Select Page

ગુરૂકુળ રોડની સોસાયટીઓમાં નર્મદાનુ પાણી મળતા ખુશખુશાલ

ગુરૂકુળ રોડની સોસાયટીઓમાં નર્મદાનુ પાણી મળતા ખુશખુશાલ

ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના પ્રયત્નોથી

  • કોન્ટ્રાક્ટરે આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી વૈશાલીનગરના બોર સુધી ૩૯૬ મીટર પાણીની પાઈપ લાઈન બે દિવસમાં નાખી હતી

વિસનગરમાં આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી રામદેવપીર મંદિર તરફ જતા રોડ ઉપર આવેલ વૈશાલીનગર સોસાયટીના વર્ષો જુના બોરની મોટર વારંવાર બળી જતા આ વિસ્તારની સોસાયટીઓમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતી સર્જાઈ હતી. ત્યારે પાલિકા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના પ્રયત્નોથી પાલિકા દ્વારા બે દિવસમાં ૩૯૬ મીટર નવી પાઈપલાઈન નાખી આ બોરમાં નર્મદાનું પાણી પહોંચાડ્યુ હતુ.
જે અધિકારી કે પદાધિકારીમા આગવી કોઠાસુઝ હોય તેઓ ગમે તેવા પ્રશ્નો ઉકેલ લાવી શકે છે. વહીવટી કુશળ અધિકારીના શાસનમાં પ્રજા કે તેમના તાબાના કર્મચારીઓ હેરાન થતા નથી. જેનો વિસનગર નગરપાલિકામાં ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીનો “ઉત્તમ” દાખલો છે. વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં આવેલ વૈશાલીનગર સોસાયટીના વર્ષો જુના બોરની મોટર વારંવાર બળી જતા આ વિસ્તારની ૩૦ જેટલી સોસાયટીઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ હતી. સોસાયટીના રહીશોને બહારથી પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડતા હતા. ત્યારે પાલિકાના ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પ્રમુખ ઉત્તમભાઈ પટેલે આ રોડની આજુબાજુની સોસાયટીના રહીશોને પાણીની સમસ્યામાથી કાયમી છુટકારો આપવા માટે આઈ.ટી.આઈ.ચાર રસ્તાથી વૈશાલીનગર સોસાયટીના બોર સુધી નર્મદાનુ પાણી પહોંચાડવા ૩૯૬ મીટર નવી પાઈપલાઈન નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી. ચિફ ઓફિસર અને પાલિકા પ્રમુખના પ્રયત્નો અને દેખરેખથી કોન્ટ્રાક્ટરે કૃષ્ણનગર સંપમાથી આઈ.ટી.આઈ. હાઈવે ઉપર પસાર થતી નર્મદાની પાઈપલાઈનમાં જોઈન્ટ આપી ભવિષ્યમાં વરસાદી પાણીના નિકાલની પાણીની પાઈપલાઈન નાખવામાં મુશ્કેલી ન પડે અને આ પાઈપલાઈનને નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખી આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી વૈશાલીનગર સોસાયટીના બોર સુધી બે દિવસમાં ૩૯૬ મીટર નવી પાઈપલાઈન નાખી નર્મદાનું પાણી પહોંચાડ્યુ હતુ. અત્યારે આ વિસ્તારના રહીશો ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલની નર્મદાનુ પાણી પહોંચાડવાની કામગીરીની સરાહના કરી રહ્યા છે.