પી.આઈ.કે.બી.પટેલની કાર્યવાહી દેખાવ પુરતી વિસનગરમાં ગૌરવપથ-એમ.એન.રોડ ઉપર ટ્રાફિક સમસ્યા
વિસનગર શહેર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ. કે.બી.પટેલે શહેરના ગૌરવપથ અને એમ.એન.કોલેજ રોડ ઉપર ટ્રાફિક નિયંત્રણની કડક કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ “નવો જમાદાર વધુ દંડા પછાડે” તે કહેવતની જેમ પી.આઈ. કે.બી.પટેલે બે-ત્રણ દિવસ લારી-પાથરણા અને વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. પી.આઈ.ની દેખાવ પુરતી કડક કાર્યવાહીના લીધે આજે શહેરમાં ટ્રાફિક સમસ્યા યથાવત જોવા મળી રહી છે.
વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એન.ગઢવીની મહેસાણા બદલી કરી તેમની જગ્યાએ મહેસાણા વડી કચેરીના લીવ રીઝર્વ અધિકારી કે.બી.પટેલની પી.આઈ.તરીકે નિમણુક કરવામાં આવી છે. ત્યારે “નવો જમાદાર વધુ દંડા પછાડે” તે કહેવતની જેમ પી.આઈ.કે.બી.પટેલે વિસનગરમાં ચાર્જ સંભાળ્યા બાદ દારૂ-જુગારના બુટલેગરો અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ શહેરના ગૌરવપથ અને એમ.એન.કોલેજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા હળવી કરવા રોડ ઉપર નડતરરૂપ લારીઓ, પાથરણાવાળા, આડેધડ વાહન પાર્કિંગ કરનાર વાહન ચાલકો તથા કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈન ફરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી.
અત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારના છુપા આશિર્વાદથી ગામડાઓમાં દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ અને ડબ્બા ટ્રેડીંગની
ઓફિસો ધમધમી રહી હોવાની ચર્ચા
પી.આઈ.કે.બી.પટેલની આવી કડક કાર્યવાહીને જોઈને લોકોમાં એવી ચર્ચા હતી કે પી.આઈ.સાહેબ નવા આવ્યા છે એટલે તેઓ નવા સાહેબ આવ્યા હોવાનો લોકોને સંદેશો આપવા થોડા દિવસ દારૂ-જુગારના અડ્ડા ઉપર રેડો પાડશે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનાર વાહનચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરશે. જોકે લોકોની ચર્ચા સાચી સાબિત થઈ છે. આજે શહેર પોલીસ સ્ટેશનની આજુબાજુમાં જ આડેધડ વાહનોના પાર્કિંગ થાય છે અને કાળા કાચવાળી ગાડીઓ ફરે છે. શહેરમાં દરેક જગ્યાએ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પછી દારૂ-જુગારના અડ્ડાઓ પણ ધમધમતા જોવા મળશે તેવી લોકોમાં ચર્ચા છે. અત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારના છુપા આશિર્વાદથી ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ અને ડબ્બા ટ્રેડીંગની ઓફિસો ધમધમતી રહી હોવાનું લોકોમાં ચર્ચાય છે. ત્યારે જીલ્લા પોલીસ વડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરવી જોઈએ.