વિસનગર ડેપોના પાર્કિંગમાં વાહન ચોરોનો ત્રાસ
- સાત દિવસમાં બે બાઈક ચોરાયા
વિસનગર ડેપોમા સીસીટીવી કેમેરા અને પોલીસ પોઈંટ હોવા છતા ચોરીના અવાર નવાર બનાવો બની રહ્યા છે. પેસેન્જરો બસમા ચડતી વખતે મોબાઈલ તથા સોનાના દોરાની ચોરીનો ભોગ બની રહ્યા છે. જ્યારે ડેપોના પાર્કિંગમાંથી બાઈક ચોરીના પણ બનાવો બની રહ્યા છે. ડેપોના પાકિંગમાંથી સાત દિવસમા બાઈક ચોરીના બે બનાવો બનતા વાહન માલિકો પોલીસના તેરા તુજકો અર્પણમા બાઈક પરત મળશે કે નહી તેની રાહ જોઈને બેઠા છે.
વિસનગરમા ધુળીમાના પરામા રહેતા દશરથજી નેતાજી ઠાકોર ડ્રાઈવીંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. દશરથજી ઠાકોર તા.૧ર-૬-ર૦રપ ના રોજ સવારે ૯-૦૦ કલાકે એસ.ટી.ડેપોના પાર્કિંગમા પોતાનુ જીજે૦ર બી.આર. ૬૮૪૩ નંબરનુ બાઈક પાર્ક કરીને બસમા ખેરાલુ ગયા હતા. સાંજના આશરે ૪-૩૦ કલાકે ડેપોમા આવીને બાઈક લેવા જતા પાર્કિંગમા જણાયુ નહોતુ જે બાબતે સિટિઝન પોર્ટલ ઉપર ફરીયાદ કરતા પોલીસે રૂા. ૧૦,૦૦૦ની કિંમતનુ બાઈક ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.
ડેપોના પાર્કિંગમાંથી બાઈક ચોરાયા બાદ સાત દિવસમા બાઈક ચોરીનો બીજો બનાવ બન્યો હતો. વિસનગરમા થલોટા રોડ ઉપર આવેલ ઋષિકેશ સોસાયટીમા રહેતા કૈલેશકુમાર ત્રિભોવનભાઈ પટેલ યુજીવીસીએલની વિસનગર ઓફીસમા નોકરી કરે છે. જેમનો પુત્ર સની મહેસાણા ટોરેન્ટ ફાર્મામા નોકરી કરે છે. સની પટેલ જીજે૦પ ઈએચ ૯૯૯પ નંબરનુ બાઈક વિસનગર ડેપોમા પાર્ક કરીને બસમા મહેસાણા ગયા હતા. તા.૧૯-૬-ર૦રપ ના રોજ સાંજે પાંચ વાગે ડેપોમા પરત આવતા પાર્ક કરેલ બાઈક જણાયુ નહોતુ જે બાબતે ફરીયાદ કરતા પોલીસે રૂા.૧પ,૦૦૦ની કિંમતનુ બાઈક ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.