતા લોકો હવે કોટ વિસ્તારમાં કારણ વગર લગાવેલ પ્લાસ્ટીક બંપનો પછડાટ સહન કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાના કે કયા કારણે વગર જોઈતા બંપ લગાવવામાં આવ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. જે વિસ્તારમાં બંપ લગાવ્યા તે વોર્ડના કોર્પોરેટરને પુછો તો પણ સાચી હકીકત બહાર આવે તેમ છે. આ નડતરરૂપ વિકાસથી શહેરના ટુ વ્હીલર ચાલકો તથા રીક્ષામાં બઠેલા પેસેન્જરો પટકાવાનો ત્રાસ સહન કરી રહ્યા છે.
નવરાત્રીના ગરબામાં લ્હાણી કરવામાં આવે છે. ત્યારે વિસનગર પાલિકાના કોટ વિસ્તારના વોર્ડના સભ્યોએ બંપની લ્હાણી કરી છે. શહેરમાં આદર્શથી કમાણા ચાર રસ્તા સીવાયનો કોઈ જાહેર રોડ ખાડા વગરનો જોવા મળતો નથી. ખાડા નગરમાં સાવચેતી રાખવામાં ન આવે તો કમરતોડ પછડાટ સહન કરવી પડે છે. શહેરના જાહેર ખાડાગ્રસ્ત રસ્તાની વચ્ચે કોટ વિસ્તારના રસ્તાની હાલત ઘણી સારી હતી. પરંતુ કેમ જાણે પાલિકાને લોકોની સુખાકારી પસંદ ન હોય તેમ કોટ વિસ્તારના સારા રસ્તા ઉપર પણ પ્લાસ્ટીક બંપ લગાવી દીધા છે. કોટ વિસ્તારમાં સલાટવાડો, માયાબજાર, દરબાર રોડ, મેઈન બજાર, પટણી દરવાજાથી લાલ દરવાજા વિસ્તારમાં દિવસે રીક્ષા ચાલકો અને રાત્રે બાઈક ચાલકો પુર ઝડપે પસાર થતા હોવાથી આ વિસ્તારોમાં બંપ લગાવવાની માગણી ઘણા સમયથી હતી. લોકોની રજુઆત તથા કોર્પોરેટરોની માગણી સંદર્ભે પાલિકા દ્વારા પ્લાસ્ટીક બંપ લગાવવાનુ ટેન્ડરીંગ કરી વર્ક ઓર્ડર આપતા તેનો હવે દુર ઉપયોગ થતો જોવા મળે છે. કોટ વિસ્તારમાં બંપ લગાવવાની કોર્પોરેટરોમાં જાણે હોડ જામી હોય તેવુ જોવા મળે છે. વોર્ડમાં કામગીરી બતાવવાની લ્હાયમાં નડતરરૂપ વિકાસ થઈ રહ્યો હોવાની શહેરાના લોકોની નારાજગી છે. કેટલીક જગ્યાએ તો પાલિકાએ બનાવેલા આરસીસી બંપ તોડી પ્લાસ્ટીક બંપ લગાવતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાની કામગીરી થઈ રહી છેકે શુ તેવી શંકાઓ સેવાઈ રહી છે. જ્યા બંપની જરૂર છે ત્યા બંપ લગાવવામાં આવ્યા નથી અને જ્યા બંપ લગાવાયા છે તે બીનજરૂરી છે.
મેઈન બજારમાં મોટી કંસારાપોળમાં મકાનો વધારે છે. પોળમાંથી બહાર નીકળ તો ટુ વ્હીલર ચાલક મેઈન બજારના રોડ ઉપરથી પસાર થતા વાહનની અડફેટે આવે નહી તે માટે આ પોળ આગળ બંપ લગાવવાની જરૂર હતી. ત્યારે બે રીક્ષા પસાર ન થઈ શકે તે ચોક્સી બજાર ચબુતરા પાસેના સાંકડા રસ્તા ઉપર બંપ લગાવ્યો છે. ગુલઝાર પાન હાઉસ પાસે સાંકડા રસ્તા ઉપર બંપ લગાવ્યો છે. પટણી દરવાજાથી ઝાંપલીપોળ વચ્ચે રબારીવાસ અને ગોગવાળા વાસ આગળ નજીકમાં બંપ લગાવી દીધા છે. વડનગરી દરવાજા ગેટની નીચે બંપની કોઈ જરૂર નહોતી ત્યારે બંપ લગાવ્યો છે. મહિવાડામાં દેસાઈની પોળ આગળ આરસીસી બંપ તોડી પ્લાસ્ટીક બંપ લગાવ્યો છે. હરિહરલાજી મંદિર આગળ એકની જગ્યાએ બે બંપ લગાવ્યા છે. દરબાર રોડ નિલકંઠ મહાદેવવાળા સાંકડા રસ્તામાં રામજી મંદિર આગળ બંપ લગાવવાની જગ્યાએ નિલકંઠ મહાદેવના મંદિરના પગથીયા જોડે બંપ લગાવ્યો છે. દરબાર રોડ મહિવાડા ચાર રસ્તા ઉપર જ્યા જરૂર છે ત્યા બંપ લગાવવામાં આવ્યો નથી. ફતેહ દરવાજાથી જાનીવાડા અને સાતપીંપળીના રસ્તા ઉપર જરૂર કરતા વધારે બંપ લગાવ્યા હોવાની નારાજગી છે. ત્રણ દરવાજા ટાવર પાસે પટેલ મેડિકલથી રાવળવાસ થઈને આથમણા ઠાકોરવાસથી ઉમીયા માતાના મંદિર સુધીના આ રસ્તા ઉપર ફક્ત આથમણા ઠાકોરવાસના લોકોનીજ વધારે અવર જવર છે. ત્યારે આ રોડ ઉપર સાત જગ્યાએ પ્લાસ્ટીકના બંપ લગાવવામાં આવ્યા છે. આમ જ્યા જરૂર નથી ત્યા બંપ લગાવવામાં આવ્યા છે અને જરૂર છે તે રોડ ઉપર એક પણ બંપ લગાવ્યો નથી તે પણ હકીકત છે.