Select Page

ઉર્જા મંત્રીના શહેરમાં રાત્રે લાઈટ જતા ચોરોએ તક ઝડપી અંધારામાં વિસનગર પોલીસની આબરૂનુ ચીરહરણ થયુ

ઉર્જા મંત્રીના શહેરમાં રાત્રે લાઈટ જતા ચોરોએ તક ઝડપી અંધારામાં વિસનગર પોલીસની આબરૂનુ ચીરહરણ થયુ

વિસનગર પોલીસ સ્ટેશન નજીકના અંતરમાં આવેલ માર્કેટમાં તાળા તુટતા પોલીસને દોષ આપવો કે વિજ કંપનીને તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પોલીસ સ્ટેશન સામેના રોડ ઉપરના માર્કેટમાં ક્યારેય ચોરી થઈ નથી. પરંતુ રાત્રે લાઈટો ડુલ થતા તકનો લાભ ઉઠાવી ચોરોએ તાળા તોડ્યા હોવાનુ ચર્ચાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આરોગ્ય વિભાગના મંત્રી હતા ત્યારે શહેર અને તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. હવે ઉર્જા વિભાગના મંત્રી બનતા શહેરમાં લાઈટો બંધ થવાની સમસ્યાનો અંત આવે તેવા વિકાસની ભેટ ધરે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે. ગત બુધવારની રાત્રે ૧૨-૦૦ કલાકે સ્ટેશન રોડ ઉપર લાઈટો બંધ થતા અંધારામાં વિસનગર પોલીસની આબરૂનુ ચીરહરણ થયુ છે. રાત્રે લાઈટો બંધ થતા સ્ટેશન રોડ ઉપર અંધારપટ હતો. આ તકનો લાભ લઈ ચોરોએ પોલીસ સ્ટેશનની નજીક અને પોલીસ લાઈન સામેના સરદાર માર્કેટના પ્રથમ માળે આવેલ ત્રણ દુકાનના તાળા તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સ્કાય બ્યુટીકેર એન્ડ ક્લાસીસના શટરનુ તાળુ તુટતા આ બ્યુટીપાર્લરમાંથી પાર્લરની મશીનરી, સીલીંગ ફેન, મ્યુઝિક સીસ્ટમ અને કાઉન્ટરમાંથી રૂા.૩૫૦૦ કેશ મળીને કુલ રૂા.૫૦,૦૦૦ ની કિંમતની વસ્તુઓની ચોરી થઈ હતી. બ્યુટી પાર્લરની બાજુમાં એસ.કે.ઓનલાઈન દુકાનનુ તથા નરેન્દ્રભાઈ મોદીની ઓફીસનુ તાળુ તોડવા પણ બળ પ્રયોગ કર્યો હતો. પરંતુ તાળુ નહી તુટતા આ બન્ને ઓફીસમાં કોમ્પ્યુટર, લેપટોપ સહીતનો સામાન ચોરાતા બચી ગયો હતો. પોલીસ લાઈન સામે સરદાર માર્કેટ બન્યુ ત્યારથી ૪૦ વર્ષમાં ચોરીનો ક્યારેય બનાવ બન્યો નથી. ત્યારે ચોરી થતા પોલીસના નાઈટ પેટ્રોલીંગ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. અંધારપટનો લાભ લીધો કે ગમે તે કારણ હોય પણ પોલીસ લાઈન સામેના માર્કેટમાં ચોરી થતા ચોરોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ જણાય છે. આ અગાઉ પણ પોલીસ સ્ટેશન નજીકના ત્રણ દરવાજા ટાવર પાસેના ગેટ વે શોરૂમના ધાબા ઉપરથી એસીના આઉટ ડોર યુનિટના કોમ્પ્રેસરની ચોરી થઈ હતી. જેમાં વેપારીને બે લાખ રૂપિયા જેટલુ નુકશાન થયુ હતુ. જોકે આવી ફરિયાદો નહી નોંધીને પોલીસ પોતાની આબરૂ બચાવી રહી છે. પરંતુ પોલીસ સ્ટેશન નજીકના વિસ્તાર જો સુરક્ષીત રહેતા ન હોય તો શહેરના છેવાડાના વિસ્તારો ક્યાંથી સુરક્ષીત રહેશે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે.