સુંશી-રાલીસણા-ભાલકના ગ્રામજનોને ધુળીયા રસ્તામાંથી મુક્તી ક્યારે?
- ચોમાસાની વિદાય થઈ પણ ડામર રોડની મંજુરી મળતી નથી
- માર્ગ અને મકાન વિભાગની ઢીલી કામગીરી સામે ગ્રામજનોનો રોષ
વિસનગર શહેરની સાથે તાલુકાના ગ્રામજનો પણ વિકાસ કામમાં તંત્રની ઢીલી નીતિથી પરેશાની ઉઠાવી રહ્યા છે. શહેરના હાઈવે ઉપર વેટમીક્ષના ડસ્ટની ધુમ્મસનો ત્રાસ તો છેજ ત્યારે સુંશી, રાલીસણા અને ભાલકના ગ્રામજનો પણ છેલ્લા છ માસથી ધુળીયા રસ્તાનો ત્રાસ સહન કરી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે શહેર અને તાલુકામાં વિકાસ કામોની હારમાળા સર્જી છે પરંતુ આ વિકાસ કામ ઝડપી પૂર્ણ કરવામાં અધિકારીઓ પહોચી નહી વળતા લોકો પરેશાની ઉઠાવી રહ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૨૫ કરોડના ખર્ચે વિસનગર તાલુકાના સુંશી, રાલીસણા અને ભાલક ગામ સુધી ૧૨ મીટર પહોળાઈનો ૧૦.૫ કિ.મી.નો રોડ બની રહ્યો છે. આ નવો રોડ ભાલકથી ત્રાંસવાડ ગામ સુધી અને ભાલકથી મંડાલી રોડ સબ સ્ટેશન સુધી બનવાનો છે. આ રોડમાં આવતા સુંશી, રાલીસણા અને ભાલક ગામમાં ડીવાઈડર અને સ્ટ્રીટ લાઈટ સાથેનો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. રોડ ઉપરથી નિયમિત પસાર થતા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષભાઈ પટેલે રોડ ઉપર જ્યા વરસાદી પાણી ભરાતુ હતુ અને જરૂરી ફેરફાર હતા તે બાબતે આરોગ્ય મંત્રીનુ ધ્યાન દોરતા ટેન્ડરમાં બીજા રૂપિયા પાંચ કરોડનુ કામ વધારતા હવે રૂા.૩૦ થી ૩૧ કરોડના ખર્ચે હાઈવે જેવો રોડ બની રહ્યો છે. વિસનગરથી વિજાપુરના અંતરીયાળ ગામડામાં જવા માટે પણ રોડ ખુબજ મહત્વો છે.
માર્ગ મકાન સ્ટેટની દેખરેખમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગત શીયાળાથી રોડનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં જાણવા મળ્યા પ્રમાણે આરસીસીના નાળાનુ કામ ચાલુ છે. આ સીવાયના રોડ ઉપર લેવલ પ્રમાણે મેટલ અને માટી કામ પણ ગત ઉનાળામાં પુરૂ થઈ ગયુ છે. પરંતુ ડામરનુ કામ થતુ નહી હોવાથી રોજીંદી અવર જવર કરતા ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. રોડ ઉપર ખુબજ ધુળ ઉડતી હોવાથી ટુ વ્હીલર ચાલકો મોં ઉપર રૂમાલ અને ચશ્મા પહેર્યા વગર નીકળી શકતા નથી. ચોમાસામાં ધોવાણ થતા મેટલ ઉપસી આવતા વાહનોના ટાયર પંક્ચરના બનાવ તો રોજીંદા બની રહ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટર આરોગ્ય મંત્રીના મત વિસ્તારના ગ્રામજનો હેરાન ન થાય તે માટે કામ ઝડપી થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ માર્ગ મકાન વિભાગની ઢીલી કામગીરીના કારણે ડામર રોડ બનતો નથી. ડામર રોડના બે લેયર માટે મંજુરી માગી હોવાનુ જાણવા મળ્યુ છે. પરંતુ મંજુરી મળતી નહી હોવાથી ડામર કામ અટકી ગયુ છે. ડામરના બે લેયરનુ કામ કરવામાં આવે તો પણ વાહન ચાલકોને ઘણી રાહત મળે તેમ છે. પરંતુ ઓફીસમાં બેસી રહેતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ગ્રામજનોની પરેશાની દેખાતી નથી અને વાહનચાલકો ઉડતી ધૂળથી પરેશાન થઈ રહ્યા છે. રોડ ઉપર ધૂળ ન ઉડે તે માટે કોન્ટ્રાક્ટર નિયમિત ટેન્કરથી પાણીનો છંટકાવ તો કરે છે પણ મેટલ ઉપસી આવી હોવાથી વાહનોના ટાયરને પંક્ચર પડવાની સમસ્યાનો કાંઈ નિકાલ થાય તેમ નથી. વરસાદ બંધ થઈ ગયો છે ત્યારે માર્ગ મકાન વિભાગ ડામર રોડ માટેની મંજુરી આપે તો જ્યા માટી મેટલ કામ પુરૂ થયે ઘણો સમય થયો છે ત્યા ડામરના બે લેયરનુ કામ થાય તો ગ્રામજનોને ધુળીયા રસ્તામાંથી મુક્તી મળે તેમ છે.